હર્ષદ પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધરોઈ ડેમ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે કચ્છના રણમાં આવેલા ધોરડો અને ધોળાવીરાની જેમ હવે વડનગર નજીક ભરપૂર નૈસર્ગિક વાતાવરણ ધરાવતા ધરોઈ ખાતે પણ ટેન્ટસિટી ઊભી કરાશે. ધરોઈને ગ્લોબલ પ્રવાસીઓના આકર્ષણ સ્થળ તરીકે લોકપ્રિય બનાવવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટસિટી ઊભી કરવા ટેન્ડરિંગ પણ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે 2023ના બજેટમાં ધરોઈમાં ટેન્ટસિટી ઊભી કરવાની જાહેરાત કરી હતી. ધરોઈમાં પ્રવાસીઓ રહી શકે તે માટે અંદાજે 15થી 17 હજાર ચોરસ મીટર જગ્યામાં ડેમ વિસ્તારમાં 15 ટેન્ટ સાથે ટેન્ટસિટી ઊભી કરવાનું આયોજન કરાયું છે. જેમાં 2થી 3 વ્યક્તિ એક ટેન્ટમાં રહી શકે તેવા 12 એસી પ્રીમિયમ, લક્ઝરી ટેન્ટ અને એક સાથે 6 વ્યક્તિ રહી શકે તેવા 3 ડોરમેટરી ટેન્ટ હશે. આ સાથે એસી વીવીઆઈપી ડાઇનિંગ હોલ, રિસેપ્શન, વેઇટિંગ એરિયા, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ અને લાઇટિંગ, આર્ટિસ્ટ માટે એસી ગ્રીનરૂમ, મેડિકલ ઈમરજન્સી રૂમ, સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે જરૂરી બેઠક વિસ્તાર, પાર્કિંગ, પ્લાન્ટેશન સહિતની સુવિધાઓ ઊભી કરાશે. પ્રવાસીઓને રહેવા-જમવા સાથે પૅકેજની વ્યવસ્થા પણ હશે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું પણ આયોજન છે. ધરોઈ પર્યાવરણ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ટૂરિઝમનું સેન્ટર પૉઇન્ટ છે સાબરમતી નદી ઉપર આવેલ ધરોઈ ડેમથી મોઢેરાનું સૂર્યમંદિર, પાટણની રાણકી વાવ, વલ્ડ હેરિટેજ સિટી વડનગર, તારંગા, અંબાજી, પોળો ફોરેસ્ટ સહિતનાં સ્થળો 50થી 100 કિલોમીટર વિસ્તારમાં આવેલાં છે. એટલે ધરોઈ પર્યાવરણ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ટુરિઝમનું સેન્ટર પૉઇન્ટ છે. જેને ધ્યાને લઈને ધરોઈને રૂ. 1100 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાઈ રહ્યું છે. પોરબંદરના મોકરસાગરને કેન્દ્ર સરકાર ઈકો ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવશે તાજેતરમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન સ્થળોનો વ્યાપક વિકાસ કરવા અને વૈશ્વિક સ્તરે તેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવાના ઉદ્દેશ્ય સાથે દેશનાં 40 આઇકોનિક પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જેના વિકાસ માટે નાણાં મંત્રાલયે ₹ 3265 કરોડ ખર્ચની મંજૂરી પણ આપી દીધી છે. જેમાં ગુજરાતના બે પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પોરબંદર સ્થિત કેર્લી (મોકરસાગર)ને ઈકો ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા રૂ.99.50 કરોડ તેમજ ધોરડોમાં ટેન્ટેડ સિટી અને કન્વેન્શન સેન્ટર માટે રૂ. 51.56 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.