ગંદકી અને અવ્યવસ્થાને અનેકવાર આળસનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ અમેરિકાના એક થેરાપિસ્ટ તેને જીવનનું સામાન્ય પાસું ગણાવે છે. સ્વયંને એક ગંદી વ્યક્તિ માનીને તેમજ તેને સ્વીકાર્યા બાદ તેમને અહેસાસ થયો કે તે માત્ર શુકુન નથી આપતું પરંતુ તેમના જેવા અન્ય લોકોને પણ પ્રેરિત કરે છે. તેમનું માનવું છે કે વ્યવસ્થિત ન રહેવું એ કોઇ નબળાઇ નથી. તેઓ કહે છે કે તેમના ઘરમાં સાફ કપડાં પણ અનેકવાર બાસ્કેટમાં એમનેમ જ હોય છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો જોઇને કેટલાક લોકો તેમને આળસુ ગણાવીને ટીકા કરે છે, પરંતુ ઇનબૉક્સમાં અનેક લોકો આ વલણને પોતાના જીવનમાં ‘ક્રાંતિકારી પરિવર્તન’ કહીને પ્રશંસા કરે છે. થેરેપિસ્ટ માને છે કે એક સ્વચ્છ-સાફ, વ્યવસ્થિત ઘર કોઇના પરિપક્વ કે સફળ હોવાનો એકમાત્ર માપદંડ નથી. ચાર વર્ષ પહેલાં તેમણે એ સ્વીકાર્યું કે તેઓ અવ્યવસ્થિત છે અને તેનાથી તેમણે પોતાના વિશે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. થેરાપિસ્ટને અહેસાસ થયો કે તેમનું જીવન વધુ સરળ બની રહ્યું છે. તેમણે વિજ્ઞાનના એક રિસર્ચનો હવાલો આપતા કહ્યું કે અવ્યવસ્થા અને રચનાત્મકતા વચ્ચે ઊંડો સંબંધ છે. એડીએચડી જેવી માનસિક સ્થિતિ ધરાવતા લોકો અનેકવાર અવ્યવસ્થિત હોય છે, કારણ કે તેમનું મગજ ટાઇમ મેનેજમેન્ટ અને પ્રાથમિકતા નક્કી કરવામાં સામાન્યપણે કામ કરતું નથી. પરંતુ રિસર્ચથી જાણવા મળે છે કે આ જ મગજ અનેકવાર વધુ રચનાત્મક વિચારવા માટે સક્ષમ હોય છે. મિનેસોટા યુનિવર્સિટીના એક સ્ટડીમાં જાણવા મળ્યું કે ગંદા અને અવ્યવસ્થિત રીતે ઑફિસમાં કામ કરતા સહકર્મીઓએ વધુ સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા કર્મચારીઓની તુલનામાં વધુ રચનાત્મક વિચારો વ્યક્ત કર્યા છે. તેમના અનુસાર અવ્યવસ્થિત લોકો બીજાની માફક સફાઇ પસંદ કરી શકતા નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ બેદરકાર કે નિષ્ફળ છે.