ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેના પરીણામો ગઇકાલે આવ્યા છે. જેમાં માતર બેઠક રસપ્રદ બની હતી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અપક્ષ ઉમેદવારીમા જીતી ગયા હતા. તો સામે ભાજપના મેન્ડેટના ઉમેદવાર હારી ગયા હતા. જેને લઇને ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. માતર તાલુકાના કેટલાક કાર્યકરો પૂર્વ ધારાસભ્ય સામે પગલા ભરવા અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી સાથે જિલ્લા કમલમમાં દોડી જઇ રજૂઆત કરી હતી. આ રજૂઆતના સંદર્ભમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે આજે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને જવાબ આપતા માતરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 15 મિનિટના સોશિયલ મીડિયા લાઈવમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આક્ષેપો કરતા કહ્યું કે, રાજીનામું આપવાની ચિમકી આપનારા રાજીનામું કેમ આપતા નથી. જે રાજીનામાં આપવાની વાત કરે છે, તે પોતે જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરીને બેઠા છે. જો તમે ભાજપના મેન્ડેટ વગર ચૂંટણી જીતીને બતાવો તો હું આખી જિંદગી ભાજપ કાર્યાલય બેસી કાર્યકરોને પાણી પીવડાવીશ. તમારામાં તાકાત હોય તો માતરની જિલ્લા પંચાયત બેઠક ભાજપના સિમ્બોલ વગર મારી સામે ચૂંટણી લડી બતાવો. આમ કહેતા હવે આવનાર જિલ્લા પંચાયત ચૂંટણી પણ રસપ્રદ બને તો નવાઈ નહીં રહે.