લગ્નની જોડી સ્વર્ગમાં બને છે તેવું કહેવાય છે, પરંતુ પૃથ્વી પર લગ્નના તાંતણે બંધાવવાનો અવસર હવે વધુને વધુ ખર્ચાળ બની રહ્યો છે. મોંઘવારી વચ્ચે પણ ખર્ચાળ લગ્નપ્રસંગો છતાં લોકો મોટા પાયે ખર્ચ કરતા પણ અચકાતા નથી. આ વર્ષે જ ઉદ્યોગ જગતના દિગ્ગજ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના રૂ.5,000 કરોડના ખર્ચે યોજાયેલા લગ્નથી સમગ્ર વિશ્વ ચકિત થયું હતું. આ એક મોટી સંખ્યા છે ત્યારે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પણ હવે ભવ્ય લગ્નપ્રસંગો કરવાની આ હોડમાં હવે સામેલ થઇ રહ્યા છે અને વર્ષ 2020-21માં વેડિંગ માર્કેટમાં જોવા મળેલી મંદી હવે લગભગ ગાયબ થઇ ચૂકી છે. જસ્ટડાયલના રિપોર્ટ અનુસાર મેટ્રો શહેરોમાં લગ્નને લગતી સેવાઓમાં 34%નો ગ્રોથ જોવા મળ્યો છે, જેમાં દેશની રાજધાની દિલ્હી લગ્નને લગતા સર્ચમાં 44% સાથે ટોચ પર રહ્યું છે અને રિસોર્ટ માટેના સ્થળની પસંદગીમાં પણ 4 ગણો વધારો થયો છે. તાજેતરમાં વેડિંગ પ્લાનર વેડમીગુડ દ્વારા હાથ ધરાયેલા સરવે અનુસાર લગ્નના બજેટમાં વાર્ષિક 6.7%નો વધારો થયો છે, જેમાં સરેરાશ ખર્ચ રૂ.35.6 લાખ પર પહોંચ્યો છે. CAIT દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ નોંધાયો છે. CAITના ફાઉન્ડર અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે વર્ષ 2022માં લગ્નનો સરેરાશ ખર્ચ રૂ.20 લાખ હતો, જે વર્ષ 2023માં વધીને રૂ.25 લાખ થયો હતો. જ્યારે આ વર્ષે લગ્નદીઠ ખર્ચ વધીને રૂ.30 લાખ પર પહોંચ્યો છે. આ વર્ષે સોનું તેમજ ઝવેરાતના ભાવ પણ ઊંચા સ્તરે રહ્યા છે, જે લગ્નના ખર્ચને લઇને લોકોના બદલાયેલા વલણને દર્શાવે છે. નવેમ્બર દરમિયાન દેશમાં સોનાની આયાત 4 ગણી વધીને $14.86 અબજ રહી છે. જાન્યુઆરીમાં 10 ગ્રામ સોનાની કિંમત63,500 હતી, તે ડિસેમ્બરમાં વધીને રૂ.80,000 પહોંચી છે. ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ! ગ્રોથ વધીને 26% નોંધાયો
વર્ષ 2022માં ડેસ્ટિનેશન વેડિંગનો હિસ્સો 18% હતો, જે 2023માં વધીને 21% હતો અને આ વર્ષે વધુ વધીને 26% થયો છે. ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ વધ્યો છે. રાજસ્થાન જેવા પરંપરાગત સ્થળો લોકપ્રિય રહ્યા છે ત્યારે નવયુગલો હવે આકર્ષક અને વધુ વ્યક્તિગત અનુભવ માટેના સ્થળ પસંદ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વેડિંગ ફોટોગ્રાફીનો ખર્ચ 10-15%
દેશમાં સરેરાશ રીતે વેડિંગ ફોટોગ્રાફીનું સરેરાશ બજેટ 4-5% છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આ બજેટની રેન્જ 10-15%ની વચ્ચે છે. દેશમાં વેડિંગ ફોટોગ્રાફીના બજેટમાં વધારો થયો હોવાનું લાગતું હોવા છતાં આંતરરાષ્ટ્રીય ધોરણો પર નજર કરતા તેમાં વધુ ગ્રોથની સંભાવના છે. ટૂંકમાં વેડિંગ ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં પણ ઉછાળો નોંધાયો છે.