પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપીને ગરીબ લોકોને પ્રધાન મંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન ફાળવવાના બહાને એક ગઠિયાએ 250 લોકો પાસેથી રૂ.3 કરોડ પડાવી લીધા હતા. મહાઠગ કિરણ પટેલની મિની આવૃત્તિ કહી શકાય તેવા આ ગઠિયા વિરુદ્ધ મળેલી સંખ્યાબંધ રજૂઆતોના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ગઠિયો મકાનના રજિસ્ટ્રેશન પેટે રૂ.30થી 50 હજાર અને ત્યારબાદ દસ્તાવેજ ફી પેટે રૂ.1.40 લાખથી રૂ.1.60 લાખ પડાવતો હતો. જેમાં ભોગ બનનારી મોટાભાગની મહિલા હતી. સાયન્સ સિટી રોડ અને થલતેજ ખાતે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને વિરમસિંહ રાઠોડ નામના માણસે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. આ અંગે ભોગ બનનારા કેટલાક લોકોએ ઝોન-1 ડીસીપી બલરામ મીણાને રજૂઆત કરી હતી. ટીમે વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ રાઠોડ (શાનવી એપાર્ટમેન્ટ,બોપલ)ને ઝડપી લીધો હતો. વિરમસિંહની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, તેણે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં જીપીએસસની તૈયારી કરતો હતો. જ્યારે 2022માં તેણે એકાદ બે વ્યક્તિને પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપી પૈસા પડાવ્યા હતા. જો કે 2 લોકોને સરળતાથી છેતર્યા બાદ લોકોને છેતરવાનો ધંધો શરૂ કરી દીધો હતો. 2022 થી આજ દિન સુધીમાં 250 લોકો પાસેથી રૂ.3 કરોડ પડાવી લીધા હતા. ઝોન – 1 ડીસીપીએ જણાવ્યું કે વિરમસિંહ વિરુધ્ધ વસ્ત્રાપુર, સોલા અને નારણપુરા પોલીસમાં 3 ગુના નોંધાયા છે. હજુ વધુ ગુના નોંધાશે. ગરવી ગુજરાત પોર્ટલના ખાલી સ્લોટનો ફોટો મોકલતો
આવાસ યોજનાના મકાનની ફાળવણી કેવી રીતે થાય તે વિરમસિંહ યુ ટયુબ અને મ્યુનિ.ની વેબસાઈટ પરથી જોતો હતો. ત્યારબાદ ગરવી ગુજરાત પોર્ટલ પરથી મકાનના ખાલી સ્લોટનો ફોટો પાડીને ગ્રાહકોને મોકલતો હતો.જ્યારે સોલા સબ રજિસ્ટ્રાર કચેરીના પહેલા માટે વેઈટિંગ હોલામાં લોકોને બોલાવીને કાગળો ઉપર સહીંઓ કરાવીને રોકડા અને ઓન લાઈન પૈસા લેતો હતો. લોકોને છેતરવા માટે વિરમસિંહે ચાણકયાપુરીની એક ઓફિસે બોલાવતો હતો. આરોપીએ શેરબજાર, ફૂડ કોર્ટમાં 1.4 કરોડ ગુમાવ્યા
વિરમસિંહે લોકો સાથે છેતરપિંડી કરીને ભેગા કરેલા પૈસા માંથી ગોતા બ્રિજ પાસે ફૂડ કોર્ટ ભાડે રાખ્યો હતો. જેમાં રૂ.60 લાખનું નુકસાન થતાં ધંધો બંધ કરી દીધો હતો. સરકારમાંથી ગૃહ ઉદ્યોગનો કોન્ટ્રાકટ લેવા માટે શીવધારા ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. તેમાં પણ રૂ.30 લાખનું નુકસાન થયું હતુ. આ ઉપરાંત શેર માર્કેટ અને ફયુચર એન્ડ ઓપન સેગમેન્ટમાં 50 લાખનું નુકસાન થયું હતું. સલૂનમાં આવતા લોકો સાથે મિત્રતા કેળવી હતી
લોકોને છેતરવા માટે વિરમસિંહે વાડજમાં આવેલા એક હેર સલુનમાં ઉઠક બેઠક શરુ કરી હતી. ત્યાં પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ફાળવવામાં તેની ગોઠવણ હોવાનું કહીને લોકોને લોકોને તેયાર કરતો હતો. જ્યારે ડ્રો માં મકાન લાગ્યા બાદ સબસીડી મળે તેનો લાભ લેવાનું કહીને મહિલાઓના નામે જ મકાન બુક કરાવતો હતો.