ઇનોવેશન અને ટેક્નોલોજીને અપનાવવા સાથે સરકાર ગ્રામ્ય અર્થતંત્રને વેગવાન બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. બજેટમાં પણ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવા માટે વધુમાં વધુ બજેટ ફાળવણી કરી રહી છે સાથે નેશનલ-મલ્ટીનેશનલ કંપનીઓ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની આવક વધારવા અને એગ્રી સેક્ટરમાં ઇનોવેશન-ટેક્નોલોજીના માધ્યમથી ઉત્પાદન અને ઉત્પાદકત્તા વધારવા માટે વધુમાં વધુ ખેડૂતોને જોડીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અપનાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આશાના કિરણ તરીકે ઊભરી આવ્યું છે જે ખેડૂતો અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બંને માટે સાનુકૂળ તકો રજૂ કરે છે તેમ હાયફન ફૂડ્સના એમડી-ગ્રુપ સીઇઓ હરેશ કરમચંદાનીએ નિર્દેશ કર્યો હતો. વધુમાં જણાવ્યું કે ભારતના ખેડૂતો અનિશ્ચિત બજારોની રૂખ પર જ કામ કરે છે. બજારમાં થતી વધઘટના લીધે ઘણીવાર તેમને આકરી મહેનત કરી હોવા છતાં નજીવો નફો મળે છે અને કોઈકવાર ખોટ પણ જાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ)નાઅહેવાલ મુજબ ભારતના લગભગ અડધા ખેડૂતો માસિક રૂ. 10,000 કરતાં પણ ઓછી આવક મેળવે છે. આ ઉપરાંત, ખંડિત જમીનો, બિયારણો અને ખાતરો જેવા ગુણવત્તાસભર ઘટકો સુધી મર્યાદિત પહોંચ અને અપૂરતા ટેક્નિકલ જ્ઞાનના લીધે તેમની ઉત્પાદકતા મર્યાદિત રહી જાય છે. અનિશ્ચિતતાના આ વિષચક્રથી નવી ટેક્નોલોજી અને ઇનોવેશનમાં રોકાણ નિરુત્સાહી થાય છે જેના લીધે ગ્રામીણ ભારત વિકાસથી વંચિત રહે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આ પડકારોને દૂર કરવા માટે માળખાકીય અભિગમ પૂરો પાડે છે. ખેડૂતો માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના અનેક લાભો છે. પહેલું એ કે તેનાથી તેમની પેદાશ માટે ખાતરીપૂર્વકનું બજાર મળે છે જેનાથી તેમને નાણાંકીય સુરક્ષા અને માનસિક શાંતિ મળે છે. તે ખેત ઉત્પાદનમાં પહેલેથી રહેલા બગાડનું જોખમ દૂર કરવા માટે અસરકારક પદ્ધતિ બની રહે છે, ખાસ કરીને વહેલી બગડી જતી વસ્તુઓની બાબતે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની આવકમાં 20-30 ટકાની વૃદ્ધિ
2018ના ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના અભ્યાસમાં જણાયું હતું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વ્યવસ્થાથી ખેડૂતોની આવકમાં 20-30 ટકાનો વધારો થઈ શકે છે. બીજું એ કે કંપનીઓ તરફથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઇનપુટ્સ અને ટેક્નિકલ માર્ગદર્શનની પહોંચથી પાકની ઉપજમાં વધારો થાય છે અને વધુ સારી ખેત સંચાલન પદ્ધતિઓ અપનાવી શકાય છે. એગ્રો પ્રોસેસિંગ કંપનીઓ માટે આશીર્વાદ રૂપ
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેડૂતો માટે તો ફાયદાકારક છે જ, સાથેસાથે પ્રોસેસિંગ કંપનીઓને પણ તેનો લાભ મળે છે. તેઓ ચોક્કસ બજારની માંગને સંતોષતા જથ્થા સાથે સતત ગુણવત્તાયુક્ત ખેતપેદાશનો વિશ્વસનીય સ્ત્રોત મેળવે છે. આથી, તેઓ બદલામાં તેમના ગ્રાહકોને એકધારો પુરવઠો અને કિંમત નક્કી કરી શકે છે જે ખાસ કરીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય બજારોમાં મદદ કરે છે.