રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બપોરના 3.30 વાગ્યે તેઓ પ્રથમ રાજકોટ સાયબર ક્રાઇમ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા સાયબર સેન્ટિનલ્સ લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને પછી ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સીધા જ રાજકોટની દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા અને વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરવાના વિવાદ સાથે જોડાયેલા ફરિયાદી અને વેપારીઓ સાથે મુલાકાત કરીને પોલીસ તમારી સાથે છે, ચિંતા ન કરશો એવું આશ્વાસન આપ્યું હતું. આ સમયે હર્ષ સંઘવી પહોંચતા વેપારીઓએ જયશ્રી રામ અને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. હર્ષ સંઘવીએ ફરિયાદી સાથે મુલાકાત કરીને આપવીતી જાણી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની દાણાપીઠ બજાર ખાતે પહોંચ્યા હતા કારણ કે, અહીંયા નવાબ મસ્જીદ ખાતે ભાડુઆતોને વકફ બોર્ડનો લેટર બતાવી તાળા તોડી મસ્જીદના ટ્રસ્ટી સહિતના લોકોએ ભાડુઆતો સાથે માથાકૂટ કરી તેમનો સામાન દુકાનની બહાર ફેંકી દીધો હતો, જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 9 આરોપીને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હર્ષ સંઘવીએ ફરિયાદી વિરેન્દ્ર કોટેચાની મુલાકાત કરી, તેમની સાથે બેસી સમગ્ર ઘટના વિશે પૂછપરછ કરી હતી. જેથી, ફરિયાદીએ આપવીતી જણાવી હતી. ફરિયાદીએ પોલીસ કાર્યવાહી બાદ ફરી દુકાનમાં તેમનો સામાન મૂકાઈ ગયો છે એવું કહેતા હર્ષ સંઘવીએ ફરિયાદી વેપારીને વિશ્વાસ આપ્યો હતો અને પોલીસ તમારી સાથે છે કોઈ ચિંતા કરશો નહીં તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ફક્ત એટલું જ નહિ તેઓએ તમામ દુકાનોની મુલાકાત પણ કરી હતી અને આ સમયે તેમનું સ્વાગત સન્માન કરી ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા વેપારીઓએ લગાવ્યા હતા. વેપારીઓને ‘પોલીસ તમારી સાથે છે’ એવો વિશ્વાસ અપાવ્યો
જે. પી. ટ્રેડર્સના સાહિલભાઈએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર મારફત લેખિતમાં આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ હર્ષ સંઘવીને જણાવ્યું હતું કે, આજથી 6 માસ પૂર્વે પણ આ જ ફારૂકભાઈ મુસાણી કે, જેઓ મસ્જીદના ટ્રસ્ટી છે તેઓએ વક્ફ બોર્ડના નામે અમારી સાથે પણ માથાકૂટ કરી હતી. PWD અંતર્ગત અમારી દુકાન આવતી હોવા છતાં 6 માસ પૂર્વે અમે રીનોવેશન કરાવતા હતા ત્યારે પણ અમને રીનોવેશન કરવા માટે મનાઈ કરતા હતા અને 40-50 માણસોનું ટોળું લઇ આવી અમારી સાથે બબાલ કરી હતી. આ તમામ બાબતો ગૃહરાજ્ય મંત્રીને જણાવતા હવે પછી ચિંતા ન કરવા આશ્વાસન આપી પોલીસ તમારી સાથે છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાયબર સેન્ટિનલ્સ લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે. તેમના દ્વારા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી. બપોરના 3.30 વાગ્યે તેઓ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને અહીંયા તેમને તેમનું અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા અહીંયા બનાવવામાં આવેલી અતિઆધુનિક સાયબર સેન્ટિનલ્સ લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સાથે ધારાસભ્ય ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના શહેર ભાજપના નેતાઓ જોડાયા હતા. સાયબર સેન્ટિનલ્સ લેબનું ઓપનિંગ કર્યા બાદ હર્ષ સંઘવી દ્વારા 20 મિનિટ સુધી આ લેબનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વધતા જતા સાયબર ક્રાઇમ સામે આ લેબ કેવી રીતે વધુ મદદરૂપ થઇ શકશે તે અંગે માહિતી મેળવી હતી. સાયબર ગુનાઓને અટકાવવા માટે મદદરુપ સાબિત થશે
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ.ઝણકાટએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વધતા જતા સાયબર ક્રાઇમના બનાવને અટકાવવા તેમજ સાયબર ગુનાઓને અસરકારક રીતે શોધવા, નવીન મોડસ ઓપરેન્ડીની આગોતરી સમજ મેળવવા તથા બનેલ સાયબર ગુનાઓના ઉંડાણપૂર્વકના અસરકારક અન્વેષણના ઉમદા હેતુ સાથે સાયબર સેન્ટીનલ લેબનું નિર્માણ કરવામાં આવેલ છે. લોક ભાગીદારીથી રાજકોટ શહેર સાયબર સિકયુરીટી સોસાયટી નામના ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેર પોલીસના અધિકારીઓને હોદ્દાની રૂએ તથા રાજકોટ શહેરના અગ્રણીઓને ટ્રસ્ટી તેમજ સભ્ય તરીકે નીમવામાં આવેલ છે તેઓની પાસેથી કુલ રૂ.4 કરોડ 26 લાખ 4 હજાર રૂપિયાનું ડોનેશન મેળવી સાયબર સેન્ટીનલ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. પોલીસ કર્મચારીઓને સાયબર ડીટેક્શનમાં મદદ મળશે
ઉલ્લેખનીય છે કે અતિઆધુનિક ઉપકરણો તથા Maltego, Oxygen Forensics, UFED, FTK, Digital Collector Inspector, Acunetix, Bursuite Pro, Sonar Cube, Tableu TX1, MailXaminer જેવા સોફ્ટવેરથી સુસજ્જ સાયબર સેન્ટીલ લેબની મદદથી સાયબર ક્રાઇમને લગત રીસર્ચ અને ડેવલોપમેન્ટ, સાયબર ક્રાઈમના ગુનાનું ઉંડાણપૂર્વકનું અન્વેષણ રાજકોટ શહેર પોલીસ તથા સૌરાષ્ટ્રના જીલ્લાઓના પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમ અન્વેષણની તાલીમ, સાયબર ક્રાઈમથી રક્ષણ અર્થે નાગરીકોમાં જાગૃતા ફેલાવવી, ટેકનીકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટરશીપ મારફતે ટ્રેનીંગ વગેરે જેવા કાર્યોમાં તેમજ સાયબર અપરાધના પ્રીવેન્શન તથા ડીટેક્શનમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને મદદ મળશે.