અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થતાં વનવિભાગ માટે પડકારો ઊભા થયા છે. સિંહો હવે જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કરી રહ્યા છે. ખાંભા તાલુકામાં સિંહોના આતંકથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે ગત રાત્રે ખાંભામાં સિંહોએ ઘોડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. માત્ર ઘોડી જ નહીં, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અન્ય પશુઓના મારણની ઘટનાઓ સામે આવી રહી છે. સિંહોની આ અવરજવર સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. વનવિભાગને રાત્રે સિંહોને દૂર ખસેડવા માટે દોડધામ કરવી પડી રહી છે. ગામોમાં સિંહો અવારનવાર ઘુસી જાય છે
ખાંભા સરપંચના પ્રતિનિધિ બાબભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ખાંભા શહેર અને આજુ બાજુના વિસ્તારમાં ગાઢ જંગલો આવેલા છે. ગામડા જંગલના બોર્ડર વિસ્તારમાં આવેલા તાતણીયા, નાનુડી, ભાણીયા, ગિદરડી સહિત ગામોમાં સિંહો અવારનવાર ઘુસી જાય છે. લગભગ 4 દિવસ પહેલા ખાંભામાં 3 દિવસ પહેલા આનંદ સોસાયટીમાં આખી રાત સિંહો રહ્યા હતા. ગઈ કાલે રાતે પાલતું ઘોડીનું મારણ કર્યું છે. ખેડૂતોના પાલતું પશુના સાવજો મારણ કરી રહ્યા છે. નિવાસ બનાવી ચૂકેલા સાવજોને જંગલમાં છોડી આવે ખાંભાના ભયમુક્ત બનાવે તેવી માગ છે. રામપુરામાં પણ સિંહ અને સિંહબાળનું ટોળું નીકળ્યું હતું
રાજુલા તાલુકામાં આવેલા રામપરા ગામમાં સિંહ, સિંહબાળનું આખું ગ્રુપ ગામમાં આવી પહોચ્યું હતું. અહીં એક પશુને રહેણાંક મકાનની સામે જ તરાપ મારી દબોચી લઈ મારણ કરી જંગલની જેમ ગામમાં ભર બજારમાં ભોજન કર્યું હતું. સમગ્ર ઘટના સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રામપરા ગ્રામજનો વાંરવાર વનવિભાગને રજૂઆતો કરી સિંહોને દૂર ખસેડવામાં માટેની માંગણી કર્યા બાદ વનવિભાગ અને ગ્રામજનો વચ્ચે બેઠક યોજી પેટ્રોલિંગ પણ વધાર્યું હતું. આમ છતાં સાવજો અવારનવાર રામપરા ગામમાં ઘુસી રહ્યા છે અને પશુઓના મારણ કરી રહ્યા છે.