ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલુ ગગડ્યું છે. આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂકાતા વધુ ઠંડીનો અનુભવ થાઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે. તદુપરાંત આગામી 48 કલાકમાં હજુ પણ વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છનું લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. આ સાથે જ વાતારવણમાં ધુમ્મસ છવાતા હવાઈ મુસાફરીને પણ અસર થઈ રહી છે. બર્ફીલા પવનો ફૂકાતા ગુજરાત ઠંડુગાર બન્યું
છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું એટલે કે છેલ્લા 24 કલાક દરમિયાન 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ઠંડા પવનને લીધે તાપમાનનો પારો દોઢ ડિગ્રી તૂટ્યો
સોમવારે અમદાવાદનું લઘુતમ તાપમાન તાપમાન 1.6 ડિગ્રી ગગડીને 13.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27.7 ડિગ્રીએ પહોંચતાં શહેરમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે. 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.જેમાં 6.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. રાજકોટમાં 8.2, કંડલા 8.9, કેશોદ 9.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આગામી 4 દિવસ સુધી ઠંડીનો જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે વડોદરામાં ઠંડીનો પારો 12થી 14 ડિગ્રીની આસપાસ રહેશે
વડોદરામાં સોમવારે લઘુતમ તાપમાનના પારામાં 2.2 ડિગ્રીનો ઘટાડો થઈ 14.2 ડિગ્રી નોંધાયો હતો. ઉત્તર તરફથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં પારો હજુ ગગડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બીજી તરફ લઘુતમ તાપમાનની મહત્તમ તાપમાનનો પારો પણ 2.4 ડિગ્રી ઘટી 27 ડિગ્રી થયો હતો. જ્યારે પવનની ગતિ 5 કિમીની નોંધાઇ હતી. સવારે ભેજનું પ્રમાણ 80 ટકા અને સાંજે 38 ટકા નોંધાયું હતું. સવારે હવાનું દબાણ 1015.7 મિલિબાર્સ અને સાંજે 1012.9 મિલિબાર્સ નોંધાયું હતું. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે, 5 જાન્યુઆરીથી રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, તે પ્રમાણે જ સોમવારથી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે, જે 15 જાન્યુઆરી સુધી રહેશે. ઉત્તર ભારતમાં હીમવર્ષાને કારણે ઠંડીની શરૂઆત થઇ છે. આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આજે લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી 14 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં એક જ દિવસમાં તાપમાનનો પારો અઢી ડિગ્રી ગગડ્યો, રાત્રે ઠંડીનો ચમકારો
ઉત્તરના બર્ફિલા પવનોનું જોર વધતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શીતલહેર છવાઈ ગઈ છે. સોમવારે એક જ દિવસમાં લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી ગગડી 16.2 થતાં રાત્રે ઠંડી વધી હતી. આગામી બે દિવસ લઘુતમ તાપમાન વધુ 2થી 3 ડિગ્રી ગગડીને 13 ડિગ્રી સુધી જઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 2.4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 62 ટકા અને સાંજે 55 ટકા નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમ દિશાથી 8 કિ્મીની ગતિએ પવન ફૂંકાયા હતા. રાજકોટમાં ઠંડીનો પારો ગગડ્યો, ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રી
