ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી ગુરુવારે અમદાવાદમાં આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યું હતું. સાંજના સમયે રાણીપ, મણિનગર, ઈસનપુર, સરસપુર, ખોખરા સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. આજે પણ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઝાપટાં પડવાની વકી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસે જણાવ્યું કે, હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેના પગલે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 27મીએ દિવસ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે છૂટાછવાયા તેમજ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યત કરતાં 1.2 ડિગ્રી ઘટીને 27.6 તેમજ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 5.6 ડિગ્રી વધી 18.6 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યના અનેક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. જો કે 2 બાદ બન્ને સિસ્ટમ વિખેરાતા ફરીથી વાતાવરણ નોર્મલ થવાની સાથે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો શરૂ થશે.