સૌરાષ્ટ્રમાં વાદળો હટતા જ ફરી શિતલહેર છવાઈ ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોમાં તાપમાન નીચે સરકી જતા શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા છે. રાજકોટ શહેરમાં ફરી તાપમાન સિંગલ ડિગ્રીમાં પહોચી ગયું છે. જ્યારે ગીરનાર અને નલિયામાં પારો 7 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુરૂવારથી ફરી હવામાનમાં પલટો આવતાની સાથે જ શિયાળામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજા દિવસે રાજકોટનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું
રાજકોટ શહેરમાં ફરી એકરાતમાં પારો નીચે ઉતરી જતા ગઈકાલ (24 ડિસેમ્બર) રાત્રિથી ફરી શહેરીજનો કાતિલ ઠંડીમાં લપેટાયા હતા. વહેલી સવારમાં ભેંજનું પ્રમાણ ઘટી જતા ઠાર અને પવનના સુસવાટના કારણે 9 વાગ્યા સુધી શહેરમાં ધુમસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટમાં ફરી પારો સિંગલ ડિગ્રીમાં પહોંચી ગયો હતો. રાજકોટ શહેરમાં ગઇકાલે પવનની ઝડપ 12 કિ.મી. નોંધાઈ હતી, તે પછી ક્રમશ: ઘટીને 6 કિ.મી. સુધી પહોચી ગઈ હતી. આજે સતત બીજા દિવસે શહેરનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. ગિરનાર અને નલિયામાં 7 ડિગ્રી તાપમાન
ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના હવામાન ઉપર જોવા મળી રહી છે. તીવ્ર ઠાર અને કાતિલ પવનના સુસવાટાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તેમાં પણ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ગિરનાર અને નલિયામાં 7, રાજકોટમાં 9, કેશોદમાં 10, પોરબંદરમાં 11, જૂનાગઢ-અમરેલીમાં 12-12, મહુવા-સુરેન્દ્રનગરમાં 12.5-12.5, તો દીવ-ભાવનગરમાં 13.5-13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટાભાગના શહેરોનું મહતમ તાપમાન પણ 27 ડિગ્રીની અંદર પહોંચી ગયું હતું. 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 5 ડિગ્રી ગગડ્યું
પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી ગગડી ગયું હતું. સોમવારે લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું, જે મંગળવારે 12.7એ પહોંચી ગયું હતું. હજુ 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. એ પછી તાપમાન ફરી 2થી 4 ડિગ્રી વધતાં ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે. હવામાન ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં સવારથી ઠંડા પવનને પગલે શીતલહેર ફરી વળી હતી. નલિયામાં સૌથી વધુ 7.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ત્રણ દિવસ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી ત્રણ દિવસ એટલે કે, ગુરૂવાર, શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ અને કચ્છમાં તથા શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના છુટાછવાયા વિસ્તારમાં હળવા-ભારે વરસાદી ઝાંપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.