માધાપર ચોકડી પાસે કોર્નર પર ખડકી દેવામાં આવેલું 12 માળનું નેક્ષસ બિલ્ડિંગ સંપૂર્ણપણે ગેરકાયદે હોવાનું હવે સ્પષ્ટ થઈ ગયું છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે 24-12-2024ના રોજ આપેલા અભિપ્રાય મુજબ હવે આ બિલ્ડિંગને તોડી પાડવા સિવાય કોઇ આરોવારો નથી ત્યારે આ બિલ્ડિંગના કોમર્સિયલ પ્લાનને શરતી મંજૂરી આપનાર મ્યુનિસિપલ કમિશનર, ટી.પી.ઓ. સામે પણ આકરી કાર્યવાહી થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. આ ઉપરાંત 2017થી અત્યાર સુધીમાં જેટલા પણ મ્યુનિસિપલ કમિશનર, ટી.પી.ઓ. તેમજ માર્ગ અને મકાન વિભાગના ઈજનેરે મંથરગતિએ કાર્યવાહી કરી નેક્ષસ બિલ્ડિંગના માલિક બાકિર ગાંધી અને અન્યોને બચાવવા માટે તેમજ કૌભાંડ છાવરવા માટે કેવા કેવા ખેલ કર્યા તેની વિગતો પણ દિવ્ય ભાસ્કરને સાંપડી છે. આ બિલ્ડિંગના શો-રૂમ તેમજ ઓફિસનું વેચાણ પણ થઈ ગયું છે. બીજી બાજુ બી.યુ. પરમિશન કે કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી ત્યારે એક નાની સરખી પણ જો દુર્ઘટના બને તો તેના માટે બિલ્ડર ઉપરાંત મંજૂરી આપનાર મ્યુનિસિપલ કમિશનર, ટી.પી.ઓ. અને આળસુ વૃત્તિ દાખવનાર માર્ગ અને મકાન વિભાગના ઈજનેર જવાબદાર ગણાશે. નેક્ષસ બિલ્ડિંગનો સૌથી પહેલા રેસિડેન્સિયલ પ્લાન રૂડામાં મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તાર મનપામાં ન હોવાથી રૂડાએ મંજૂરી આપવાની હતી. રાજકોટ જામનગર હાઈવે માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોવાથી રીબન રૂલ્સ મુજબ નિયંત્રણ અને બાંધકામ રેખા નક્કી કરવા રૂડાએ માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો હતો. માર્ગ અને મકાન વિભાગે ઉત્તર આપ્યો હતો કે, રહેણાક બાંધકામ હોય તો માર્ગની મધ્યરેખાથી 40 મીટર પછી બાંધકામ કરી શકાશે. આ પ્રમાણે રૂડાએ મંજૂરી આપી હતી. જોકે ત્યારબાદ કોમર્સિયલની મંજૂરી માગવામાં આવી ત્યારે ફરી માર્ગ અને મકાન વિભાગને પત્ર લખતા કાર્યપાલક ઈજનેરે કોમર્સિયલ બાંધકામ માટે માર્ગની મધ્યથી 60 મીટર જગ્યા રાખવા કહ્યું હતું અને તેમાં પણ શરત હતી કે બાંધકામ ન થયું હોવું જોઈએ. જ્યારે બાકિર ગાંધીએ 40 મીટર પણ જગ્યા છોડી ન હતી તેથી આખું બિલ્ડિંગ રહેણાક માટે પણ ગેરકાયદે હતું તેમાં મનપામાં વિસ્તાર ભળ્યા બાદ આર્કિટેક્ટ ધર્મેન્દ્ર મીરાણી મારફત આખી બિલ્ડિંગને કોમર્સિયલમાં ફેરવવા નોંધ મુકાઈ હતી જેને મંજૂરી પણ આપી દેવાઈ હતી. હવે જ્યારે બિલ્ડિંગ બની ગઈ છે ત્યારે તપાસાર્થે ફરી માર્ગ અને મકાન વિભાગનો અભિપ્રાય માગતા ત્યાંથી સ્પષ્ટ જવાબ આવ્યો છે કે, બાંધકામ થયા બાદ કોઇ અભિપ્રાય આપવાનો થતો હોય નહિ અને બાંધકામ પહેલાં જે અભિપ્રાય વિભાગે આપ્યો હતો તે જ અનુસરવાનું હોય છે. એટલે કે, કોમર્સિયલ બિલ્ડિંગ રસ્તાની મધ્યથી 60 મીટરે હોવું જોઈએ. જ્યારે નેક્ષસ બિલ્ડિંગનું બાંધકામ 40 મીટર કરતા પણ ઓછા અંતરે ખડકી દેવાયું હોવાથી આખું કામ જ ગેરકાયદે સાબિત થયું છે. માર્ગ અને મકાન વિભાગના નિયમોમાં ક્યાંય પણ રસ્તાની નિયંત્રણ રેખાથી બાંધછોડ કે પછી રિવાઈઝ પ્લાનની પદ્ધતિ જ ન હોવાથી બિલ્ડિંગ તોડવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ કારણે બાકિર ગાંધી અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરીને બે તંત્ર વચ્ચે સતત પત્ર વ્યવહાર ચાલુ રખાવી ચલકચલાણું રમાડી સમય બગાડે છે. આ યુક્તિ ભાસ્કરે પકડી પાડતા આખરે 24-12ના દિવસે માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે, સૌથી પહેલાં 2017માં બાંધકામ રેખા અને નિયંત્રણ રેખાનો જે અભિપ્રાય અપાયો હતો તે આખરી છે તેના સિવાય ફેરફાર થશે નહીં. કાર્યપાલક ઈજનેરે 17 ડિસેમ્બરે કરેલા શંકાસ્પદ અભિપ્રાય અંગે ભાસ્કરના સવાલ બાદ 24-12-2024ના રોજ નિયમ મુજબનો સ્પષ્ટ અભિપ્રાય આપવો પડ્યો હતો. ભાસ્કરે સવાલ કર્યો સાચું શું? ઈજનેરે 24 કલાકમાં જ અભિપ્રાય બદલ્યો
મનપાએ રમવા માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર પાસે ફરીથી અભિપ્રાય માગતો પત્ર સપ્ટેમ્બરમાં લખ્યો હતો. જેનો અભિપ્રાય છેક 17 ડિસેમ્બરે લખાયો હતો. તેમાં પ્રથમ પેરેગ્રાફમાં તો એમ જ લખ્યું હતું કે, જે તે સમયે અભિપ્રાય અપાયો છે હવે અભિપ્રાય આપવાનો થતો નથી. જોકે બીજા પેરેગ્રાફમાં એવું લખ્યું હતું કે, સદરહું બિલ્ડિંગ જે સ્થળ પર છે તે હવે મનપા હસ્તક તેમજ વિકસિત છે. જે રીબન ડેવલપમેન્ટ મુજબ ‘અ’ અને ‘બ’ એમ બે પ્રકારની કેટેગરીમાં આવે છે. 50 ટકાથી વધુ બાંધકામ હોય તો અ વિસ્તાર અને બાકી બ વિસ્તાર કહેવાય છે. આ ફકરો ફરી મનપાને મૂંઝવવા લખ્યો છે. જેને લઈને ભાસ્કરે પ્રશ્ન કર્યો હતો કે, જે ‘અ’ અને ‘બ’ કેટેગરીનો ઉલ્લેખ કર્યો છે તે મુજબ મંજૂરી અપાય? તે કેટેગરીમાં આ બિલ્ડિંગ ક્યાં બંધ બેસે છે? તો તેનો જવાબ નાયબ કાર્યપાલક ઈજનેર પટેલ પાસે ન હતો. છેવટે એવું સ્પષ્ટ પૂછવામાં આવ્યું કે અત્યારે જે બિલ્ડિંગ ઊભું છે તે માર્ગ અને મકાન વિભાગના નિયમ મુજબ કાયદેસર છે? તો તેઓએ કહ્યું હતું કે, નિયમ મુજબ બનાવી શકાય જ નહિ! આ વાર્તાલાપ બાદ ઈજનેરે તુરંત જ 24-12ના નવો પત્ર લખી મનપાના ટી.પી.ઓ.