રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. 6.5 ડિગ્રી સામે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડું શહેર રહ્યું છે. ગુજરાતની સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુ પર તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી થતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઈનસ તાપમાનમાં પણ વાતાવરણની મોજ માણતા જોવા મળી રહ્યા છે. રાજ્યનાં મુખ્ય શહેરોનું તાપમાન
રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના મોટાભાગનાં શહેરોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા ઠંડુંગાર
કચ્છના ભુજથી નલિયા સુધી કડકડતી ઠંડી પડી રહી છે. દર વર્ષની માફક નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ નલિયામાં લઘુતમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું હતું. તો ભુજમાં 10.8 ડિગ્રી નોંધાયુ છે. કચ્છમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે લોકો દિવસે પણ તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં પવનની ગતિ 5થી 10 કિમી રહેશે
હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે જેની દિશા બદલાઈને આગામી બે દિવસમાં પૂર્વ તરફથી થવાની હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે. પરંતુ તેમ છતાં પવનની ગતિ 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાથી ઠંડી અનુભવાય શકે છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો હટી જતા વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ ઓછું થયું છે. પરંતુ ગતરોજ (29 ડિસેમ્બર)થી ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે દિવસ દરમિયાન મહતમ તાપમાન સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચું રહ્યું હતું. માઉન્ટ આબુમાં ફરવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ
માઉન્ટ આબુમાં આજે (30 ડિસેમ્બર)પણ તાપમાનનો પારો માઈનસ ત્રણ ડિગ્રીએ પહોંચી જતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. ગુરુશિખર પર તો માઈનસ 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. થર્ટી ફર્સ્ટ પૂર્વે ગુજરાતીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ વેકેશન માણવા આવી પહોંચ્યા છે. ત્યારે માઈનસ ડિગ્રીમાં તાપમાન હોવા છતાં પ્રવાસીઓ બરફ સાથે રજાઓની મજા માણતા જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે જનજીવનને માઠી અસર
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા પડી રહી છે. હિમાચલમાં 340 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે. છિતકુલમાં અઢી ફૂટથી વધુ બરફ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓ ફસાઈ ગયા છે. કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ રોડ બંધ છે. કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 1800 જેટલાં વાહનો ફસાયાં છે. ગાંદરબલ, સોનમર્ગ, પહેલગામ, ગુંડ, બારામુલ્લા સહિત અનેક સ્થળોએ તાપમાન માઈનસ 10થી 22 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.(સંપૂર્ણ સમાચાર વાંચો)