રાજકોટમાં જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડી જાણે ગાયબ થઈ હોય તેમ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જોકે, બીજા સપ્તાહમાં જ આકરી ઠંડીનો અનુભવ થયો છે. સોમવારે સવારે અચાનક ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું. આ સાથે નલિયા બાદ રાજકોટ રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું હતું જે સિઝનના સામાન્ય તાપમાન કરતાં 4 ડિગ્રી ઓછું છે. રવિવારે પારો 13.5 ડિગ્રી સેલ્સિયસ હતો જે દર્શાવે છે કે તેમાં ભારે ગાબડું પડ્યું છે. બીજી તરફ સોમવારે આખો દિવસ 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ કારણે મહત્તમ તાપમાન પણ 26.8 ડિગ્રી સેલ્સિયસ સુધી જ પહોંચી શક્યું હતું, જેથી દિવસ આખો ઠાર અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ ત્રણ દિવસ સુધી આ જ સ્થિતિએ તાપમાન રહેશે ત્યારબાદ નજીવો વધારો આવી શકે છે. 2020માં 7 ડિગ્રી નોંધાયું હતું, -0.6 ડિગ્રીનો છે 90 વર્ષ જૂનો રેકોર્ડ
રાજકોટ શહેરમાં જાન્યુઆરી માસ દરમિયાન પારો 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અને જૂજ કિસ્સામાં જ 8 ડિગ્રી કરતા નીચું જાય છે. 2020માં 8.7 અને 2017માં 8.3 ડિગ્રી રહ્યું હતું, ત્યારબાદનું સોમવારનું તાપમાન સૌથી ઓછું છે. જો કે, રેકોર્ડની વાત કરવામાં આવે તો 16 જાન્યુઆરી 1935ના દિવસના ન્યૂનતમ તાપમાન -0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે, તે સમયે પાણી ખરેખર બરફ થઈ જાય એટલી ઠંડી પડી હતી. ગતરોજ પુણેથી વડોદરા અને વડોદરાથી પુણે જતી ફ્લાઈટ બે કલાક લેટ
વડોદરા એરપોર્ટ પર પુણેથી આવતી ઇન્ડિગોની ફ્લાઈટ 6E6561 સમય કરાતા સવા બે કલાક મોડી પહોંચી હતી. જ્યારે દિલ્હીની બે ફ્લાઇટ અને મુંબઈની ફ્લાઇટ સમય કરાતા 40 મિનિટ મોડી પહોંચી હતી. સમય કરતાં મોડી પહોંચેલી ઇન્ડિગો પુણેની ફ્લાઈટ સમય કરતા બે કલાક લેટ પ્રસ્થાન કર્યુ હતી, જેથી પુણે જનાર પેસેન્જર અટવાયા હતાં. આ સાથે ઈન્ડિગો અને એર ઈન્ડિયાની દિલ્હી, મુંબઈની ફ્લાઈટ સમય કરતા 30થી 60 મિનિટ મોડું પ્રસ્થાન કર્યું હતું. હાલમાં ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે મોટા ભાગની ફ્લાઇટ સમય કરાતા એરપોર્ટ પર મોડી પહોંચી રહી છે. ધુમ્મસથી દિલ્હીમાં 400, કોલકાતામાં 60 ફ્લાઇટને અસર
દિલ્હી એરપોર્ટ ખાતે પ્રતિકૂળ હવામાનને કારણે વિઝિબિલિટી ઘટતા 400થી વધુ ફ્લાઇટ્સ મોડી હતી. જોકે, કોઇ પણ ફ્લાઇટ્સ ડાઈવર્ટ ન કરાઇ હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું. દિલ્હી એરપોર્ટ ખાતે ઓછી વિઝિબિલિટી હોવા છતાં ફ્લાઇટ્સની કામગીરીને કોઇ અસર થઇ નથી. દિલ્હી એરપોર્ટે એક્સ પર કરેલી પોસ્ટ અનુસાર તમામ મુસાફરોને ફ્લાઇટની અપડેટેડ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવે છે. સ્પાઇસ જેટે એક્સ પર જાણકારી આપી હતી કે, દિલ્હી, અમૃતસર, જમ્મુ, શ્રીનગર, ગોરખપુર, વારાણસી, અયોધ્યા, દરભંગા અને પટણામાં પ્રતિકૂળ હવામાનને કારણે તમામ પ્રસ્થાન-આગમન તેમજ ત્યારબાદની ફ્લાઇટ્સ સેવાને અસર થવાની શક્યતા છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ 1,300 જેટલી ફ્લાઇટ્સનું સંચાલન થાય છે.