ભારત હવે વૈશ્વિક વેપારમાં પણ પગદંડો જમાવી રહ્યું છે. છેલ્લા બે દાયકા દરમિયાન વૈશ્વિક વેપારમાં પણ ભારતે પોતાનું સામર્થ્ય સાબિત કરતા નોંધપાત્ર ગ્રોથ દર્શાવ્યો છે. ભારતનો આયાત તેમજ નિકાસ બંનેમાં હિસ્સો આ સમય દરમિયાન બમણો વધ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના રિપોર્ટ અનુસાર વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 2005ના 0.9%થી વધીને 2023માં 1.8% નોંધાયો છે, જ્યારે સેવા નિકાસમાં તેનો હિસ્સો 2%થી બમણાથી વધુ વધીને 4.3% નોંધાયો છે. દેશનો નિકાસમાં હિસ્સો વર્ષ 2005ના 1.2%થી વધીને 2023માં 2.4% થયો છે. મજબૂત વેપાર કરાર, વૈવિધ્યસભર નિકાસ પોર્ટફોલિયો, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇન અને પ્રોડક્શન લિન્કડ ઇન્સેન્ટિવ સ્કીમ જેવી સરકારી પહેલને કારણે આ ગ્રોથ શક્ય બન્યો છે. દેશનું સેવા નિકાસમાં પ્રદર્શન વસ્તુઓની નિકાસ કરતાં પણ વધુ રહ્યું છે. વસ્તુઓની નિકાસમાં ભારતનો વૈશ્વિક સ્તરે 16મો ક્રમાંક છે જ્યારે સેવા નિકાસમાં સાતમો ક્રમાંક છે. તે ઉપરાંત વૈશ્વિક આયાતમાં પણ ભારતનો હિસ્સો વધ્યો છે. વસ્તુઓની આયાત વર્ષ 2005ના 1.3%થી વધીને વર્ષ 2023માં 2.8% રહી હતી, જ્યારે સેવા આયાત પણ 2.4%થી વધીને 3.4% રહી છે. અમેરિકામાં નિકાસ વધારવા રૂ.750 કરોડના ફંડની નિકાસકારોની માગ
યુએસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનીઝ વસ્તુઓ પર જંગી ટેરિફની ચેતવણી આપી છે ત્યારે તેનાથી ભારત માટે સર્જાતી તકોનો લાભ લેવા માટે નિકાસકારોએ યુએસ ખાતે આગામી ત્રણ વર્ષમાં $25 અબજની નિકાસને શક્ય બનાવવા માટે રૂ.750 કરોડના ફંડની માંગ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બજેટ પહેલાની બેઠક દરમિયાન ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગે.ના પ્રેસિડેન્ટ અશ્વિની કુમારે 5%ની ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમની મુદતને વધારવા અનુરોધ કર્યો હતો.