અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલા ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે સ્થાનિક રહીશો ધરણાં પર બેઠા હતા. જે ધરણાં આજે સવારે પૂરાં થયાં છે. આ સાથે જ જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી, તે પ્રતિમાને હટાવીને નવી પ્રતિમા મૂકવામાં આવી છે. વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ ખોખરા પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા આજે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને પથ્થર મારી ખંડિત કરનારા મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરનું ખોખરા પોલીસે સરઘસ કાઢ્યુ હતું. પોલીસ બંને આરોપીને ઘટનાસ્થળે લઈને પહોંચી હતી અને ઘટનાનું રીકન્સટ્રકશન કર્યું હતું. બંને આરોપીએ બાબાસાહેબ આંબેડકરની માફી માગી હતી. ઝોન 5 DCP, ACP અને ઝોનના તમામ પીઆઈ બંદોબસ્તમાં હાજર રહ્યાં હતાં. ફરાર આરોપીઓને જલ્દી ઝડપી પાડવામાં આવેઃ અનામિકાબેન
આ અંગે સ્થાનિક મહિલા આગેવાન અનામિકાબેન મકવાણાને જણાવ્યું હતું કે, પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજી ત્રણ આરોપીની ધરપકડ કરવાની બાકી છે. આ આરોપીઓને પોલીસ દ્વારા જલ્દીથી જલ્દી ધરપકડ કરવામાં આવે. પોલીસ પોઇન્ટ અને સીસીટીવી કેમેરા મુકવાની પણ અમારી માંગ છે, જે માંગને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે. તેમજ બાકીના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માગ યથાવત છે. પોલીસ પોઈન્ટ અને CCTV લગાવવા માગઃ સ્થાનિકો
તો વધુમાં સ્થાનિક આગેવાન પ્રકાશભાઈ અને ગૌરાંગભાઈએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેથી આંદોલન આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ હજી ત્રણ આરોપીઓ ધરપકડ કરવાના બાકી છે, તેની જલ્દીથી જલ્દી ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે સીસીટીવી કેમેરા લગાવવા અને પોલીસ પોઇન્ટ મૂકવાની પણ અમારી માગ છે. ત્રણ આરોપી હજુ ફરાર
રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ખોખરા વિસ્તારમાં જયંતી વકીલની ચાલી બહાર મૂકવામાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પથરો મારીને તોડવામાં આવી હતી. જે અંગે જાણ થતાં સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. સ્થાનિક રહીશો અને દલિત સંગઠનો દ્વારા પ્રતિમાની પાસે ધરણાં પર બેસી ગયા હતા જ્યાં સુધી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવ્યા અને તેઓનું સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પર બેસી રહે છે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાકીના ત્રણ આરોપીઓ ફરાર છે. દલિત આગેવાનો દ્વારા મૂર્તિનું અનાવરણ
પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવતા સ્થાનિક રહીશો દ્વારા આજે બુધવારે સવારે ધરણાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જયંતી વકીલની ચાલીની બહાર જે પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તેને દૂર કરીને ત્યાં નવી પ્રતિમા મૂકવામાં આવી છે. આજે સવારે સ્થાનિક રહીશો અને દલિત આગેવાનો દ્વારા મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને ધરણાં પૂર્ણ કરવામાં આવ્યા હતા. ખોખરા પોલીસ દ્વારા આજે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો….. અમદાવાદમાં બીજા દિવસે પણ ધરણાં યથાવત્, લોકોએ ખોખરામાં ફરીને બંધ કરાવ્યો