સામાન્ય રીતે જન્માષ્ટમીના તહેવાર પર ગુજરાત આખું ગોકુળિયું બની જતું હોય છે અને રાજ્યમાં કૃષ્ણમય ભક્તિનો માહોલ ઠેર-ઠેર જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે જન્માષ્ટમી પહેલાં જ રાજકોટ ગોકુળિયું બનવા જઈ રહ્યું છે. આખું ગોકુળિયું વાતાવરણ ઉભુ કરવા માટે અહીંયા આવનાર સૌ ભક્તો કૃષ્ણની ભક્તિમાં લિન થઈ જાય તે મુજબનું આયોજન કરી ખાસ શ્રીનાથજીની ધજા સાથે સાથે પ્રેમ મંદિર, મોતી મહેલ, શામળાજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવશે. 12.50 એકરની જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાશે
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના મોભી એવા દ્વારકાધીશના પરમ ભક્ત મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા આ સંકલ્પ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ પર ઇશ્વરીયા ગામે 12.50 એકરની વિશાળ જગ્યામાં આખું વૃંદાવન ધામ ઉભું કરી નાથદ્વારાથી શ્રીનાથજીની ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધજા ખાસ ચાર્ટર પ્લેનમાં રાજકોટ આવશે અને ત્યાર બાદ શોભાયાત્રા સાથે ધ્વજારોહણ કરવામાં આવશે. ઘર આંગણે લોકો શ્રીનાથદ્વારાના દર્શનનો લ્હાવો મળશે
આગામી 7, 8 અને 9 જાન્યુઆરી 2025ના ત્રણ દિવસ આખું વૃંદાવન ધામ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડશે અને ખાસ જે લોકો શ્રીનાથદ્વારા સુધી નથી પહોંચી શકતા તેઓને ઘર આંગણે રાજકોટમાં આ ખાસ દર્શનનો લ્હાવો મળવાનો છે. આ માટે છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ધજા રાજકોટ પધારશે
કડવા પાટીદાર સમાજના મોભી અને જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ નાથદ્વારાથી ખાસ ચાર્ટર પ્લેનમાં ધજા રાજકોટ પધારશે અને ત્યાર બાદ રાજકોટમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવોના તીર્થધામ શ્રીનાથદ્વારાની લાંબા અંતરાળ બાદ ગુજરાતમાં પ્રથમવાર ‘શ્રીનાથજીની ધ્વજારોહણ’ ઉત્સવ યોજાશે. જેમાં શ્રીનાથદ્વારાથી આવેલી ધ્વજાનું વાજતે-ગાજતે સામૈયુ કરી વૃંદાવન ધામ ખાતે લઈ જવાશે. વૃંદાવન ધામમાં ત્રણ દિવસના મનોરથ કાર્યક્રમ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે એટલે કે, 7 જાન્યુઆરીના રોજ 56 ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ બીજા દિવસે 8 જાન્યુઆરીના રોજ ગૌચરણ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રીજા દિવસે 9 જાન્યુઆરીના રોજ દીપદાન મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના મનોરથ કાર્યક્રમમાં ધ્વજારોહણના દર્શન કરવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવવાના છે. આ જાહેર કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે, લોકો નાથદ્વારા સુધી નથી પહોંચી શકતા તેઓને ઘર આંગણે આ દર્શનનો લાભ મળે અને કૃષ્ણભક્તિમાં સૌ લિન થાય તે માટે ખાસ વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતાને દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ
શ્રીનાથદ્વારા ધ્વજારોહણની સાથે સાથે વૃંદાવન ધામમાં દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, શ્રીનાથજીના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, ગીરીરાજ પર્વતની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી રહી છે. આ ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમ અને ધ્વજારોહણ દર્શનનો લાભ સાંજના 4.30 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી લોકો લઇ શકશે. આ માટે બાન લેબ અને સમગ્ર ઉકાણી પરિવાર તરફથી આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા તેમજ વૈષ્ણવોને આ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. કોણ છે મૌલેશભાઈ ઉકાણી
બાન લેબ્સ કંપનીને મૌલેશભાઇ ઉકાણીએ એક ઉંચાઇ પર પહોંચાડી છે. વર્ષ 1966માં મૌલેશભાઇના પિતા ડાહ્યાભાઇ પટેલે માત્ર રૂપિયા 16 હજારના રોકાણથી કંપનીની શરૂઆત કરી હતી. હાલ કંપની હજારો કરોડના ટર્નઓવર પર પહોંચી છે. મૌલેશભાઇ માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રે કાર્યરત 100 જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. દ્વારકાધીશના પરમ ભક્ત એવા મૌલેશભાઈ દ્વારકા જગત મંદિરના પણ ટ્રસ્ટી છે અને સીદસર ઉમિયાધામના પણ તેઓ હાલમાં ચેરમેન છે. મૌલેશભાઈ ઉકાણી સેસા હેઇર ઓઇલની બ્રાન્ડની માલિકી ધરાવતા હોવાથી દેશભરમાં જાણિતા છે. તેઓ પોતાની આ જાણિતી બ્રાન્ડ સેસાને 75% હિસ્સો 1200 કરોડ રૂપિયામાં વહેંચી દીધો હતો અને 25% હિસ્સો પોતાની પાસે રાખ્યો છે. બિઝનેસમેન મૌલેશભાઇ ઉકાણીએ પોતાની કંપની બાન લેબના પારદર્શી વહીવટ વ્યવહારથી 250 કરોડથી વધુ રૂપિયાનો એડવાન્સ ટેકસ ભરી રાજકોટ અને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યુ હતું. વર્ષ 2018 સુધી સમયમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આવડો મોટો એડવાન્સ ટેક્સ ભરનાર તેમની કંપની પ્રથમ હતી.