25થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે (25 ડિસેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 7 વાગ્યે વિધિવત રીતે કાર્નિવલ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરી કાર્નિવલ પરેડ શરૂ કરાવી હતી. તો બીજી તરફ ગુજરાતી સિંગર સાંત્વની ત્રિવેદીએ ‘વાલમ’ અને ‘રસિયો રૂપાળો રંગ રેલીયો’ સોન્ગ પર સૌને ડોલાવ્યા હતા. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 7 દિવસ ચાલનારા કાર્નિવલમાં 22 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. આવનાર લોકો માટે 5 હજાર કરોડનો વીમો લેવાયો છે. કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. સાત દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પર્ફોર્મન્સ કરશે. 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર 1 પર પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે.