થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને વડોદરા શહેર અને જિલ્લા પોલીસે તૈયારીઓ કરી લીધી છે. મોટાભાગની ઉજવણી-પાર્ટીઓનું આયોજન વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં થનાર છે. જોકે, વડોદરા શહેરના ફતેગંજ સહિતના વિસ્તારમાં રોડ પર લોકો ઉજવણી કરતા હોય છે, તેને લઈને શહેર પોલીસ એલર્ટ મોડ પર છે. સામાન્ય રીતે બ્રેથ એનેલાઇઝરથી ચેક કરીને દારૂ પીધેલી વ્યક્તિને પોલીસ પકડતી હોય છે. પરંતુ વડોદરા પોલીસે દારૂડિયાઓને પકડવા માટે અનોખો કિમિયો અજમાવ્યો છે. જેમાં વાહનચાલકોને રોડ પરના સફેદ પટ્ટા પર ચલાવ્યા હતાં. જો કોઈ વાહનચાલક પટ્ટા પર ન ચાલી શકે અને બેલેન્સ ગુમાવી દે તો તેને નશો કરેલો હોય તેવું માની શકાય. ચેકિંગમાં બેલેન્સિંગ એક્ટનો ઉપયોગ કરીએ છીએઃ DCP
વડોદરા DCP ઝોન-2 અભય સોનીએ જણાવ્યું હતું કે, ડ્રિંક અને ડ્રાઇવના કેસમાં અમે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. બ્રેથ એનેલાઇઝરમાં બ્લડ આલ્કોહોલનું કેટલું પ્રમાણ છે, તે દર્શાવે છે. જો બ્લડ આલ્કોહોલનું લેવલ ડ્રોપ થઈ જાય છે તો બ્રેથ એનેલાઇઝર ડિટેક્ટ કરી શકતું નથી. તો અમે બેલેન્સિંગ એક્ટનો ઉપયોગ કરીએ છીએ. જેમાં પ્રાથમિક ચકાસણીના ભાગરૂપે રોડ પર લગાવેલા પટ્ટા પર વાહનચાલકને ચલાવવામાં આવે છે, જેનાથી એ ખબર પડે છે કે, વાહનચાલકે નશો કરેલો છે કે નહીં. ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટના સંચાલકો સાથે પણ મિટિંગ કરાઈ
વડોદરા ગ્રામ્ય પોલીસે ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ, કેફે સહિત 211 જેટલા સંચાલકો સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો આપ્યાં હતાં. જે સ્થળે પાર્ટીનું આયોજન કરાયું હોય ત્યાં કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને કોઈ ન આવે તે અંગે સૂચના અપાઈ છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પ્રોબેશનર અધિક્ષક, 3 ડીવાયએસપી, 20 પીઆઇ, 45 પીએસઆઇ તેમજ 400થી વધુ પોલીસ કર્મચારી જિલ્લાના જુદા-જુદા ભાગે વાહન ચેકિંગ, બ્રેથ એનેલાઈઝર તેમજ એનડીપીએસ કિટ વડે ચેકિંગ કરાશે. જિલ્લામાં 3 ફાર્મ હાઉસ, 1 પાર્ટી પ્લોટ, હોટલ, કેફે, રેસ્ટોરન્ટ મળી 11 જગ્યાએ થર્ટી ફર્સ્ટની પાર્ટીની મંજૂરી મેળવાઈ હતી. અંતરિયાળ વિસ્તારમાં લાઇટ લગાવવા સૂચના
થર્ટી ફર્સ્ટ અગાઉ શહેરમાં અને જિલ્લામાં મોટી સંખ્યામાં દારૂ, ડ્રગ્સ આવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે પોલીસ દ્વારા બૂટલેગર, ડ્રગ્સ પેડલર પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારમાં લાઇટ લગાવી, સીસીટીવી લગાવવા તેમજ પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરેના સંચાલકોને પણ ખાસ તકેદારી રાખવા પોલીસે સૂચનો કર્યાં હતાં. ટેરેસ પાર્ટી પર ડ્રોનથી નજર રખાશે
વડોદરા શહેર પોલીસ થર્ટી ફર્સ્ટે ટેરેસ પર પાર્ટી કરનારા લોકો અને શંકાસ્પદ જગ્યાઓ પર ડ્રોન ઉડાવીને નજર રાખશે. સોમવારે સાંજથી મોડી રાત સુધી પોલીસે પેટ્રોલિંગ, વાહન ચેકિંગની કામગીરી કરી હતી. આ સિવાય બ્રેથ એનેલાઇઝર, એનડીપીએસની કિટ મારફતે પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ખાસ કરીને શહેરની અવાવરુ જગ્યાએ શી ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીએ ચેકિંગ કર્યું હતું. જ્યારે ગતરાત્રે નવલખીમાં ડીસીપી ઝોન-2 અભય સોની સહિતના સ્ટાફે ચેકિંગ કર્યું હતું. પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના ચારેય ઝોન, એસઓજી તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરીને વાહન ચેકિંગ, બ્રેથ એનેલાઇઝર સહિતથી ચેકિંગ કર્યું હતું.