તેજસ રાવળ
ઉત્તર ગુજરાત સહિત રાજયમાં વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને 4 ના કર્મચારીઓ દ્વારા સરકાર માન્ય પાટણનાં CCC સેન્ટરમાં પરીક્ષા આપી રહ્યા છે. તેમાં છેલ્લાં ચાર વર્ષમાં પરીક્ષા આપનારા 3014 પૈકી માત્ર 1539 કર્મચારી જ પાસ થવા પામ્યા છે.જેમાં પણ 15 ટકા કર્મચારીઓ તો બે કે ત્રણ ટ્રાયલે પાસ થયા છે.સૌથી વધુ એસટી ડેપોના કંડકટર ડ્રાઈવર અને પોલીસ કર્મીઓ નપાસ થઈ રહ્યા છે.
સરકારના નિયમ મુજબ સરકારી વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ , કાયમી ફરજ સહિતના વિવિધ લાભો માટે ફરજિયાત કોમ્પ્યુટરની CCC ની પરીક્ષા પાસ કરીને સર્ટી વિભાગમાં રજૂ કરવું પડી રહ્યું છે.આ પરીક્ષા પાસ કરવા માટે સરકાર માન્ય એક CCC પરીક્ષા સેન્ટર પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કાર્યરત છે.જેમાં રાજ્ય ભરમાંથી વર્ગ 3-4 નાં કર્મીઓ સીસીસી પરીક્ષા આપી રહ્યા છે.પરીક્ષા માટે વર્ષ દરમ્યાન ફોર્મ ભરાય છે.600 ની સંખ્યા થતા 30 ની બેન્ચ બનાવી ઓનલાઈન પ્રેક્ટીકલ પરીક્ષા અને ઓફલાઈન થીયરીની પરીક્ષા મળી કુલ 100 ગુણની પરીક્ષા લેવાય છે.જેમા દર વર્ષે 700 થી 2000 જેટલા સરકારી કર્મચારીઓ પરીક્ષા આપી રહ્યા છે.દિવ્ય ભાસ્કર દ્વારા કર્મચારીઓની સીસીસીની પરીક્ષાના ઉપલબ્ધ ચાર વર્ષના પરિણામો તપાસતા સામે આવ્યું હતું કે વર્ષ 2021 થી 2024 દરમિયાન કુલ 4,054 કર્મચારીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી 3014 પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 1539 પાસ થયા છે અને 1475 જેટલા કર્મચારીઓ નપાસ થયા હતા. માત્ર વર્ષ 2022 ને બાદ કરતાં સરેરાશ 45 થી 50 % પરિણામ આવી રહ્યું છે. 15% કર્મચારીઓ 3 ટ્રાયલે પાસ થયા, કોઈ તો બે વર્ષે પાસ થાય છે, પોસ્ટનો સ્ટાફ પણ મોખરે
{ 50% સરકારી કર્મચારીઓ CCC માં નપાસ થઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે એસટી ડેપો , પોલીસ તેમજ પોસ્ટ જેવા વિભાગના કર્મચારીઓ વધુ નપાસ થાય છે.જે પૈકી 15% કર્મચારીઓ તો બે કે ત્રણ પ્રયાસે પાસ કરીને સર્ટી મેળવી રહ્યા છે.કેટલાક કેસમાં તો એવા કર્મચારી હોય છે કે જેમને બિલકુલ જ્ઞાન જ ન હોય પાસ કરવામાં ટ્રાય ઉપર ટ્રાય કરતા બે વર્ષ લાગી જાય છે. એક્સપર્ટ… કર્મચારીએ કોમ્પ્યુટરનો ઉપયોગ ન કર્યો અથવા ટેકનિકલ જ્ઞાન ના હોય એટલે નપાસ થાય છે
{ યુનિવર્સિટી CCC સેન્ટર કો-ઓર્ડીનેટર તેમજ MSCIT વિભાગ પ્રો.ભાવેશ પટેલે જણાવ્યું હતું કે વર્ગ 3- 4 ના કર્મચારીઓને કોમ્પ્યુટર ઉપર વર્કિંગ હોતું નથી. કોમ્પ્યુટરના જ્ઞાનથી વંચિત હોવાથી તથા પરીક્ષામાં પ્રેકટીકલ અને થીયરી બંનેમાં કોમ્પ્યુટરનું ટેકનિકલ જ્ઞાન પણ પૂછવામાં આવતું હોય પાસ કરી શકતા નથી.