શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઇસ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલમાં અગાઉ વિદ્યાર્થીઓ પાસેથી એસી લગાવવા માટે વિદ્યાર્થી દીઠ 1000 રૂપિયા લેવામાં આવ્યા હતા. જે અંગે DEOએ પૈસા વાલીઓને પરત આપવા આદેશ કર્યો હતો, પરંતુ વાલીઓને પૈસા પરત ના આપવા પડે તે માટે સ્કૂલ દ્વારા વાલીઓની અલગ અલગ મિટિંગ બોલાવીને સમજાવવામાં આવ્યા હતા. રાજસ્થાન સ્કૂલના પ્રિન્સીપાલ વાલીઓને ધમકી સ્વરૂપે સમજાવતા હતા કે, તમારા બાળકોની સગવડ માટે એસી લગાવ્યા છે તેથી તમારે પૈસા આપવા પડે જો તમે પૈસા ના આપો તો આવતા વર્ષે ટ્રસ્ટ નિર્ણય કરશે. સ્કૂલના પ્રિન્સિપલનો વાલી સાથેની વાતચીતનો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે DEOએ પણ સ્કૂલે નોટિસ ફટકારી તપાસ સોંપી છે. AC અંગે વાલીઓએ DEOને ફરિયાદ કરી
શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલના વર્ગોમાં એસી લગાવવામાં આવ્યા હતા. એસી લગાવવા માટે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પાસેથી 1,000 એસી માટે લેવામાં આવ્યા હતા. આ અંગે વાલીએ DEOને ફરિયાદ કરી હતી. જેને પગલે DEO દ્વારા સ્કૂલને નોટિસ આપીને તાત્કાલિક તમામ વાલીઓને પૈસા પરત આપવા આદેશ કરવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા વાલીઓને પૈસા પરત નહીં આપીને વાલીઓને સમજાવવા માટે અલગ અલગ વાલીઓને બોલાવીને મિટિંગ કરવામાં આવી હતી. સ્કૂલ સુવિધા આપે તો પૈસા આપવા પડે
તે મિટિંગ દરમિયાન સ્કૂલના પ્રિન્સીપાલનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ વાલીઓને કહી રહ્યાં છે કે, સ્કૂલમાં નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. જેમાં જગ્યા ઓછી હોવાથી ગભરામણ થાય છે જેથી એસી લગાવ્યા છે. તમામ રૂમમાં એસી લગાવવામાં આવ્યા છે. સંસ્થાને મેન્ટેન કરવા ખર્ચની જરૂર પડે છે એક પણ ગ્રાન્ટેડ સ્કૂલમાં એસી લગાવવામાં આવ્યા નથી. તમે અત્યારે પૈસા ના આપો તો આવતા વર્ષે ફીમાં પૈસા આપવા પડશે અને જો આ વર્ષે પૈસા ના આપો તો સંસ્થા આવતા વર્ષે નિર્ણય કરશે. સંસ્થાના ટ્રસ્ટી પાસે તો 1,000 કરોડ રૂપિયા છે તેઓ 100 કરોડનું દાન કરે છે એટલે તેમને પૈસાની જરૂર નથી. આ એસી તમારા બાળકો માટે છે જો તમે બાળકોને ભણાવવા 10,000 રૂપિયાનું ટ્યુશન રખાવતા હોય તો ગરમીમાં બાળકો માટે એસી હોવું જોઈએ. બિલ્ડીંગનું મેન્ટેનન્સ તો આવેને આટલી સુવિધા આપવામાં આવે તો તેના માટે પૈસા આપવા પડે. વાઇરલ વીડિયો બાદ DEOએ એક્શન લીધા
પ્રિન્સિપાલ વાયરલ વીડિયો બાદ DEOએ સ્કૂલને તમામ વાલીઓના પૈસા પરત આપવા આદેશ કર્યો છે. આ વાલીઓ પાસેથી સહી કરાવીને તે DEO કચેરીમાં જમા કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ સ્કૂલે પૈસા લીધા ત્યારે તે પરત અપાવ્યા હતા, પરંતુ સ્કૂલ પૈસા પરત ના આપવા પડે તે માટે વાલીઓને બોલાવીને સમજાવી રહ્યા છે. ગ્રાન્ટેડ સ્કૂલના વાલીઓ પાસેથી કોઈપણ રીતે ડોનેશન ના લઈ શકાય વાલીઓના સંમતિ સાથે કે સંમતિ વિના આ પ્રકારે પૈસાના લઈ શકાય. સ્કૂલનું ટ્રસ્ટ છે સ્કૂલ ઇચ્છે છે તો ટ્રસ્ટમાં દાન મેળવી શકે, પરંતુ સીધી રીતે વાલીઓ પાસેથી દાન ના મેળવી શકે.