મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. તેને અબ્રામા રોડ પર લઈ જઈ માર મારી રાજકોટથી આવેલા 10 કરોડ પૈકી એક કરોડની માંગણી કરી હતી પરંતુ, યુવકે પોતાની પાસે એક પણ રૂપિયો ન હોવાનું જણાવતા તમામે તેને ઢીક્કામુક્કીનો ઢોર માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અબ્રામા રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા. ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર કુકડીયા ઓનલાઇન મોબાઇલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગઈકાલે બપોરે 2 વાગ્યાના અરસામાં તે કાપોદ્રા ચાર રસ્તા પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉન પાસે ઊભો હતો ત્યારે એક બાઈક પર આવેલા બે અજાણ્યા શખસો તથા સ્વીફ્ટ કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ તેની પાસે આવી આકાશને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને મોતનો ભય બતાવી બળજબરીથી કારમાં બેસાડી દઈ તેનું અપહરણ કર્યું હતું. આ બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી ડીસ્ટાફ પીએસઆઈ એ.એલ.પંડ્યાની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. ટીપના આધારે મિત્રોએ ભેગા મળી ખંડણીનો પ્લાન બનાવ્યો
આકાશે આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ડીસ્ટાફ પીએસઆઈ એ.એલ.પંડ્યાએ તપાસ હાથ ધરી હતી. જેમાં તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ હાર્દિક મધુ ખુમાણ, ખુશાલ રમેશભાઈ સાવલિયા અને કેવલ ભરત કાકડીયા નામના ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા છે તથા હજુ બીજા ચાર આરોપીને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કેસમાં સાવલિયા ખુશાલે જ તેના મિત્રોને ટીપ આપી હતી કે આકાશ પાસે 10 કરોડ રૂપિયા આવ્યા છે અને ખુશાલની ટીપના આધારે જ આ તમામ મિત્રોએ ભેગા મળી તેના અપહરણનો અને ખંડણીનો પ્લાન બનાવ્યો હતો. જેથી હાલ તો પોલીસે ત્રણની ધરપકડ કરી અને ચારને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.