ભારત સરકાર વિદેશ જતા લોકો પાસેથી 19 પ્રકારની અંગત માહિતી એકત્ર કરશે. આમાં મુસાફરો ક્યારે, ક્યાં અને કેવી રીતે મુસાફરી કરી રહ્યા છે તેનો સમાવેશ થાય છે; તેનો ખર્ચ કોણે અને કેવી રીતે ઉઠાવ્યો; કોણ કેટલી બેગ સાથે ગયા, ક્યારે અને કઈ સીટ પર બેઠા; તેવી માહિતી લેવામાં આવશે. આ ડેટા 5 વર્ષ માટે સ્ટોર કરવામાં આવશે. જો જરૂરી હોય તો, તે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે પણ શેર કરી શકાય છે. 1 એપ્રિલથી તેનો અમલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે તમામ એરલાઈન્સને સૂચના આપવામાં આવી છે. દાણચોરી પર નજર રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગ સમયાંતરે ડેટાનું વિશ્લેષણ કરશે. જો કોઈ પણ વ્યક્તિના વિદેશ પ્રવાસમાં કોઈ શંકાસ્પદ પેટર્ન જણાય તો તરત જ તપાસ શરૂ કરી શકાય છે. 10મી ફેબ્રુઆરીથી પાયલોટ પ્રોજેક્ટ, 1લી એપ્રિલથી સંપૂર્ણ રીતે અમલમાં આવશે
એરલાઇન્સ માટે મુસાફરોનો આ ડેટા કસ્ટમ વિભાગ સાથે શેર કરવો ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ હવે વિદેશી રૂટ ધરાવતી તમામ એરલાઇન્સને 10 જાન્યુઆરી સુધીમાં નવા પોર્ટલ ‘NCTC-PAX’ પર નોંધણી કરવા જણાવ્યું છે. સરકાર નોંધણી પછી 10 ફેબ્રુઆરીથી કેટલીક એરલાઇન્સ સાથે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડેટા શેરિંગ બ્રિજ શરૂ કરવા માગે છે. આ પછી, આ સિસ્ટમ 1 એપ્રિલથી સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ડેટા કલેક્શનનો નિયમ 2022થી અમલમાં હતો, પરંતુ હવે તેને ફરજિયાત બનાવવામાં આવી રહ્યો છે.