ચાર દિવસ પહેલા જ જૂનાગઢના બગડુથી પ્રભાતપુરના ખેડૂતોએ તંત્ર દ્વારા ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બગડુગામથી પ્રભાતપુર સુધીના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી આ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાય છે જેને લઈ અરજદાર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અરજદારના જ ખેતરમાં તંત્ર દ્વારા ઉભા પાકને નુકસાની પહોંચાડવામાં આવી હતી. તે જ ખેતરમાં ગટર બનાવવામાં આવી હતી. જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ ખેડૂતો દ્વારા એવા પણ આક્ષેપો કરાયા હતા કે, આ કામગીરી તંત્ર દ્વારા રાજકીય ઈશારે કરવામાં આવી છે. ત્યારે આ તમામ બાબતે આરએનબી વિભાગના અધિકારીએ જણાવ્યું કે, કામગીરી નિયમો અનુસાર કરવામાં આવી છે અને કોઈ રાજકીય ઈશારે આ કામગીરી કરવામાં આવી નથી. બગડુ ગામના ખેડૂત પ્રફુલભાઈ રાબડીયા પ્રફુલ વણપરીયાએ જણાવ્યું હતું કે, બગડુ થી પ્રભાતપુર રોડ પર વર્ષોથી એક સમસ્યા હતી. જેમાં રોડથી દક્ષિણ બાજુના ખેતરોના પાણીનો નિકાલ રોડની ઉત્તર બાજુએ ગટરમાં નિકાલ થતો હતો. વર્ષ 1987 માં જ્યારે સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી ત્યારે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, અમારા ખેતર ના પાણી નિકાલનું શું ? ત્યારે મામલતદારે ઓર્ડર કર્યો હતો કે, જે રોડ બને છે તેમાં નીચેની બાજુએ ભુંગળા નાખી દો, જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે. પ્રભાતપુર તરીકે ઓળખાતી સામેની બાજુએ એક ગાળી આવેલી છે. તે સમયે ત્યાં પાણી નિકાલની વ્યવસ્થા રાખવામાં આવી હતી. પરંતુ સમય જતા પેસકદમીના કારણે તે ગાળી બંધ થતી ગઈ. જેથી ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દક્ષિણ બાજુના ભરાતા પાણીના નિકાલ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, જે ખેડૂત દ્વારા અરજી કરવામાં આવી છે તેના જ ખેતરમાં આરએનબી વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી છ ફુટ ઊંડી ગટર બનાવી નાખવામાં આવી છે. તંત્ર દ્વારા જે જગ્યા પર કામગીરી કરવાની હતી ત્યાં કામગીરી કરવામાં આવી નથી અને જેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેના જ ખેતરમાં ગટર બનાવવામાં આવી છે. આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી અને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ખેડૂતોના ઉભા પાક જેવા કે ઘઉં તુવેર અને અન્ય પાકોમાં જેસિબી ચલાવી નુકસાન પહોંચાડ્યું છે. તંત્ર દ્વારા જે 6 ફૂટ ઊંડી ગટર કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ જઈ શકતા નથી. ખેડૂતો દ્વારા રજૂઆત છે કે જે અરજદારો દ્વારા પાણી નિકાલ મામલે રજૂઆત કરવામાં આવી છે તેના ખેતરોમાં જે તંત્ર દ્વારા ઊંડી ગટર કરવામાં આવી છે તેને ફરીથી પૂરવામાં આવે. જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ના છૂટકે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે. બગડું ગામના ખેડૂત મનસુખભાઈ રાછડીયાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડવાના કારણે અમારા ખેતરમાં પાણી ભરાય છે. અમારા ખેતરની સામે એ બાજુએ જે ગટર આવી છે તે બંધ થઈ ગઈ છે. વધુ વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. આ પાણીના નિકાલ માટે ખેડૂતો દ્વારા આરએનબી વિભાગમાં રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા હાલ ખેડૂતોના ખેતરોમાં ગટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. કારણ કે તંત્ર દ્વારા જે જગ્યા પર કામગીરી કરવાની આવી હતી તેના બદલે અન્ય જગ્યાએ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે જણાવ્યું હતું કે, રાજકીય ઇશારે આ કામગીરી થઈ હોવાના તમામ આક્ષેપો પાયા વિહોણા છે. આ મુદ્દો રાજકીય ઈશ્યુ બનાવવાના કોઈ પ્રયત્ન કરી રહ્યા છે. બગડુ થી પ્રભાતપુર જતો રસ્તો ગુજરાત સ્ટેટનો રસ્તો છે. જિલ્લા આરએનબી હેઠળ આવતા રસ્તાઓ મારી હસ્તકના બીજા રસ્તાઓ છે. આ રસ્તો મારા ધ્યાન પર હાલ આવ્યો છે જ્યાં કોઈ ખેડૂત અને વકીલ વણપરિયા એ મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ખેતરમાં જેસીબીથી ગટર કરવામાં આવી રહી છે. એ મામલે અધિકારીઓ સાથે વાત કરતા અધિકારીઓએ મને કહ્યું કે, 18 મીટરનો અંદાજે 40 ફૂટનો રોડ છે. સરકારી જગ્યામાં જ આ કામગીરી કરવામાં આવી છે જ્યાં ગટર ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી છે. પાણીનો નિકાલ કરી નદીમાં ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ બાબતમાં મારો કોઈ રોલ નથી. ખેડૂતોને નુકસાની થઈ હોય તે બાબત મારા ધ્યાન પર નથી પરંતુ આરએનબીના અધિકારી આબીદાબેનને વાત કરતા તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને કોઈ નુકસાની થઈ નથી. આર એન બી ની જગ્યા સિવાય એક ઇંચ પણ ખેડૂતની જગ્યામાં કામગીરી કરવામાં આવી નથી. છતાં પણ કોઈપણ અધિકારીએ જોહુકમી કરી હશે તો તેના પર કાયદેસર પગલાં ભરવામાં આવશે અમે ખેડૂતોની સાથે જ છીએ. આ સમગ્ર મામલે આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, મારા કાર્યક્ષેત્રમાં બાદલપુર પ્રભાતપુર અને બગડું રોડ આવે છે જેમાં અમૃતભાઈ વિક્રમભાઈ રાબડીયાની અરજી આવી હતી. જેમાં તેને પોતાના ખેતરમાંથી પાણીનો નિકાલ ન થતાં ખેડૂતને આર્થિક નુકસાન થતા દબાણ દૂર કરવાની બાબત જણાવાઈ હતી. આમ તો સરકારના નિયમો અનુસાર રોડની બંને સાઈડ ગટર હોય છે. ત્યારે ખેડૂત દ્વારા સરકારી જમીનનું દબાણ કર્યા હોવાની બાબત ખેડૂતને પણ જણાવ્યું હતું. ખેડૂતને પણ સરકારી જમીનમાં ગટાર બનાવી નાખવા સૂચના કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર થયેલ દબાણ ખેડૂત દ્વારા દૂર કરવામાં આવ્યું ન હતું. જેને લઇ મામલતદાર પ્રાંત અને કાર્યપાલકની સુચનાથી આ સરકારી જમીન પર થયેલ દબાણ ખુલ્લું કરાવ્યું હતું. ખેડૂતને પોતાના પાકમાં નુકસાની ગઈ હશે તો તેને મન દુઃખનો પ્રશ્ન લાગતો હશે પરંતુ રાજકીય ઈશારે કોઈ કામગીરી કરવામાં આવી નથી. જે ખેડૂતો સરકારી જમીન વાપરતા હતા જેમાં ગટર કરવામાં આવી છે તો ખેડૂતોને નુકસાની થઈ ન કહી શકાય તેને ખેડૂતો દ્વારા દબાણ કર્યું કહેવાય.