બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોનો અંત નથી આવી રહ્યો. મોહમ્મદ યુનુસની સરકાર તેમના પર સતત નવા આરોપો લગાવી રહી છે. હવે બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (ACC) એ હસીના અને તેના પરિવાર વિરુદ્ધ આશરે રૂ. 42,600 કરોડ ($5 બિલિયન)ની ઉચાપત માટે તપાસ શરૂ કરી છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, હસીના પર રાજધાની ઢાકાથી 160 કિમી દૂર રૂપપુરમાં રશિયન દ્વારા ડિઝાઈન કરાયેલા પરમાણુ પાવર પ્લાન્ટમાં ઉચાપત કરવાનો આરોપ છે. રશિયન સરકારી કંપની રોસાટોમ દ્વારા બનાવવામાં આવી રહેલા આ પ્લાન્ટમાં ભારતીય કંપનીઓનો પણ હિસ્સો છે. ઉચાપત કરેલા નાણાં મલેશિયામાં ટ્રાન્સફર કરવાનો આરોપ
હસીના વિરુદ્ધ તપાસ શરૂ કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે બાંગ્લાદેશની હાઈકોર્ટે થોડા દિવસો પહેલા ACCને પૂછ્યું હતું કે, આ મામલે તેની નિષ્ક્રિયતાને ગેરકાયદે કેમ જાહેર ન કરવી જોઈએ? આ કેસમાં શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાઝેદ જોય, બહેન રેહાના અને ભત્રીજી તુલિપ સિદ્દીકને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપ છે કે તેમણે ઉચાપત કરેલી રકમ મલેશિયાની બેંકમાં ટ્રાન્સફર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્યૂલિપ સિદ્દીક, શેખ રેહાના અને અન્ય લોકોએ મની લોન્ડરિંગની 30% રકમ કમિશન તરીકે મેળવી હતી. શેખ હસીના હાલમાં ભારતમાં રહે છે, જ્યારે તેનો પુત્ર અમેરિકામાં છે અને તેની ભત્રીજી બ્રિટનમાં છે. જો કે, શેખ રેહના વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. સજીબ વાઝેદે કહ્યું- બાંગ્લાદેશમાં રાજકીય દમન થઈ રહ્યું છે
આ પહેલા સોમવારે બાંગ્લાદેશે ભારત પાસે શેખ હસીનાને પરત મોકલવાની માગ કરી હતી. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને પણ આ અંગે એક પત્ર મોકલ્યો હતો. તૌહીદ હુસૈન કહે છે કે, બાંગ્લાદેશ સરકાર ઇચ્છે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન કાયદાનો સામનો કરે. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે આ માગ પર યુનુસ સરકારની ટીકા કરી હતી. પર તેણે લખ્યું તે ન્યાયને બાયપાસ કરે છે અને અવામી લીગના નેતાઓ પર હુમલાઓને પ્રોત્સાહન આપે છે. પહેલા બાંગ્લાદેશની કાંગારૂ કોર્ટ અને હવે દેશનિકાલની આ માગ, તે પણ એવા સમયે જ્યારે સેંકડો નેતાઓ અને કાર્યકરોની ગેરકાયદેસર રીતે હત્યા કરવામાં આવી રહી છે. તેમના પર હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, હજારો લોકોને ગેરકાયદેસર રીતે કેદ કરવામાં આવી રહ્યા છે. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે માનવાધિકાર ભંગની દરેક ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, પરંતુ આ સરકારે કોર્ટને હથિયાર બનાવ્યું છે. અમને આ ન્યાય વ્યવસ્થામાં બિલકુલ વિશ્વાસ નથી. શેખ હસીના સામે અત્યાર સુધીમાં 225થી વધુ કેસ
બાંગ્લાદેશમાં બળવા પછી રચાયેલી યુનુસ સરકારે હસીના વિરુદ્ધ હત્યા, અપહરણથી લઈને રાજદ્રોહ સુધીના 225થી વધુ કેસ નોંધ્યા છે. તે જ સમયે બાંગ્લાદેશ સરકારે ચેતવણી આપી છે કે, ભારતમાં રહીને હસીનાએ આપેલા નિવેદનો બંને દેશોના સંબંધોને બગાડી રહ્યા છે. અનામત વિરુદ્ધ આંદોલને બળવો કર્યો હતો
બાંગ્લાદેશમાં 5 જૂને, હાઇકોર્ટે નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, ત્યારથી ઢાકાની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. આ અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. જ્યારે આ આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ શરૂ કરી. થોડી જ વારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો વડાપ્રધાન અને તેમની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધના બે મહિના પછી 5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા. આ પછી સેનાએ દેશની કમાન સંભાળી.