સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાંથી છાશવારે દર્દીને કાઢી મૂકવામાં આવે છે, થોડા દિવસ પહેલાં આવી ઘટનામાં ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા છતાં કોઇ સુધારો થયો નથી. મંગળવારે સવારે પ્રૌઢને ઇમર્જન્સી વિભાગના ત્રીજા માળે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને યુરિન બેગ લગાવી દેવામાં આવી હતી. કેટલાક રિપોર્ટ આવવાના બાકી હતા ત્યારે વોર્ડમાં ફરજ પર રહેલા ડોક્ટરે દર્દીને આ આરામ કરવાનું સ્થળ નથી રિપોર્ટ આવે પછી સાંજે આવજો તેમ કહી કાઢી મૂક્યા હતા. જોકે દિવ્ય ભાસ્કરની ટીમે હોસ્પિટલે પહોંચી પ્રૌઢને ફરીથી દાખલ કરાવ્યા હતા અને હાલમાં આ દર્દીને બાટલા ચડાવવામાં આવ્યા હતા અને તેની સારવાર હાલમાં પણ ચાલુ છે. બજરંગવાડીમાં રહેતા યુસુફભાઇ ફતેખાન બ્લોચ નામના 50 વર્ષના પ્રૌઢે બપોરે દોઢેક વાગ્યે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તેઓ દાખલ હતા અને ડોક્ટરે તેમને વોર્ડમાંથી કાઢી મૂક્યા છે, જાણ થતાં જ દિવ્ય ભાસ્કરની ટીમ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગની સામે પહોંચી હતી. જ્યાં યુસુફભાઇ બ્લોચ મળ્યા હતા, તેમને યુરિન બેગ લગાડવામાં આવી હતી. યુસુફભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, 1994માં તેમના હૃદયના વાલ્વનું અોપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં તેમનું હૃદય 10 ટકા જ કામ કરે છે. છેલ્લા બે દિવસથી તેઓ લઘુશંકા કરી શક્યા નથી. ગુપ્તાંગ પાસે સોજો આવી ગયો છે. તાવ પણ છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સવારે સાડા દશેક વાગ્યાના અરસામાં પોતે પોતાના પત્ની સાથે હોસ્પિટલે આવ્યા હતા. ઇમર્જન્સી વિભાગમાં ડોક્ટરે તપાસીને સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરાવ્યા હતા અને તેમને ઇમર્જન્સી વિભાગના ત્રીજા માળે આવેલા વોર્ડ નં.10માં દાખલ કરવાનું ડોક્ટરે લખી આપ્યું હતું, તેમજ અન્ય કેટલાક રિપોર્ટ પણ કરવાનું ડોક્ટરે કહ્યું હતું. યુસુફભાઇ તેમના પત્ની સાથે વોર્ડ નં.10માં પહોંચ્યા હતા જ્યાં તેમને યુરિન બેગ લગાવી દેવામાં આવી હતી. ફરજ પર રહેલા ડોક્ટરે કહ્યું હતું કે, સાંજે ચાર વાગ્યે રિપોર્ટ આવે પછી આવજો. યુસુફભાઇની હાલત સારી નહોતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ઇમર્જન્સી વિભાગમાંથી તેમને દાખલ કરવાનું લખી આપ્યું હતું છતાં આ વોર્ડના ડોક્ટરે તેમને સાંજે આવવાનું કહી રવાના થવાનું જણાવી દીધું હતું. યુસુફભાઇએ પોતે આટલો સમય ક્યાં કાઢશે?, તેમની સ્થિતિ સારી નથી તેવું કહીને દાખલ રાખવા આજીજી કરી હતી, પરંતુ ડોક્ટર માનવતા ચૂક્યા હતા અને તેમણે કહ્યું હતું કે, આ આરામ કરવાની જગ્યા નથી જતા રહો. લાચાર દર્દી યુસુફભાઇ વોર્ડમાંથી નીકળી ગયા હતા અને દિવ્ય ભાસ્કરની ટીમનો સંપર્ક કર્યો હતો. ભાસ્કરની ટીમે દર્દીની અાપવીતી જાણી હોસ્પિટલના આરએમઓ ડો.દુસરાને ફોનથી જાણ કરતાં ડો.દુસરાએ હેલ્પ ડેસ્કની ટીમને દોડાવી હતી. હેલ્પ ડેસ્કની ટીમે સમગ્ર માહિતી જાણી હતી. દર્દી યુસુફભાઇને દાખલ કરાયા હતા અને દાખલ રાખવાની સ્થિતિ હતી તેવું તેમને સ્પષ્ટ થયું હતું ત્યારે ડેસ્કની ટીમ યુસુફભાઇને લઇને ફરીથી વોર્ડમાં પહોંચી હતી અને અંતે વોર્ડના ડોક્ટરે તેમને દાખલ કરવા પડ્યા હતા. દર્દીને બહાર રવાના કરી દેનાર ડોક્ટરે પણ એ વાત કબૂલી હતી કે, દર્દી યુસુફભાઇનું હૃદય 10 ટકા જ કામ કરે છે. ભાસ્કરની ટીમ યુસુફભાઇને દાખલ કરીને બપોરે રવાના થઇ ગઇ હતી. રાત્રે આઠેક વાગ્યે ફોન કરતા યુસુફભાઇએ કહ્યું હતું કે, રિપોર્ટ આવી ગયા છે, તેઓ દાખલ છે, બાટલા ચડી રહ્યા છે અને સારવાર ચાલુ છે. સિવિલ હોસ્પિટલમાં છાશવારે દર્દીઓ સાથે આવા અમાનવીય વર્તન સામે તબીબી અધિક્ષક સહિતના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે કે દર્દીને જોખમી સ્થિતિમાં મૂકી દેનાર ડોક્ટરને બચાવી લેવાશે તે આગામી કલાકોમાં સ્પષ્ટ થઇ જશે.