પાટડી તાલુકાના બજાણા ગામે અભ્યારણ્ય વિભાગના આરએફઓ અને બીટગાર્ડ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે, જયારે સામે બજાણાના ગાઈડ યુવાન સામે ફરજમા રુકાવટની ફરિયાદ નોંધાઈ છે. જેમાં બે દિવસ અગાઉ પ્રવાસીઓ સાથે ગયેલા ગાઈડ અને વનવિભાગના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પાટડી તાલુકાના બજાણા ગામે ઘુડખર અભ્યારણ્ય વિભાગની રેન્જ ઓફિસ આવેલી છે અને 4954 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ અભ્યારણ્ય વિભાગમાં પ્રવાસીઓને જવા માટે બજાણા પુલ પાસે આવેલા ગેટ નજીક વનવિભાગની પાવતી ફડાવીને પ્રવેશ કરવાનો હોય છે. ત્યારે આ અભ્યારણ્ય વિભાગમાં પ્રવાસીઓ માટે ગાઈડનું કામ કરતા બજાણા ગામના રાહુલ મેરાણી બે દિવસ અગાઉ પ્રવાસીઓને લઈને બજાણા રણમાં ગયા ત્યારે રણમાં ફોટા પાડવા બાબતે ગાઈડ અને અભ્યારણ્ય વિભાગના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાની સાથે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ત્યારે આ બાબતે બજાણા ગામના રાહુલ મેરાણીએ બજાણા ગ્રામજનોને સાથે રાખીને ટોળા સાથે બજાણા પોલીસ મથકે જઈ બજાણા અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલા અને એરિયા બીટગાર્ડ હિતેષ કુકડીયા વિરુદ્ધ જાતિ પ્રત્યે અપમાનિત કરી અભ્યારણ્યમાં માર મારવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે. જયારે સામે બજાણા અભ્યારણ્ય વિભાગના હિતેષ કુકડીયાએ બજાણા ગામના ગાઈડનું કામ કરતા રાહુલ મેરાણી વિરુદ્ધ બજાણા ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં વેટલેન્ડ પાણી ભરેલા વિસ્તારમાં પ્રવાસીઓને ગાડીમાંથી નીચે ઉતારી પક્ષીઓની એકદમ નજીક જઈ ફોટોગ્રાફ લેતા હોઈ બીટ ઇન્ચાર્જે આ રીતે ફોટો લઇ શકાય નહી એમ કહેતા રાહુલ મેરાણીએ એકદમ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે એમ બીભસ્ત વર્તન કરી ગાડીમાંથી લાકડી કાઢી મારવા જતાં એની વિરુદ્ધ કાયદેસરની ફરજમાં રુકાવટ કર્યાંની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બજાણા પોલીસે સામસામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીઆઇ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.