રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ યુક્રેનવાસીઓની હિંમત આજે પણ જોવા જેવી છે. એક તરફ યુક્રેનના સૈનિકો રશિયા સામે મોરચો લઈ રહ્યા છે તો બીજી તરફ યુક્રેનની મહિલાઓએ પણ રશિયન સૈનિકો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલન 8 માર્ચ 2023ના રોજ શરૂ થયું હતું, જ્યારે મહિલા દિવસના અવસર પર મેલિટોપોલ શહેરની મહિલાઓ અને યુવતીઓને ટ્યૂલિપ્સ અને મીમોસાનાં ફૂલો આપવામાં આવ્યાં હતાં. પરંતુ, રશિયા પણ આ ઘટનાની પ્રતિક્રિયાની કલ્પના કરી શક્યું નથી. 8 માર્ચની રાત્રે સમગ્ર મેલિટોપોલ શહેરમાં દીવાલો અને લેમ્પ-પોસ્ટ પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યાં હતાં જેમાં એક યુક્રેનિયન મહિલાને રશિયન સૈનિકના માથા પર ફૂલદાની ફેંકતા દર્શાવવામાં આવી હતી. પોસ્ટર પર લખવામાં આવેલો મેસેજ હતો – ‘મને ફૂલો નથી જોઈતાં, મારું યુક્રેન જોઈએ છે.’ તે એટલો મજબૂત સંદેશ હતો કે તે ધીમે ધીમે સમગ્ર યુક્રેનમાં ફેલાઈ ગયો. આ ઘટનાએ ‘ઝ્લા માવકા’ આંદોલનની શરૂઆત કરી. આ આંદોલન રશિયા સામેના ગુસ્સાનું પ્રતીક બન્યું છે. ‘ઝ્લા માવકા’ યુક્રેનિયન લોકકથામાંથી લેવામાં આવ્યું છે, જેમાં માવકા એક આત્મા છે જે દુષ્ટ લોકોને (રશિયન સૈનિકો) વિનાશ તરફ લઈ જાય છે. આ આંદોલન અંતર્ગત યુક્રેનિયન મહિલાઓ રશિયા સામે દેખાવો કરી રહી છે. ટેલિગ્રામ દ્વારા મહિલાઓ કથની વિશ્વ સુધી પહોંચી
યુક્રેનની ઘણી મહિલાઓ આ આંદોલન સાથે જોડાયેલી છે પરંતુ સુરક્ષાનાં કારણોસર તેઓ એકબીજાની ઓળખ જાહેર કરતી નથી. તેઓ જાણે છે કે જો તેઓ ખુલ્લેઆમ વિરોધ કરે તો તે તેમના માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે સર્વેલન્સ કેમેરાની સંખ્યા વધી ગઈ છે અને દરેક પગલાં પર સુરક્ષા જોખમમાં હોઈ શકે છે. ઝ્લા માવકાની ટેલિગ્રામ ચેનલ પર મહિલાઓ ફક્ત તેમના વિરોધના ફોટા અને રશિયન લશ્કરની નિર્દયતાની વાર્તાઓ શેર કરે છે. આ ચેનલ દ્વારા તેમના અનુભવ અને એકતાની કથા વિશ્વ સુધી પહોંચી રહી છે