સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સ્મિત જિયાણી નામના યુવક દ્વારા પોતાની પત્ની અને પુત્રના ચપ્પુ વડે ગળું કાપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. પત્ની, પુત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ સ્મિતે પોતાનાં માતા-પિતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં પોતાનું ગળું પણ કાપી આપઘાતનો સ્ટન્ટ કરનાર સ્મિતે પોલીસ સમક્ષ પોતાનું મોં ખોલ્યું છે. પોલીસને આખો ઘટનાક્રમ વર્ણવતાં સ્મિતે જણાવ્યું કે સવારે પત્નીની હત્યા કરતી વેળા જાગી ગયેલાં પાંચ વર્ષીય પુત્રની હત્યા કરી હતી. આપઘાતની કોશિશ બાદ પત્ની અને પુત્રની ડેડબોડી વચ્ચે જઈ સૂઈ ગયો હતો, પણ મોત આવે એ પહેલાં પોલીસ પહોંચી ગઇ હતી. સ્મિતે હોસ્પિટલમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો
સરથાણા જકાતનાકા પાસે આવેલ સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત જિયાણી (મૂળ રહે. સાવરકુંડલા, જિ. અમરેલી)એ 27 ડિસેમ્બરના શુક્રવારની વહેલી સવારે પત્ની હિરલ અને પુત્ર ચાહિતને ગળા પર ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ પર પણ હત્યાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી પોતે પણ ગળા પર ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે જે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યાં વેન્ટિલેશન બારીના કાંચ વડે ગળું કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ઘટના અંગે સ્મિતનું નિવેદન નોંધ્યું
સ્મિતે કરેલાં જઘન્ય કૃત્યને લઈને પોલીસ સમક્ષ 10 દિવસ બાદ કબૂલાત કરી હતી અને હત્યાનો ઘટનાક્રમ પણ વર્ણવ્યો હતો. સ્મિતે સરથાણા પોલીસને આપેલા નિવેદન મુજબ, સવારે સાત વાગ્યાના અરસામાં તેણે પહેલા પત્નીની હત્યા કરી નાખી હતી. એ વખતે પાંચ વર્ષીય પુત્ર જાગી ગયો અને તેણે ચીસો પાડી હતી કે ‘મમ્મીને કાં મારો છો’ એવો આક્રંદ કરતાં તેને પણ ચપ્પુ મારી રહેંસી નાખ્યો હતો. અંદરથી પૌત્રની ચીસનો અવાજ આવતાં બહારથી પિતાએ બૂમો પાડતાં બહાર ધસી આવ્યો હતો. પત્ની-પુત્રની લાશ વચ્ચે સૂઈ જઈ સ્મિતે પોતાનું જ ગળું કાપ્યું
પિતાને ચપ્પુ મારતાં તે પડી ગયા હતા. એ વખતે માતા બાથરૂમમાંથી બચાવવા દોડી આવતાં તેને પણ ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. માતાએ પ્રતિકાર કરતાં ચપ્પુ તૂટી ગયું હતું. દરમિયાન પિતા બહાર ભાગી છૂટ્યા હતા. સ્મિતે પોતાની રેઝર કાતરથી પોતાને જ ઘા માર્યા હતા. ત્યાર બાદ રસોડામાંથી બીજી છરી લઇ પોતાના રૂમમાં ઘૂસી ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી પત્ની અને પુત્રની લાશ વચ્ચે સૂઈ જઈ પોતાના ગળા પર ચપ્પુ ફેરવી ચાદર ઓઢી લીધી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસે સ્મિતની ધરપકડ કરશે
ઉલ્લેખનીય છે કે પોલીસે જ્યારે દરવાજો તોડ્યો હતો ત્યારે સ્મિત પત્ની-પુત્રની ડેડબોડી વચ્ચેથી જ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. સરથાણા પોલીસ દ્વારા સ્મિતનું વિગતવાર નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. આરોપીની પ્રાથમિક કબૂલાત વચ્ચે પોલીસ હવે સ્મિતને રજા મળે એની રાહ જોઇ રહી છે. રજા મળ્યા બાદ તેની ધરપકડ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે, એવું સરથાણા પોલીસે જણાવ્યું હતું.