પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતિ નિમિત્તે શહેરના તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે. પ્રભુ ઈશુએ માનવ રૂપ ધારણ કર્યું છેઃ ફાધર રોજન્ડ
રાજકોટ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના ફાધર રોજન્ડએ જણાવ્યું હતું કે, નાતાલની ઉજવણી સમગ્ર દુનિયા સાથે મળીને કરે છે. પ્રભુ ઈશુ મુક્તિદાતા સમગ્ર માનવ જાતિના છે. પ્રભુ ઈશુના જન્મના વધામણાં થયા, ત્યારે ફરિસ્તાઓએ સમગ્ર દુનિયાના મુક્તિદાતાનો જન્મ થયો છે. કોઈ વ્યક્તિ પરિવાર કે સમાજ નહિ પરંતુ સમગ્ર દુનિયાના સમગ્ર લોકો માટેના મુક્તિદાતાનો જન્મ થયો છે. જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય, અંધકારમાં રહેતા હોય, બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા, મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઇ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના દ્વાર ખોલી આપવા પ્રભુ ઈશુએ માનવ રૂપ ધારણ કર્યું છે. 170 વર્ષ જુના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા
બ્રિટિશકાળમાં વર્ષ 1854 દરમિયાન રાજકોટ શહેરમાં મોચી બજાર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી. જે રાજકોટમાં ‘ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ’ તરીકે ઓળખાય છે. 170 વર્ષ જુના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા. ગત મધરાતે 12 વાગ્યે પ્રથમ નાતાલના ગીતો-કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઇ વૃધ્ધો સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી એક બીજાને મેરી ક્રિસમસ કરી શુભેચછાઓ પાઠવી હતી. આ ઉજવણી મોડી રાત સુધી રાજકોટના ચર્ચમાં ચાલુ રહી હતી. ચર્ચમાં ડેકોરેશન સાથે ખાસ ગમાણ તૈયાર કરાઈ
એવું કહેવાય છે કે, ઈસુનો જન્મ જેરુસલેમના બેથલહેમમાં પ્રાણીઓથી ભરેલા તબેલા કે ગમાણમાં થયો હતો અને જન્મ બાદ તેમને વીંટાળવા માટે કપડું પણ ન હતું. આ બાળ ઈસુ મસીહાને જંગલમાં પ્રાણીના ચામડામાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા. માટે ખાસ દરેક ચર્ચમાં ડેકોરેશન સાથે એક ખાસ ગમાણ તૈયાર કરવામાં આવે છે અને સાથે ક્રિસમસ ટ્રી પણ જોવા મળે છે, જેના થકી સમાજને ઈશુ ક્ષારીસ્ટના જન્મ અને જીવનનો સંદેશ આપવામાં આવે છે. રાજકોટમાં કુલ પાંચ ચર્ચ
રાજકોટમાં એક-બે નહીં પરંતુ પાંચ ચર્ચ આવેલા છે. મોચીબજાર ખાતે આવેલું ‘ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ’ સૌથી જૂનું અને પહેલું ચર્ચ છે. આ ઉપરાંત આઈ.પી. મિશન સ્કૂલમાં આવેલું ચર્ચ, કાલાવડ રોડ ઉપર આવેલું પ્રેમમંદિર નામથી જાણીતું ચર્ચ, શ્રોફ રોડ પર અને જામનગર રોડ ઉપર પણ ચર્ચ આવેલું છે. ઉલ્લેખનીય છે કે, 1854ના સમયમાં જ્યુબિલી ગાર્ડનમાં નાની જગ્યામાં ચર્ચની સ્થાપના કરાઇ હતી. ત્યારબાદ સમયાંતરે વિશાળ જગ્યામાં સ્થાપના થઇ. 1985માં આ ચર્ચનું ફરી નવીનીકરણ કરી દિવ્ય બનાવવામાં આવ્યું. ‘ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ’માં કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ આજે પણ અહીં આવે છે અને પ્રાર્થનામાં ભાગ લે છે.