અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે 37 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી. ડોનાલ્ડ ટ્રમ્પને બાઈડનનો આ નિર્ણય ગમ્યો નહીં. તેનણે આ નિર્ણયનો વિરોધ કર્યો અને કહ્યું કે હું શપથ લઈશ કે તરત જ હું ન્યાય વિભાગને આદેશ આપીશ કે અમેરિકન પરિવારોને બળાત્કારીઓ, હત્યારાઓ અને શેતાનોથી બચાવવા માટે મૃત્યુદંડ આપવાનું ચાલુ રાખે. અમે ફરીથી દેશમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરીશું. જણાવીએ કે રાષ્ટ્રપતિ જો બાઈડને ફાંસીની સજા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ટ્રમ્પે કહ્યું છે કે આ સજા ફરીથી શરૂ કરવામાં આવશે. અમેરિકામાં, રાષ્ટ્રપતિ ઘણીવાર તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં વિશેષ સત્તાનો ઉપયોગ કરીને કેટલાક લોકોની સજા ઘટાડવા અથવા માફ કરે છે. બાઈડને આ સત્તાનો ઉપયોગ 37 લોકોની સજા ઘટાડવા માટે પણ કર્યો હતો. એકવાર રાષ્ટ્રપતિ કોઈની સજા ઘટાડી દે કે માફ કરી દે તો તેને બદલી શકાતી નથી. બાઈડનના નિર્ણયથી મૃતકના પરિવારજનો દુખી- ટ્રમ્પ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે આ ગુનેગારોના કૃત્યો સાંભળ્યા પછી વિશ્વાસ નહીં આવે કે તેઓએ આ કર્યું છે. બાઈડન સરકારના નિર્ણયથી મૃતકોના પરિવારજનો દુઃખી છે. તેઓ માની શકતા નથી. વ્હાઇટ હાઉસે આ મામલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડન માત્ર આતંકવાદ અને નફરતથી સંબંધિત સામૂહિક હત્યા માટે મૃત્યુદંડનું સમર્થન કરે છે. બાઈડન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ જેમને તકલીફ પડી છે. પરંતુ હવે આ નિર્ણયથી પાછળ હટી શકાય તેમ નથી. ઘણા લોકોએ બાઈડનની પ્રશંસા કરી જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, 13 ડિસેમ્બર સુધી રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, જો બાઈડને 65 લોકોની સજા માફ કરી છે અને 1,634 કેદીઓની સજામાં ઘટાડો કર્યો છે. સિવિલ સોસાયટીના ઘણા લોકોએ આ નિર્ણય માટે બાઈડનની પ્રશંસા કરી છે અને તેમને હિંમતવાન ગણાવ્યા છે. આના બે અઠવાડિયા પહેલા બાઈડને 1500 કેદીઓની સજા ઘટાડવાની જાહેરાત કરી હતી. આ તમામ કેદીઓને કોરોના મહામારી દરમિયાન જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ નજરકેદ હતા. આ સિવાય તેમણે હિંસક ગુનાઓમાં સંડોવાયેલા ન હોય તેવા 39 ગુનેગારોની સજા માફ કરી હતી. બાઈડને તેમના પુત્ર હન્ટરની સજા પણ માફ કરી દીધી આ પહેલા જો બાઈડને તેમના પુત્ર હન્ટર બાઈડનની સજા પણ માફ કરી દીધી હતી. હન્ટર બાઈડન ગેરકાયદેસર બંદૂક રાખવા અને ટેક્સ ચોરી કેસમાં સજાનો સામનો કરી રહ્યો હતો. પુત્રની સજા માફ કરવા અંગે જો બાઈડને કહ્યું કે મને કાયદો અને વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે, પરંતુ રાજકારણે તેને ગંદુ બનાવી દીધું છે. આ ન્યાયતંત્રની નિષ્ફળતા છે. કોઈપણ સમજદાર વ્યક્તિ જેણે હન્ટરના કેસને સમજ્યો છે તે જાણતા હશે કે તેને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે મારો પુત્ર છે.