તાજેતરમાં દહેગામ નરોડા હાઇવે રોડ પરની નર્મદા કેનાલ પરના બ્રિજનો એક તરફી હિસ્સો ધરાશાયી થવાની ઘટનાને જિલ્લા કલેકટરે ખૂબ જ ગંભીરતા લીધી છે. જેનાં પગલે ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલ તમામ બ્રીજોની વાસ્તવિક સ્થિતિની ચકાસણીનો રિપોર્ટ કલેકટરે માંગ્યો છે. ઉપરાંત ચંદ્રાલા ગામ તથા કલોલ અને દહેગામમાં વારંવાર ફેલાતા પાણીજન્ય રોગોની સર્વેલન્સની કામગીરીનો પણ રીપોર્ટ કલેકટર દ્વારા માંગવામાં આવ્યો છે. ગાંધીનગર કલેકટર મેહુલ દવે દ્વારા જનહિત અને લોકોની સુખાકારીને પ્રાધાન્ય આપી, કાર્ય કરવાની સૂચના વારંવાર જિલ્લાના અધિકારીઓ તથા કર્મચારીઓને આપવામાં આવે છે. જેના ભાગરૂપે કલેકટર પોતે પણ લોકોની સુખાકારી તથા સગવડો સાથે જોડાયેલી બાબતોનું સમયાંતરે રૂબરૂ ઓચિંતી મુલાકાતો લઈ, તો ક્યારેક અધિકારીઓ પાસે નિયમિતતાની માહિતી મંગાવી અવલોકન નિરીક્ષણ કરતા રહે છે. આ વાતને અનુલક્ષીને તાજેતરમાંજ બનેલી બે ઘટનાઓ, એક પાણીજન્ય રોગચાળાનો ફેલાવો અને બીજી જર્જરીત બ્રિજનો હિસ્સો તૂટવા બાબતે પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કેવા પગલાં લેવાઈ રહ્યા છે. અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તકેદારીના શું પગલાં લેવાઈ રહ્યા છે તે અંગેની માહિતી મેળવવામાં આવી છે. જેમાં નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલા બ્રિજનો એક જર્જરીત હિસ્સો ધરાસાય થવાની ઘટના બાદ ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલ તમામ બ્રિજોનું બાંધકામ કેટલા સમય જૂનું છે, તેમજ આ બ્રિજની મરામત અને જાળવણી અંગે કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ,તથા ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ બ્રિજની હાલની સ્થિતિ કેવી છે,તે અંગેના વિગતવાર અહેવાલની ચકાસણી અર્થે કાર્યપાલક ઇજનેર નર્મદા યોજના, મુખ્ય નહેર વિભાગ પાસે વિગતો મંગાવવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામ તથા કલોલ અને દહેગામમાં વારંવાર ફેલાતા પાણીજન્ય રોગો માટે થયેલી સર્વેલાન્સની કામગી, ક્લોરીનેશનની કામગીરી અંગે નિયમિતતા તથા આ રોગચાળો ફરીથી ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાં અંગેનો હકીકત દર્શાવતો અહેવાલ કલેકટર દ્વારા નિરીક્ષણ હેતુ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે મંગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના નાગરિકો આવી મુશ્કેલીઓથી વારંવાર ન પીડાય અને તેમની સુખાકારી તથા સુરક્ષામાં વધારો થઈ શકે તે માટે કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા કામગીરીના અહેવાલો મંગાવ્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા કરી નગરજનોને પડતી તકલીફો નહિવત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવશે.