અમદાવાદની ખ્યાતિ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં PM-JAY યોજના હેઠળ ચાલતી હોસ્પિટલોની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢમાં પીએમ જેવાય યોજના અંતર્ગત ચાલતી હોસ્પિટલોને કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી જે મામલે જાગૃત નાગરિક દ્વારા તપાસની માગ કરવામાં આવી હતી. ત્યારે આજે જૂનાગઢ કલેક્ટર દ્વારા દિવ્યભાસ્કરને જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં 1400 જેટલા દર્દીઓની સાથે PM-JAY યોજના અંતર્ગત લીધેલી સારવાર મામલે વાતચીત કરવામાં આવી હતી. જેમાં કેશોદની આવકાર હોસ્પિટલની બેદરકારી સામે આવતાં આ હોસ્પિટલને PM-JAY યોજનામાંથી રદ કરવામાં આવી છે. તેમજ જૂનાગઢની અન્ય આઠ હોસ્પિટલોને નોટિસ પાઠવી ખુલાસો માગવામાં આવ્યો છે. આવનાર સમયમાં આ હોસ્પિટલો મામલે કોઈપણ બેદરકારી સામે આવશે તો તેના પર પગલા ભરવામાં આવશે. ત્યારે હાલ જૂનાગઢ તંત્ર દ્વારા કેશોદની આવકાર હોસ્પિટલને PM-JAY યોજનામાંથી બાકાત કરતા PM-JAY યોજના હેઠળ ચાલતી જૂનાગઢની હોસ્પિટલોમાં ફફડાટ ફેલાયો છે. PM-JAYમાં સારવાર લીધેલા દર્દીઓની સારવારની તપાસ
જૂનાગઢની હોસ્પિટલો દ્વારા PM-JAY યોજના હેઠળ સારવાર લીધેલા દર્દીઓને કયા પ્રકારની સેવા આપવામાં આવી હતી? અને કયા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા? તે મામલે હાલ તંત્ર દ્વારા ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. જે મામલે ઘણા મુદ્દાઓ તંત્ર સામે આવ્યા છે. જેમાં દર્દીઓને સારવાર બાદ ઘરે જતા સમયે ભાડુનો ચૂકવ્યું હોય, અને જે સારવાર માટે ક્લેમ કરવામાં આવ્યો હોય તે ઉપરાંત દર્દીઓ પાસેથી પૈસા માગવામાં આવ્યા હોય. આ બાબતે તપાસ બાદ જૂનાગઢની 8 જેટલી અલગ અલગ હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. અને આ હોસ્પિટલો પાસેથી ખુલાસા માગવામાં આવ્યા છે ત્યારે આવનાર સમયમાં જૂનાગઢની ઘણી હોસ્પિટલોની બેદરકારી સામે આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ઇન્સ્યોરન્સ કંપની તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ
જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાસીયાએ જણાવ્યું હતું કે, હાલ PM-JAY યોજના અંતર્ગત તમામ બાબતોની તપાસ કરતા કેશોદની આવકાર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આ મામલે ઇન્સ્યોરન્સ કંપની તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં તપાસ કરતા આવકાર હોસ્પિટલની ઘણી બેદરકારી સામે આવી હતી. ત્યારે કમિટીની બેઠકમાં આવકાર હોસ્પિટલની પીએમજે યોજના રદ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેને લઇ સરકાર દ્વારા આવકાર હોસ્પિટલની PM-JAY યોજના રદ કરી છે. પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં દર્દી PM-JAYનો લાભ લે છે
જૂનાગઢ જિલ્લામાં પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં લોકો PM-JAY યોજના અંતર્ગત લાભ લેતા હોય છે. આ દર્દીઓની સારવાર માટે જે હોસ્પિટલને ચૂકવણું કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને લગભગ 1400 જેટલા અલગ અલગ દર્દીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ દર્દીઓને કયા પ્રકારની સેવા આપવામાં આવી હતી અને કયા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, તે મામલે ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જે મામલે ઘણા મુદ્દાઓ તંત્ર સામે આવ્યા હતા, જેમાં દર્દીઓને સારવાર બાદ ઘરે જતા સમયે ભાડુ ન ચૂકવ્યું હોય, અને જે સારવાર માટે ક્લેમ કરવામાં આવ્યો હોય, તે ઉપરાંત દર્દીઓ પાસેથી પૈસા માગવામાં આવ્યા હોય, આ બાબતને લઈ આઠ જેટલી અલગ અલગ હોસ્પિટલો ને નોટિસ પાઠવવામાં આવી છે. આ આઠ હોસ્પિટલો પાસેથી આ તમામ બાબતોને લઈ ખુલાસો પણ માગવામાં આવ્યો છે. આગામી સમયમાં આ હોસ્પિટલ તરફથી જે ખુલાસા રજૂ કરવામાં આવશે અને જો આ હોસ્પિટલોની કોઈ ભૂલ સામે આવશે તો આવી હોસ્પિટલો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.