back to top
Homeદુનિયાબાંગ્લાદેશે પાકિસ્તાની સેનાને ટ્રેનિંગ માટે બોલાવી:ફેબ્રુઆરીમાં શરૂ થશે, 53 વર્ષ બાદ ઢાકા...

બાંગ્લાદેશે પાકિસ્તાની સેનાને ટ્રેનિંગ માટે બોલાવી:ફેબ્રુઆરીમાં શરૂ થશે, 53 વર્ષ બાદ ઢાકા પહોંચશે પાક સોલ્જર

બાંગ્લાદેશે તેના સૈનિકોને તાલીમ આપવા માટે પાકિસ્તાન આર્મી ટીમને બોલાવી છે. 1971ના ભારત-પાક યુદ્ધમાં કારમી હારના 53 વર્ષ બાદ પાકિસ્તાની સેના ફરી એકવાર બાંગ્લાદેશની ધરતી પર પગ જમાવશે. પાક આર્મીના મેજર જનરલ રેન્કના અધિકારીની આગેવાનીમાં એક વિશેષ ટીમ બાંગ્લાદેશી સેનાને તાલીમ આપશે. રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેનિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થશે. તાલીમનો પ્રથમ તબક્કો મેમેનશાહી કેન્ટમાં આર્મી ટ્રેનિંગ એન્ડ ડોક્ટ્રિન કમાન્ડ (ATDC) હેડક્વાર્ટર ખાતે યોજાશે. તાલીમનો આ પ્રથમ તબક્કો એક વર્ષ સુધી ચાલશે. આ પછી PAK આર્મી બાંગ્લાદેશ આર્મીના તમામ 10 કમાન્ડમાં તાલીમ પણ આપશે. ટ્રેનિંગ માટે પાકિસ્તાન આર્મીના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ નવેમ્બરમાં બાંગ્લાદેશને ટ્રેનિંગ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવને બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને સ્વીકાર્યો હતો. આ પછી જનરલ વકારે પાકિસ્તાન આર્મીને ટ્રેનિંગ માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનથી મંગાવ્યો દારૂગોળો, કવાયતમાં ભાગ લેશે
બાંગ્લાદેશે પાકિસ્તાનથી દારૂગોળાના બે કન્સાઈનમેન્ટ મંગાવ્યા છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે બાંગ્લાદેશે 40 હજાર રાઉન્ડ દારૂગોળાનો ઓર્ડર આપ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ ત્રણ ગણું છે. ગયા વર્ષે આ 12 હજાર રાઉન્ડ હતા. આ સિવાય 2 હજાર રાઉન્ડ ટેન્ક દારૂગોળો અને 40 ટન આરડીએક્સનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. બાંગ્લાદેશ નેવી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં કરાચી બંદર પર પાકિસ્તાન સાથે નૌકાદળની કવાયત કરશે. આ સંયુક્ત કવાયતને અમન-2025 નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન દર 2 વર્ષે આ કવાયતનું આયોજન કરે છે. બાંગ્લાદેશ 15 વર્ષ બાદ આ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. શેખ હસીનાના સમગ્ર કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશે તેમાં ભાગ લીધો ન હતો. 2022માં શેખ હસીનાએ પાકિસ્તાનના યુદ્ધ જહાજ તૈમૂરને ચટગાંવમાં રોકવાની પરવાનગી પણ આપી ન હતી. આ કારણે તૈમુરને ઈંધણ લેવા માટે મ્યાનમારના ક્યોકફૂ પોર્ટ પર લંગર કરવું પડ્યું હતું. પાકિસ્તાન-બાંગ્લાદેશના એકસાથે આવવાથી ભારત પર અસર
વેસ્ટ એશિયા પોલિસી સેન્ટરના સંરક્ષણ નિષ્ણાત કમર આગાના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વધતી જતી નિકટતા ભારતના 80 કિમી પહોળા સિલિગુડી કોરિડોર (ચિકન નેક) માટે જોખમ વધારી શકે છે. આ કોરિડોર ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. બાંગ્લાદેશમાં પાકિસ્તાનના પ્રવેશ પછી ઉત્તર-પૂર્વના કટ્ટરપંથી જૂથો વધુ પ્રભાવિત થવાની સંભાવના છે. બીજી તરફ, બાંગ્લાદેશનું ભૌગોલિક રાજકીય સ્થાન ખૂબ મહત્વનું છે. ભૂતાનનું ડોકલામ પણ ચિકન નેક કોરિડોરની નજીક છે. ચીન તેને કબજે કરવા માગે છે. બાંગ્લાદેશમાં યુનુસ સરકાર અને હવે પાક આર્મીના પ્રવેશ બાદ ચીન માટે સ્થિતિ અનુકૂળ છે. કમર આગાએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં પાકિસ્તાન તરફી દળોનો હંમેશા દબદબો રહ્યો છે. ફરક એટલો છે કે શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન તેમના પર અંકુશ હતો, પરંતુ બાંગ્લાદેશના આર્મી ચીફ વકારે પાકિસ્તાન આર્મી અને અન્ય દળો સાથે મળીને હસીના વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. 5 ઓગસ્ટે કોઈ લોકક્રાંતિ ન હતી, પરંતુ સેનાએ એક મોટી યોજના સાથે બળવો કર્યો હતો. અમેરિકાએ ઢાકાને હિંદુઓ પર હુમલા અંગે ચેતવણી આપી
અમેરિકાની બાઈડન સરકારે બાંગ્લાદેશની યુનુસ સરકારને બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલા અંગે ચેતવણી આપી છે. સોમવારે મોડી રાત્રે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને યુનુસ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં બાંગ્લાદેશમાં માનવાધિકાર અને લોકશાહીની કથળતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સુલિવને કહ્યું કે, દરેક નાગરિકના માનવ અધિકારોનું રક્ષણ કરવું એ કોઈપણ સરકારની પ્રાથમિક જવાબદારી છે. આ માટે નક્કર પગલાં લો. આના પર યુનુસે અમેરિકાને માનવાધિકારની સુરક્ષા અને લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવાની ખાતરી પણ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments