કિયારા અડવાણી ટૂંક સમયમાં રામ ચરણ સાથે ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘ધોપ’ રિલીઝ થયું હતું. દરમિયાન, કિયારાએ આ ગીતના ડાન્સ રિહર્સલનો એક વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં કોરિયોગ્રાફર માસ્ટર જાનીનો ઉલ્લેખ હતો, જેના પર બળાત્કારનો આરોપ છે. આ પછી યુઝર્સ કિયારા પર ગુસ્સે થયા. જોકે, બાદમાં કિયારાએ તેનું કેપ્શન બદલ્યું હતું. વાત એમ હતી કે, કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મને યાદ છે કે જ્યારે મેં માસ્ટર જાનીની કોરિયોગ્રાફી જોઈ, ત્યારે મને આશ્ચર્ય થયું કે અમે તે કેવી રીતે કરીશું, પરંતુ આ અમારા કામની ખાસ વાત છે કે અમે હંમેશા કંઈક નવું શીખતા રહીએ છીએ.’ કિયારાનું કેપ્શન વાંચીને લોકો ગુસ્સે થઈ ગયા. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘બોલિવૂડના કલાકારોને કોઈ વાતની પરવા નથી.’ બીજાએ લખ્યું, ‘જાની માસ્ટરને જામીન મળ્યા બાદ અને તેમનો નેશનલ એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યો ત્યારે હોબાળો થયો હતો, તો કિયારાએ આવું કેમ લખ્યું?’ ત્રીજાએ લખ્યું, ‘એક મહિલા હોવાને કારણે તમે તમારી પોસ્ટમાં જાની માસ્ટરનું નામ કેમ લીધું? શું તમે તેમના વિશેના તાજેતરના સમાચારો નથી જાણતા?’. સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી, કિયારાએ તેના કેપ્શનમાંથી જાની માસ્ટરનું નામ હટાવી દીધું અને પછી ડિરેક્ટર અને કો-એક્ટરની પ્રશંસા કરી. ગેમ ચેન્જર ફિલ્મમાં રામ ચરણ ડબલ રોલમાં જોવા મળશે. તેની સાથે કિયારા અડવાણી, અંજલિ, એસજે સૂર્યા, શ્રીકાંત અને સમુથિરકાની જેવા સ્ટાર્સ છે. ફિલ્મમાં રામ ચરણ એક IAS અધિકારીની ભૂમિકામાં છે, જે ભ્રષ્ટ વ્યવસ્થાને પડકારે છે. નોંધનીય છે કે, તેલુગુ કોરિયોગ્રાફર જાની માસ્ટર એટલે કે શેખ જાની બાશા પર 21 વર્ષની છોકરીએ શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. POCSO હેઠળ કેસ નોંધાયા બાદ, સ્પેશિયલ ઓપરેશન ટીમ (SOT)એ 19 સપ્ટેમ્બરે ગોવામાંથી તેની ધરપકડ કરી હતી. આ પછી, શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો. જાની માસ્ટરને વર્ષ 2022માં રીલિઝ થયેલી ધનુષની ફિલ્મ ‘તિરુચિત્રમ્બલમ’ના ગીત ‘મેઘમ કારુકથા’ના નૃત્યની કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે સતીશ કૃષ્ણન સાથે આ ગીતની કોરિયોગ્રાફી કરી હતી.