16 ડિસેમ્બર, 2024ના રોજ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આ મામલે પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે. એને લઇને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે (25 ડિસેમ્બર) આરોપી વિજય પાસવાનને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોટેન્સી ટેસ્ટ માટે આરોપીને સિવિલ હોસ્પિટલ લવાયો
આરોપી વિજય પાસવાનના કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે એમ ના હોવાને કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી. આરોપીને અંદાજે 11 વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ પોલીસ રવાના થઈ હતી. જોકે આ દરમિયાન આરોપીની છાતી પર ‘મર્દ’ લખેલું ટેટૂ મળ્યું હતું. આ ઉપરાંત આરોપીના કપાળના ભાગે બે ભમરો વચ્ચે પણ ટેટૂનું એક નાનું ટપકું જોવા મળ્યું હતું. દુષ્કર્મની ઘટનામાં પોટેન્સી ટેસ્ટનું ખૂબ જ મહત્ત્વ
ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દુષ્કર્મની ઘટનામાં આરોપી સામે પુરાવા એકત્ર કરવાના કામે લાગી છે. દુષ્કર્મની ઘટનામાં પોટેન્સી ટેસ્ટનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પર્મનો નમૂનો લેવામાં આવતો હોય છે. આરોપી દુષ્કર્મ ગુજારવા માટે સક્ષમ છે કે કેમ તેમજ બાળકી સાથે દુષ્કર્મ બાદ મેડિકલ તપાસમાં જે પુરાવા ભેગા થાય છે એની સાથે મેચ થયા છે કે કેમ એ જોવું પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ રિપોર્ટના આધારે આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એના મજબૂત પુરાવા વૈજ્ઞાનિક રીતે એકત્રિત થઈ ગયા માનવામાં આવે છે. પોટેન્સી ટેસ્ટ શું છે?
કોઈ વ્યક્તિ નપુંસક છે કે નહીં એ ખાસ પ્રકારના ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આ ટેસ્ટને પોટેન્સી ટેસ્ટ કહેવામાં આવે છે. ઘણી વખત બળાત્કારના આરોપીઓ પોતાને નપુંસક હોવાનો દાવો કરીને છટકી જવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કોર્ટના આદેશ પર પોલીસ આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરે છે.