5 જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, જાન્યુઆરી માસના ફક્ત ચાર જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે ત્યારબાદ 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે. જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડવેવની પણ સંભાવના છે. ગ્લો ગાર્ડન: અમદાવાદના રિવરફ્રન્ટ પર નવું નજરાણું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન 3 જાન્યુઆરીથી ખુલ્લું મૂકવામાં આવશે. લગભગ ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલો આ ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળશે. કાર્ટૂન પાત્રો, જંગલનાં પ્રાણીઓના સ્કલ્પચર અને લાઈટિંગ એલીમેન્ટસને કારણે બાળકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 4500 સ્ક્વેર મીટર વિસ્તાર ધરાવતા આ ગાર્ડનમાં 54 પ્રકારના લાઈટિંગ આર્ટ છે, જેમ કે વાઘ, જિરાફ, હાથી, ચેરી ટ્રી, લાઈટિંગ ટનલ અને ડાન્સ ફલોર. અહીં સેલ્ફી પોઈન્ટ અને લાઈટિંગ પાથવે પણ છે, જે ફોટોગ્રાફી શોખીન લોકોને મંત્રમુગ્ધ કરશે. અહીં ચેરી ટ્રી, ગુલાબ, કમળ, સનફ્લાવર, બટરફ્લાય જેવા લાઈટિંગ ફીચર્સ ઉપરાંત ડાન્સ ફલોર, સેલ્ફી પોઈન્ટ્સ અને લાઈટિંગ ટેબલ-ચેર જેવાં અનોખાં એલિમેન્ટ્સ છે. જે બાળકો માટે વિશેષ આકર્ષણ રહેશે. ફ્લાવર શોના ઉદઘાટનથી ગાર્ડન ખૂલશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ગ્લો ગાર્ડનમાં પ્રવેશ માટે હાલમાં કોઈ ફી નથી રાખવામાં આવી. ફ્લાવર શો બાદ આ ગાર્ડન માટે પ્રવેશ ફી નક્કી થશે. ગ્લો ગાર્ડનને અમદાવાદીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા ગાર્ડનની અનુકૃતિ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. હવે લોકોને આ વિશેષ આનંદ માણવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જવાનું નહીં પડે. પનીરની સબજી ઓર્ડર કરનાર ગ્રાહકને ચિકન પીરસાયું! અમદાવાદના એસજી હાઈવે પર આવેલી બેલાસેન હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે પનીરની સબજી ઓર્ડર કર્યા બાદ તેમને ચિકન પીરસી દેવાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ બાબતે ફરિયાદ કરી તો હોટલના મેનેજર અને શેફે દાદાગીરી કર્યાનો પણ આક્ષેપ કરાયો છે. ગ્રાહકને હોટલના કિચનમાં પ્રવેશ ન અપાતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલે ગ્રાહકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ફૂડ વિભાગમાં પણ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે. અમરેલી લેટરકાંડમાં કોંગ્રેસની એન્ટ્રી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે હવે રાજકારણ વધુ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કુંવારી દીકરીને જોયાજાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી છે. તેની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢી ભાજપના પટેલ સમાજના આગેવાને પોતાનો અહમ્ સંતોષ્યો છે, જોકે આ મામલે અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે. 12 વર્ષીય કિશોરની કૂવામાંથી લાશ મળી બોડેલીના બામરોલી ગામથી ગુમ થયેલા કિશોરની કૂવામાંથી લાશ મળી આવી. 12 વર્ષીય હિમાંશુ ચાર દિવસ પહેલાં ગુમ થયો હતો. જે બાદ તેની લાશ તાર બાંધેલી હાલતમાં કૂવામાંથી મળી આવતાં લાશ અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે અને કિશોરની હત્યા થઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે….પરિવારજનોએ રૂપિયા 1 લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ કર્યો છે. બોડેલી પોલીસે કિશોરની લાશનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટ રિપોર્ટ બાદ હત્યાનું સાચું કારણ ખબર પડશે. પાલિકાકર્મીઓ અને શાકભાજી વિક્રેતા વચ્ચે ઘર્ષણ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર વિસ્તારમાં આજે સવારે શાકભાજી માર્કેટમાં વેપારીઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણખાતાની કાર્યવાહી શરૂ કરાયા બાદ ઘર્ષણ સર્જાયું હતું જેનો વીડિયો વાઈરલ થયા હતા. જેમાં પાલિકા કર્મચારીઓએ શાકભાજી વિક્રેતાઓની લારી જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. યુવકને દારૂની બોટલ સાથે રીલ્સ બનાવવી ભારે પડી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ પોલીસ દ્વારા ગઇકાલે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને નવા વર્ષની નશીલી ઉજવણી કરનાર શખસોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝરની મદદથી પણ શકમંદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થવા પામ્યો હતો, જેમાં એક યુવાને હાથમાં દારૂની બોટલ રાખી પાર્ટીમાં રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. જે રીલ વાઇરલ થતા તાલુકા પોલીસે ગણતરીની કલાકમાં યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.