જસપ્રીત બુમરાહ ડિસેમ્બરમાં તેના પ્રદર્શન માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતી શકે છે. તેની સાથે ICCએ સાઉથ આફ્રિકાના બોલર ડેન પેટરસન અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને પણ નોમિનેટ કર્યા છે. મહિલા ક્રિકેટરોમાં ભારતની સ્મૃતિ મંધાના પણ રેસમાં છે. તેની સાથે ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ અને સાઉથ આફ્રિકાની એન માલાબાને પણ નોમિનેટ કરવામાં આવી છે. બુમરાહે 3 મેચમાં 22 વિકેટ લીધી
જસપ્રીત બુમરાહે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે 3 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 22 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે મેલબોર્ન અને બ્રિસબેનમાં 18 વિકેટ લીધી હતી. તે એડિલેડમાં માત્ર 4 વિકેટ લઈ શક્યો હતો, કારણ કે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં માત્ર 2 ઓવરની બેટિંગ કરીને મેચ જીતી લીધી હતી. પેટરસને 13 અને કમિન્સે 17 વિકેટ ઝડપી
પ્લેયર ઓફ ધ મંથની રેસમાં સાઉથ આફ્રિકાના ડેન પેટરસનનો પણ સમાવેશ થાય છે. તેણે શ્રીલંકા અને પાકિસ્તાન સામે માત્ર 2 ટેસ્ટમાં 13 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ભારત સામે 3 ટેસ્ટમાં 17 વિકેટ લીધી હતી. બુમરાહનું પ્રદર્શન ત્રણેય ખેલાડીઓમાં સારું હતું, તેથી તે આ એવોર્ડ જીતી શકે છે. મંધાનાએ 463 રન બનાવ્યા
ભારતની ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાનાએ ડિસેમ્બરમાં 9 મેચ રમી અને 463 રન બનાવ્યા. તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 5 મેચમાં 50+ સ્કોર બનાવ્યા. તેણે ODIમાં 270 રન અને T-20માં 193 રન બનાવ્યા હતા. એનાબેલ સધરલેન્ડ પણ રેસમાં
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડે 5 મેચમાં 9 વિકેટ લીધી અને 269 રન બનાવ્યા. જ્યારે સાઉથ આફ્રિકાના સ્પિનર નોનકુલુલેકો માલાબાએ માત્ર 4 મેચમાં 12 વિકેટ લીધી હતી. મંધાના અને સધરલેન્ડ એવોર્ડ જીતવાની રેસમાં ટોચ પર હોય તેવું લાગે છે.