કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે ગતરોજ (23 ડિસેમ્બર) અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણા પર બેઠા હતાં. ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણા યથાવત છે. આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હાલમાં ટોળાએ ખોખરા વિસ્તારમાં રાધે મોલ બંધ કરાવવાયો છે. ઉગ્ર બનેલા રહીશોએ અત્યાર સુધીમાં 300થી વધુ દુકાનો બંધ કરાવી છે. સાથે જ રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવતા ટ્રાફિકજામ થતા રોડ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે ચાર શકમંદની અટકાયત કરી છે અને કડક વલણ સાથે પૂછપરછ હાથ ધરી છે.