અમરેલીમાં લેટરકાંડ મુદ્દે વિવાદ વકરતો જઈ રહ્યો છે. ગઈકાલે (2 જાન્યુઆરી) રાતે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી, જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઇ હતી. આ સાથે જ કોઈ ફાર્મ ભાડે ન મળતા આ બેઠક રોડ ઉપર કરવી પડી હતી. અહીં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, સમાજ માટે દુઃખની વાત કહી શકાય કે એક સમાજની દીકરી માટે ન્યાયની મિટિંગ માટે કોઈ 20 મિનિટ ફાર્મ ભાડે આપવા તેયાર નથી, જેથી આ ફાર્મ હવે કોઈએ ભાડે રાખવા નહિ. આ સાથે જ પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા જોડાવા હુંકાર કર્યો હતો. અમરેલી લેટરકાંડ મામલો ઉગ્ર બન્યો
અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટરકાંડ મુદ્દે વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. તાલુકા પંચાયતના સભ્યના સહી-સિક્કાવાળા લેટરપેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ લખાયું હતું અને લેટર વાઇરલ થયો હતો. ત્યારબાદ આખો મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. યુવતીની ધરપકડ અને ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવતા દરેક સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સુરતમાં બેઠક મળી
આ સાથે વિપક્ષ પણ આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યો છે. હવે આ મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે. લેટરકાંડમાં જે યુવતીનું નામ ફરિયાદમાં નોંધાયું છે તે ફક્ત ઓફિસમાં કામ કરતી હતી અને તેમના સાહેબના કહેવા પ્રમાણે તેણે ટાઈપિંગ કર્યું હતું. કોમ્પ્યુટરમાં કામ કરતી યુવતીનું નામ આ ફરિયાદમાં દાખલ થતા રોષ ચરમસીમાએ છે અને હવે આ મામલે ગુજરાતભરમાં પડઘા પડી રહ્યા છે. સુરતમાં કલેક્ટરને અને પોલીસને રજૂઆત બાદ હવે પટેલ સમાજમાં મિટિંગોનો દોર શરૂ થયો છે. ગઈકાલે રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં એક બેઠક મળી હતી. જેમાં પટેલ સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા. સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાવોઃ કથીરિયા
આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અમરેલીમાં જે દીકરી પર પોલીસ કાર્યવાહી થઈ છે તે નીંદનીય છે. આ મામલે વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને દીકરીનું નામ આ લેટરકાંડમાં હટાવવામાં આવે તે અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે. કોર્ટ કાર્યવાહી થઇ રહી છે. આ મિટિંગ બોલવવાનો મુખ્ય હેતુ પાટીદાર સમાજના લોકો કોઈપણ પાર્ટીમાં હોય તે પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાઈ શકે છે. ‘દુઃખની વાત છે કે મિટિંગ માટે જગ્યા નથી મળતી’
અલ્પેશ કથીરિયાએ વધુમાં કહ્યું હતું કે, આપણા સમાજ માટે દુઃખની બાબત એ છે કે સમાજની દીકરી માટે ન્યાયની માંગ માટે જે મિટિંગ કરવી છે, તેના માટે જગ્યા મળતી નથી. આંદોલન વખતે પણ રોડ પર જ મિટિંગ કરવી પડતી હતી અને ફરી એક વખત આવું જ થઈ રહ્યું છે. પહેલા તો ધન્યવાદ દેવા પડે કે સમાજના કરોડો રૂપિયાના ફાર્મ કેશુબાપાના લીધે થયા છે, પણ બાપાની દીકરી ગુજરાતમાં સલામત નથી. ‘હવે આપણે સમજવાની જરૂર છે’
કોઈ ફાર્મ પણ આપણને 20 મિનિટ આપવા માટે તૈયાર નથી. જે વ્યક્તિ તૈયાર થાય છે તેને એવી જગ્યાએથી ફોન આવી જાય છે કે તે તરત જ ના પાડી દે છે, જેથી હવે આપણે સમજવાની જરૂર છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, તમને બે પોસ્ટ મળી જશે, એક અમરેલીમાં ખોટી રીતે સંડોવાયેલી દીકરીને ન્યાય અને બીજું આ ફાર્મવાળાની… લોકોને જણાવવાનું કે, અહીં કોઈએ ખોટા પ્રસંગો રાખવા નહિ. કેમ કે, અહીં દીકરીઓ સલામત નથી.
આ પણ વાંચો: પાટીદાર દીકરીના સરઘસ મામલે રાજકોટમાં વિરોધ