રાજ્યમાં ગઈકાલે પાંચ તાલુકામાં કરા સાથે માવઠું થયા બાદ આજે સતત બીજા દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માવઠાની સાથે સાથે આજે કચ્છના નલિયામાં આ સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાના કારણે આવતીકાલથી ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. માવઠાની આગાહી વચ્ચે કડકડતી ઠંડી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 26થી 28 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. શુક્રવારે સાબરકાંઠાના વિજયનગર, ખેડાના કપડવંજ, ડાંગ, મહીસાગરના બાલસિનોર અને અરવલ્લીના બાયડમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન નલિયામાં
રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. નલિયામાં લોકો છેલ્લા 1 મહિનાથી કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. નલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે, પરંતુ કચ્છ જિલ્લામાં ગગડ્યો છે. નલિયામાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસર્ટબન્સની અસરોમાં ઘટાડો થતાં તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે ઠંડી વધી છે ત્યારે હજુ પણ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે તેવી સંભાવના છે. તદુપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે પરંતુ કેટલાક વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું રહી શકે છે કારણ કે અરબ સાગર તરફથી આવતા ભેજ અને વેસ્ટન ડીસ્ટન્સ ની અસરો ઘટતા ઠંડીનું જોર વધતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ યથાવત રહેશે તેથી ધુમ્મસ છવાયેલું રહેશે. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓના લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થયો છે. કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન એકાએક તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે. કચ્છના નલિયામાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાતું હોય છે, પરંતુ આ વર્ષે લઘુતમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. 24 કલાક દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. ફક્ત 24 જ કલાકમાં નલિયાના લઘુતમ તાપમાનનો પારો સામાન્ય, છ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ ઘટીને 4.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં પણ 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજ્યનાં અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન, વડોદરામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.