ભાસ્કર ન્યૂઝ | વૉશિંટન
ગત મહિને અમેરિકાના ફ્લોરિડામાં 14 વર્ષના કિશોર (સગીર) સેવેલ સેટ્જરે એઆઈ ચેટબૉટ્સ ડેનીના પ્રેમમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. બંને વચ્ચે કલાકો સુધી વાતો થતી હતી. થોડા સમય પહેલાં બેલ્જિયમમાં 2 બાળકોના પિતાએ એઆઈ કમ્પેનિયન એલિજાની સાથે સંબંધો જોડ્યા પછી આત્મહત્યા કરી લીધી હતી. ટેક કંપનીઓનો દાવો છે કે એઆઈ સાથી એકલાપણું દૂર કરવામાં મદદરૂપ થશે પરંતુ આ સાથી હવે જીવલેણ સાબિત થઇ રહ્યા છે.
ટેક કંપનીઓ લોકોને એ સમજાવવા માટે સંઘર્ષ કરી રહી છે કે ચેટબૉટ્સ માત્ર એક વ્યાપારી ટૂલ્સ છે, જ્યારે વધુ સંખ્યામાં લોકો એઆઈની સાથે વ્યક્તિગત સંબંધ બનાવવામાં કલાકો વિતાવી રહ્યા છે. માર્કેટ ઇન્ટેલિજન્ટ ફર્મ સેન્સર ટૉવરના વૈશ્વિક ડેટા પ્રમાણે સપ્ટેમ્બરમાં આવી જ રીતે એક એપ ઉપર યુઝર્સે એક ચેટબૉટ્સ સાથે વાતચીતમાં સરેરાશ 93 મિનિટ વિતાવી હતી. આ ચેટજીપીટીના યુઝર્સ દ્વારા વિતાવેલા સમયથી 8 ગણું વધારે છે. આ એપ યુઝર્સની મરજી અને કલ્પનાની અનુરૂપ ખાસ લક્ષણો અને વ્યક્તિત્વવાળા ચેટબૉટ્સ તૈયાર કરે છે એટલે કે યુઝર્સ પોતાના હિસાબથી એઆઈ કસ્ટમાઇઝ કરી શકે છે. આ એપની પ્રતિસ્પર્ધી કંપનીએ યુઝર્સને એપ ઉપર વધારે સમય વિતાવવા માટે પ્રેરિત કરવા માટે હજારો યુઝર્સની ચેટ પસંદગીઓનો સ્ટડી કર્યો હતો. જેના પ્રમાણે યુઝરે એપ ઉપર કસ્ટમાઇઝ્ડ ચેટબૉટ્સથી રોજ 72 મિનિટ વાત કરી હતી. હાલમાં જ ગૂગલની પૂર્વ સહાયક કંપની ડીપમાઇન્ડના સંશોધકોએ પોતાના રિસર્ચ પેપરમાં જણાવ્યું છે કે લોકો ચેટબૉટની સાથે પોતાના વિચાર અને ભાવનાઓ એટલા માટે શૅર કરે છે, કારણ કે તેમને સામાજિક નિંદાની ચિંતા હોતી નથી. પેપરમાં ચેતવણી આપવામાં આવી છે કે આ સંવેદનશીલ જાણકારીનો ઉપયોગ એવી એપ બનાવવા માટે કરી શકાય છે, જેનો ઉપયોગ લોકોને નુકસાન પહોંચાડી શકે છે. એક તાજેતરના પૉડકાસ્ટમાં ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટે એઆઈ આધારિત “પરફેક્ટ ગર્લફ્રેન્ડ’ અને “બૉયફ્રેન્ડ’ના વધતાં ટ્રેન્ડને લઇને ચિંતા દર્શાવી છે. તેમણે ચેતવણી આપી છે કે એઆઈ ચેટબૉટ્સ સાથે ભાવનાત્મક જોડાણ યુવાનોને સમાજ અને પરિવારથી દૂર કરી શકે છે. આના ગંભીર પરિણામો પણ આવી શકે છે. ચેટબૉટથી મળેલી જાણકારી પર કિશોરોને સવાલ ઉઠાવતાં શીખવો : એક્સપર્ટ
પ્યૂ રિસર્ચનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે 46% અમેરિકન કિશોર સતત સોશિયલ વેબસાઇટ્સ પર રહે છે. સોશિયલ સાયન્ટિસ્ટ અને એનેગ્જિયસ જનરેશન પુસ્તકના લેખક જોનાથન હેડ કહે છે કે આ ચિંતાજનક ટ્રેન્ડ છે. કિશોરોને એઆઈ ચેટબૉટ્સનો ઉદ્દેશ્ય અને સીમાઓ વિશે શિક્ષિત કરો. જેથી તે સમજે કે ચેટબૉટ વાસ્તવિક નથી. તેમાં ભાવનાઓ હોતી નથી. કિશોરોને ભાવનાઓ અને અનુભવો વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરો, સાંભળવા અને માર્ગદર્શન આપવા માટે તત્પર રહો. એઆઈની સાથે વાતચીત કરતાં સમયે નિંદનીય વિચારસરણીને પ્રોત્સાહન આપો, તેમને આપેલી જાણકારી પર સવાલ ઉઠાવવા અને તેનું વિશ્લેષણ કરતાં શીખવો.