HMPV પોઝિટિવ બાળક સ્વસ્થ થતા રજા અપાઈ ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઇરસે ગુજરાતમાં દસ્તક દીધી છે. અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું હતુ. જો કે બાળક સારવાર બાદ રિકવર થતા રજા અપાઈ છે. બાળક 10 દિવસ પહેલાં પોઝિટિવ આવ્યું હોવા છતાં હોસ્પિટલે તંત્રને જાણ કરી નહોતી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ડરવાની જરૂર નથી. સરકારે પણ સતર્કતાના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરા જિલ્લા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ વડોદરા જિલ્લા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે. એવામાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતીષ નિશાળિયાએ ફરી દાવેદારી કરતાં પાર્ટીના મહિલા કાર્યકર્તા ભારતીબેન ભાણવડિયા વિરોધ નોંધાવ્યો. મહિલા કાર્યકર્તાએ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતીષ નિશાળિયાને રિપીટ ન કરવા વિનંતી કરી છે. રાજકોટઃ શિક્ષકે વિદ્યાર્થિનીઓની છેડતી કરી રાજકોટની બેડી વાછકપર સરકારી શાળાના લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીઓને બીભત્સ વીડિયો બતાવી છેડતી કરી. શાળામાં જ્યાં CCTV ના હોય ત્યાં લઈ જઈ શિક્ષક છેડતી કરતો હતો. વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. MLAની બહેનના MLA અને પોલીસ પર ગંભીર આક્ષેપ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેમનાં બહેન વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદને લઈને બહેન દયાબેને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. દયાબેને શાપર પોલીસ રમેશભાઈના ઈશારે જ કામ કરતી હોવાનું કહી પોલીસ તેમને પરેશાન કરતી હોવાનો આક્ષેપ કર્યો. જો કે, રમેશ ટીલાળાએ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, મેં પોલીસને કોઈ સૂચના આપી નથી. વીંછિયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ રાજકોટના વીંછિયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. હત્યાના આરોપીનો વરઘોડો કાઢવાની માગ સાથે મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. દીવઃ હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ દીવમાંથી હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ. હોટેલ કેશવમાં એક યુવતી સહિત 3ની ટોળકી સાથે મળી ગ્રાહકોને ટાર્ગેટ કરતી હતી. આરોપી ગ્રાહકોનો અંગતપળોનો વીડિયો બનાવી લાખોનો તોડ કરતા હતા. અમદાવાદઃ પોલીસ પર હુમલા કરનાર 16 આરોપીની ધરપકડ અમદાવાદના બોપલમાં પોલીસ પર હુમલા કરનાર 16 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવતીની છેડતી બાબતે પથ્થરમારાની ઘટના બાદ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો.