સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી. તે દરમિયાન એસ.ટી. બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરીને અકસ્માત અટકાવ્યો હતો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી હતી. ટકોર બાદ મહિલા ઉશ્કેરાઇ ગઈ હતી અને ડ્રાઈવરને ઉપરાછાપરી ત્રણ તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હાલ પોલીસે બે અજાણી મહિલાની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ‘બેન બસ ચાલે છે એ તો જુઓ’- ડ્રાઇવર
સુરતના અડાજણ વિસ્તારમાં મોરા વિસ્તારમાં જતી એસ.ટી. બસના ડ્રાઈવરે પરિસ્થિતિ પર કાબૂ પાડી, અકસ્માત ટાળવા માટે ઝડપી નિર્ણય લેતા એક અકસ્માતની ઘટના બનતી અટકી ગઈ હતી. એસ.ટી બસના ડ્રાઇવરે સામેથી રોંગ સાઇડમાં આવતી મહિલા બસની એકદમ નજીક આવી જતાં બ્રેક મારી અકસ્માત થતાં અટકાવ્યો હતો. જે બાદ ડ્રાઇવરે બંને મહિલાઓને ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, ‘બેન બસ ચાલે છે એ તો જુઓ.’ ડ્રાઈવરને ધડાધડ ત્રણ લાફા ઝીંકી દીધા
ડ્રાઇવરે અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ના ગમી, અને તેણે ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દ બોલવા લાગી. વાત એટલી હદે વણસી ગઈ કે મહિલાએ ગુસ્સામાં આવીને ડ્રાઈવરને ધડાધડ ત્રણ લાફા ઝીંકી દીધા હતા. મહિલાએ માત્ર એટલું જ ન કર્યું, પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી હતી. આ ઘટનાને કારણે બસના અન્ય યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, ડ્રાઈવરે પોતાનું સંયમ જાળવવા માટે પુરતો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે અજાણી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. એસ.ટી. યુનિયનના નેતા કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડીયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલા તેમજ તેના મળતિયાઓ વિરુદ્ધ FIR નોંધાવી છે.