ને સ્પષ્ટ કહી દીધું હતું કે, અભિપ્રાય તો અપાશે જ નહિ અને જે 2017માં અભિપ્રાય આપ્યો હતો કે રહેણાક હોય તો 40 મીટર અને કોમર્સિયલ હોય તો 60 મીટરની દૂરીએ બાંધકામ કરવાનું છે તે યથાવત્ રહે છે. આમ ગત સોમવારે ભાસ્કરે કરેલા સવાલ બાદ કાર્યપાલક ઈજનેરને માત્ર 24 કલાકમાં જ અભિપ્રાય બદલવો પડ્યો હતો. 7 વર્ષ સુધી અધિકારીઓ ખો-ખો રમ્યા; સૌથી મોટી ગેરરીતિમાં ટીપીના સાગઠિયા માર્ગ અને મકાનના ઈજનેરો જવાબદાર
બાંધકામ અત્યાર સુધી કેમ સુરક્ષિત રહ્યું તેમાં સૌથી મોટી ગેરરીતિ ટી.પી. શાખાની જ છે. જ્યારે પણ પ્લાન રિવાઈઝ કરવા માટે મુકાય ત્યારે માર્ગ અને મકાન વિભાગની મંજૂરી મેળવ્યા વગર જ પ્લાન મંજૂર કરી દીધા હતા. તે તમામ પ્લાનમાં એવી જરૂર નોંધ કરી હતી કે, માર્ગ અને મકાન વિભાગની મંજૂરી લેવાની રહેશે એટલે કે પ્લાનને શરતી મંજૂરી અપાઈ છે. માર્ગ અને મકાન વિભાગ પાસે રિવાઈઝ પ્લાન મંજૂર કરવાની કોઈ સત્તા નથી તેમનું એક જ કામ છે કે બાંધકામ રેખા અને નિયંત્રણ રેખાથી આગળ બાંધકામ થવું જ જોઈએ નહિ. જો થયું હોય તો તે તમામ ગેરકાયદે છે. આ કારણે જ અત્યાર સુધી માર્ગ અને મકાન વિભાગની મંજૂરી મેળવવા હવાતિયાં લાગી રહ્યા હતા અને ન મળતા પત્ર વ્યવહાર કરાવી અને દરેક પત્રમાં ગોળ ગોળ જવાબ કરીને RBના ઈજનેરો અને મનપાના ટી.પી. શાખાના અધિકારીઓ બાકિર ગાંધીને બચાવવા મેદાને પડ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનના; PGVCL અને મનપાના અધિકારી સામે થઈ શકે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ
સુપ્રીમ કોર્ટે રાજીવ ગુપ્તા વિ. યુ.પી. આવાસ એવમ વિકાસ પરિષદ અને અન્યના કેસમાં આપેલો ચુકાદો બાંધકામ નિયમો, સુરક્ષા અને સુવિધાને લઈને મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. ચુકાદાના ચોથા મુદ્દામાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, વીજ કનેક્શન, પાણી પુરવઠો, ડ્રેનેજ સહિતની સુવિધાઓ કમ્પ્લીશન અને ઓક્યુપેશન સર્ટિફિકેટ આવ્યા બાદ જ આપવાની રહેશે. કમ્પ્લીશન કે અન્ય સર્ટિફિકેટ વગરની બિલ્ડિંગમાં કોઇપણ પ્રકારના ધંધા વ્યવસાયને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. કોઇપણ વિકાસ પરવાનગી ઝોનલ પ્લાન મુજબ જ કરવાની રહેશે અને તેમાં સુધારો આવે તો લોકોના હિત અને પર્યાવરણને ધ્યાને રાખીને તેમાં મંજૂરી આપવાની રહેશે. નેક્ષસ બિલ્ડિંગમાં બી.યુ. કે કમ્પ્લીશન વગર જ પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપ્યા છે તેમજ મનપાએ ડ્રેનેજ અને પાણીની લાઈન આપી છે. ત્યારે આ મામલે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થઈ શકે.