વડોદરા શહેર ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે, જ્યાં 2 હજાર જેટલાં ચંદનનાં વૃક્ષો છે, જેથી ‘પુષ્પરાજ’ જેવા ચંદનચોરો અને તેમની ટોળકીઓ માટે શહેરનો કમાટીબાગ અને MS યુનિવર્સિટી હંમેશાં સોફ્ટ ટાર્ગેટ રહ્યાં છે. ત્યાં સુધી કે, ખૂનખાર મગરો વસવાટ કરે છે, એવી વિશ્વામિત્રી નદી પણ ચંદનચોરો રાતના અંધારામાં પાર કરી જાય છે. છેલ્લાં 20 વર્ષમાં વડોદરામાંથી અંદાજે ચંદનનાં 70 જેટલા વૃક્ષો ચોરાયાં છે. છેલ્લા પાંચ દિવસની અંદર જ શહેરની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બે અને સરદાર બાગમાંથી એક ચંદનના વૃક્ષોની ચોરી થઈ છે. ચંદનચોરોએ માત્ર ત્રણથી પાંચ મિનિટની અંગદર જ આ વૃક્ષોને કાપી ચોરીને અંજામ આપે છે. હાલ પણ પોલીસ આ તસ્કરોને પકડી શકી નથી. MS યુનિ.ના કેમ્પસમાં જ ચંદનનાં 800 વૃક્ષ
વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) કર્ણાટકના રાજા જયચામરાજ વાડિયારને મૈસૂર મળવા ગયા હતા, ત્યાંથી ત્રણથી ચાર ચંદનનાં વૃક્ષો લાવ્યા હતા. આ ચંદનનાં વૃક્ષોને લક્ષ્મીવિલાસ પેલેસ અને કમાટીબાગમાં લગાવવામાં આવ્યાં હતાં. સમગ્ર વડોદરા શહેરમાં ચંદનનાં 2 હજાર જેટલાં વૃક્ષો હશે. કારણ કે, એમ. એસ. યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં જ ચંદનનાં 800 વૃક્ષો છે. ચંદનનું વૃક્ષ 20થી 25 વર્ષ જૂનું હોય તો તેનું વજન 600 કિલો જેટલું હોય છે. ચંદનનું વૃક્ષ તેના લાકડાની ક્વોલિટી પ્રમાણે 6 લાખથી 42 લાખ રૂપિયા સુધીની કિંમતનું થઇ શકે છે. વડોદરામાં ચંદનનાં જે વૃક્ષો છે તેમાં હાલ સુધી કોઇપણ પ્રકારનો રોગચાળો જોવા મળ્યો નથી. ભારતમાં સૌથી મોંઘા વૃક્ષોમાં ચંદન બીજા નંબરેઃ અરૂણ આર્ય
આ અંગે નિવૃત પ્રોફેસર અરૂણ આર્યએ જણાવ્યું હતું કે, ચંદનનું વર્ણન 4 વર્ષ પહેલાથી થયું છે. આપણા પુરાણોમાં અને કૌટીલ્યના અર્થશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ છે. ચંદનના તેલને લિક્વિડ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે અને આખુ વૃક્ષ ગોલ્ડ વેજીટેબલના નામથી ઓળખાય છે. ભારતમાં સૌથી મોંઘા વૃક્ષોમાં ચંદન બીજા નંબરે આવે છે. ચંદન ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, જાપાન, જર્મની અને ઇંગ્લેન્ડ સહિતના દેશોમાં જોવા મળે છે. ચંદનનો પાઉડર એન્ટી સેપ્ટીકનું કામ કરે છે. આપણે ચંદનને માથામાં લગાવીએ તો કુલિંગ ઇફેક્ટ આપે છે. પીંપલ્સ સહિતની બીમારીઓ ચંદન દૂર કરે છે. ‘ચંદનનું વૈજ્ઞાનિક નામ સેન્ટેલમ છે’
વધુમાં તેઓએ કહ્યું કે, ચંદનનાં વૃક્ષોનું બીજ વડના બીજ જેવું નાનું હોય. ચંદનનાં વૃક્ષોનું બીજ પક્ષીઓ ખાય છે અને એનાં બીજ જ્યાં પડે છે ત્યાં ચંદનનાં વૃક્ષો ઊગે છે. ચંદન એ આપણા દેશનું મહત્ત્વનું વૃક્ષ છે. ચંદનનું વૈજ્ઞાનિક નામ સેન્ટેલમ છે અને આ નામ 1742માં વૈજ્ઞાનિકોએ રાખ્યું હતું. ચંદની બે પ્રજાતિ હોય છે, એક સેન્ટેલમ એલ્મબ, જેને ભારતીય ચંદન કહેવાય છે. બીજું પ્રજાતિનું નામ છે સેન્ટેલમ સેપિકેટમ, જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. થાઇલેન્ડ, ચીન, ફિલિપિન્સમાં પણ ચંદનનાં વૃક્ષો થાય છે. ‘સરકારે પણ ચંદનના વાવેતર પરનો પ્રતિબંધ હટાવ્યો’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ સરકારે ચંદનના વૃક્ષને શેડ્યૂલ-એની કેટેગરીમાં મૂક્યું છે, જેથી જો કોઇ વ્યક્તિ ચંદનનું ઝાડ રોપવા માગે તો રોપી શકે છે. ચંદનની એક હેક્ટરમાં (300 વૃક્ષ) ખેતી કરવામાં આવે તો તે 5 કરોડની કમાણી કરાવી શકે છે. પરંતુ જ્યારે પણ ચંદનને કાપવું હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે વન વિભાગની મંજૂરી લેવી પડે છે. ચંદનનું વૃક્ષ તૈયાર થવામાં 15 વર્ષ લાગી જાય છે. વોલિટોઇલ ઓઇલ તેમાંથી નિકળે છે. 15 વર્ષથી વધુ જુના વૃક્ષોમાં આ ઓઇલ હોય છે. ચોર પહેલા ચેક કરે છે કે, ચંદનના વૃક્ષમાં ઓઇલ છે કે નહીં? જેના માટે તેઓ ચંદનના વૃક્ષના થડને કટ મારીને જુએ છે. જો તેમાં ઓઇલની સ્મેલ ન આવે તો તેઓ ચંદનના વૃક્ષને કાપતા નથી. સફેદ કરતા લાલ ચંદન મોંધુ
તેઓએ ઉમેર્યું હતું કે, સફેદ ચંદનના વૃક્ષના એક કિલો લાકડાની કિંમત 7થી 10 હજાર રૂપિયા હોય છે. તો લાલ ચંદનના 100 કિલો (1 ટન)ની કિંમત 20થી 40 લાખ રૂપિયા હોય છે. વડોદરા શહેરમાં 2 હજાર જેટલા સફેદ ચંદનના વૃક્ષો છે. ઇલેક્ટ્રીક સેન્સર બનાવવા ઉપર બેગ્લોરમાં વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે, તે સફળ થશે તો ચંદન ચોરી અટકાવી શકાશે. વૃક્ષની આસપાસ કોઇ વ્યક્તિ પસાર થશે તો તુરંત એલાર્મ વાગશે. ઉજ્જૈન સહિતા ધાર્મિક સ્થળો ઉપર ચંદનના વૃક્ષો મોંઘા ભાવે વેચાતા હોવાથી ત્યાં ચોરો ચંદનને વેચતા હોઇ શકે છે. અમને બંધક બનાવી વૃક્ષ કાપી ગયા હતાંઃ યુવક
વડોદરા શહેરના એક યુવકે જણાવ્યું હતું કે, 8 વર્ષ અગાઉ અમારા ઘર પાસે 8થી 9 ચંદનચોર ત્રાટક્યા હતાં. તેઓ તલવાર જેવા હથિયારો લઈને આવ્યા હતા અને આમારા ઘરમાં ઘૂસી અમને બંધક બનાવીને અમારા ઘર આગણેથી ચંદનના વૃક્ષને ચીરીને લઈ ગયા હતા. આ સમયે અમે પરિવારજનો ખુબ જ ગભરાઈ ગયા હતા. મગરોથી ભરેલી વિશ્વામિત્રી નદી પણ ચોરો પાર કરી જાય છે
અગાઉ જ્યારે ચંદનચોર કમાટીબાગમાં ઘૂસ્યા હતા. બે ચોર ચંદનના વૃક્ષને કાપીને એનું થડ લઇને ભાગ્યા હતા. ચોર આવ્યાની જાણ સિક્યોરિટી ગાર્ડને થતાં તેની પાછળ દોડ્યા હતા, જેથી ચોર ચંદનનું થડ મૂકીને ભાગ્યા હતા. જ્યારે આ થડ ઊંચકીને પરત લાવવાનું થયું તો 10થી 12 ફૂટનું થડ ઊંચકવા માટે 6 લોકોને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આના પરથી અંદાજ આવે છે કે એ થડ ઊંચકીને ભાગનારા ચંદનચોર કેટલા શક્તિશાળી હશે. ત્યાં સુધી કે ચંદનચોર વૃક્ષનું થડ ઊંચકીને ખૂનખાર મગરોથી ભરેલી વિશ્વામિત્રી નદી અંધારામાં પાર કરી નીકળી જાય છે. બની શકે કે, ચંદનચોરોની એક ટોળકી નોનવેજ નાખીને મગરોને નદીના એક કિનારા તરફ ફેંકી એક તરફ કરી લેતા હોય. વડોદરામાં ચંદનચોરો વિશેષ દિવસ પસંદ કરે છે, જેમ કે કોઇ સળંગ જાહેર રજાઓ આવતી હોય, શહેરમાં પૂરની સ્થિતિ હોય અથવા ભારે વરસાદ હોય ત્યારે લોકોની અવરજવર ઓછી હોય અને રાત્રે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ચંદનચોરીને અંજામ આપે છે. ચંદનના વૃક્ષનો રંગ ઘાટા કાળા રંગનો હોય છે, જ્યારે અન્ય વૃક્ષોનાં થડ ભૂરાં રંગનાં હોય છે, જેથી હજારો વૃક્ષોની સંખ્યા વચ્ચે પણ રાતના અંધારામાં પણ ટોર્ચના સહારે ચંદનચોર આ વૃક્ષને ઓળખી લે છે.