ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્ન વર્ષ 1987માં થયા હતા. આ સંબંધથી દંપતીને બે બાળકો છે. તાજેતરમાં સુનીતા અને તેની પુત્રી ટીનાએ એક ઈન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા છે. ટીનાએ જણાવ્યું કે તેના નાના ઈચ્છતા ન હતા કે તેમની દીકરી ગોવિંદા સાથે લગ્ન કરે. સાથે સુનીતાએ એ પણ જણાવ્યું કે,ગોવિંદા સાથે લગ્ન પછી તેના જીવનમાં કેટલા બદલાવ આવ્યા. હોટરફ્લાય સાથે વાત કરતાં ગોવિંદાની દીકરી ટીનાએ કહ્યું, ‘મારી માતાએ લગ્ન પછી તેના જીવનમાં ઘણા ફેરફારો કર્યા. તે એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, જ્યારે તે સમયે મારા પિતા આર્થિક રીતે એટલા મજબૂત ન હતા અને ફિલ્મ ઉદ્યોગમાં સંઘર્ષ કરી રહ્યા હતા. જ્યારે મારા નાનાને મારા માતા-પિતાની પ્રેમ કહાની વિશે ખબર પડી તો તેઓ ખૂબ ગુસ્સે થયા. તેમણે મારી મમ્મી ને પૂછ્યું હતું – તમે મહત્ત્વાકાંક્ષી એક્ટર સાથે શા માટે લગ્ન કરવા માગો છો? તે આ લગ્નથી બિલકુલ ખુશ ન હતા અને લગ્નમાં પણ હાજરી આપી ન હતી. પણ મારા નાનીને પપ્પા બહુ ગમતા. તે હંમેશા કહેતા હતા કે તે કેટલો સુંદર છોકરો છે અને તે તેમની પુત્રી (સુનીતા)નું કેટલું ધ્યાન રાખે છે. આ જ ઈન્ટરવ્યૂમાં સુનીતાએ કહ્યું હતું કે, ‘લગ્ન પહેલા હું નાના પરિવારમાં રહેતી હતી. પરંતુ જ્યારે મેં ગોવિંદા સાથે લગ્ન કર્યા ત્યારે મારે મોટા પરિવાર સાથે રહેવું પડ્યું. મેં તેની સાથે લગ્ન કર્યા ત્યારે હું માત્ર 18 વર્ષની હતી. ટીનાના જન્મ સમયે હું 19 વર્ષની હતી, તેથી તે સમયે પણ હું બાળક જેવી હતી.’ સુનીતાની વાત માનીએ તો તે ગોવિંદાને ખૂબ જ પ્રેમ કરે છે. ગોવિંદાએ લગ્ન પહેલાં જ તેને કહ્યું હતું કે જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી તેની માતા જ ઘરની મુખ્ય વ્યક્તિ રહેશે અને સુનીતાએ પણ તેની દરેક વાત માનવી પડશે. કેવી હતી સુનીતા-ગોવિંદાની લવસ્ટોરી?
સુનીતા ગોવિંદાના કાકા આનંદ સિંહની સાળી હતી. થોડીક જ મુલાકાતો પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. એક દિવસ પાર્ટીમાંથી પરત ફરતી વખતે ગોવિંદાનો હાથ ભૂલથી સુનીતાના હાથને સ્પર્શી ગયો પરંતુ બંનેએ હાથ હટાવ્યા નહીં અને આમ બંને એકબીજાને પ્રેમ કરવા સંમત થયા. થોડા દિવસો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ગોવિંદા અને સુનીતાએ 11 ડિસેમ્બર, 1987ના રોજ લગ્ન કરી લીધા.