દુનિયાના જે સળગતા સવાલો છે તેમાંથી સૌથી પેચીદો સવાલ કયો છે. જવાબ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ડાયરેક્ટ કયા પ્રોબ્લેમ સાથે ઊંડો સંબંધ ધરાવે છે? પ્લાસ્ટિક. પૃથ્વી માણસોનું નહીં પ્લાસ્ટિકનું ઘર બની ગયું છે. સમુદ્રના તળિયે પ્લાસ્ટિક, આપણા ફળિયામાં પ્લાસ્ટિક, રસોડાના ડ્રોઅરમાં પ્લાસ્ટિક, પર્વતની ટોચે પ્લાસ્ટિક, ગંગામાં પ્લાસ્ટિક, ગાર્ડનમાં પ્લાસ્ટિક. અરે પીવાતા પાણીમાં પણ પ્લાસ્ટિકના કણો. પ્લાસ્ટિક વિના માણસ જીવી નથી શકતો. કપડાથી લઇને બોલપેન સુધી બધે જ પ્લાસ્ટિક. તેમાં પણ વેફરના પડીકા અને પ્લાસ્ટિકની બોટલો. દર શનિ-રવિ પછી પ્લાસ્ટિકના કચરાનો ખડકલો થઇ જાય. આ પ્લાસ્ટિકનો નિકાલ કઇ રીતે કરવો? જવાબ છે- ખાઇને. શું ખાઇને? વેનિલા આઇસ્ક્રીમ! પ્લાસ્ટિકમાંથી ફ્લેવરિંગ એજન્ટ. કઇ રીતે? એવી તે કઇ પ્રોસેસ હોય? આજ સુધી એક પણ કેમિકલ પ્લાસ્ટિકને ફેરવી નથી શક્યું તો એવી તે વળી કઇ શોધ થઇ જે પ્લાસ્ટિકમાંથી ખાઇ શકાય એવી વેનિલા ફ્લેવર બનાવી નાખે? આ બધા સવાલોના જવાબ પછી. પહેલા થોડા સીરિયસ ફેક્ટસ. દર 1 મિનિટે 1 કરોડ પ્લાસ્ટિક બોટલનું વેચાણ
દુનિયામાં દર મિનિટે એક કરોડ પ્લાસ્ટિકની બોટલો વેચાય છે. જેટલી બોટલો વેચાય છે અને વપરાય છે તેમાંથી માંડ 14 ટકા જેટલીનું જ રિસાયકલિંગ થાય છે. બાકીની બધી બોટલો સમુદ્રના તળિયે પહોંચીને પ્રદૂષણમાં વધારો કરે છે. પ્રદૂષણ વધે એટલે ગ્લોબલ વોર્મિંગ વધે. ગ્લોબલ વોર્મિંગ વધે એટલે આ વર્ષે જેમ વરસાદ ખેંચાયો એમ જ વરસાદ ઓછો પડે. વરસાદ ઓછો પડે એટલે અર્થતંત્ર ભાંગી પડે અને નાગરિકોને તકલીફ પડે. પ્લાસ્ટિકની બોટલ આખી દુનિયા તબાહ કરી શકે તેટલી વિનાશક તાકાત ધરાવે છે. એ આપણને ખબર હતી? ખબર હોય તો પણ આપણે સાવચેતીપૂર્વક ઉપયોગ કરતા ખરા? એની વે, પ્લાસ્ટિકનો ભંગાર વધતો જાય છે એ હકીકત છે. વૈજ્ઞાનિકોને જાણે કે જાદુની લાકડી મળી
જેટલું પ્લાસ્ટિક રિસાયકલ થાય છે તેમાંથી બહુ ઓછી પ્રોડક્ટ્સ બને છે. જે બને છે તેને ફેંકી દેવી પડે છે. મોટાભાગનું પ્લાસ્ટિક એવું છે જેના એક વખતના વપરાશ પછી તેને તરત ફેકી દેવું પડે છે. યૂઝ એન્ડ થ્રોનો આપણો સ્વભાવ થઇ ગયો છે. તેના કારણે બેહદ નુકસાન થાય છે. ફક્ત પાણીનું જ નહીં પણ જમીનનું પ્રદૂષણ પણ પ્લાસ્ટિક વધારે છે. પ્લાસ્ટિકને બાળવામાં આવે તો હવાનું પ્રદૂષણ વધે. પ્લાસ્ટિક બળે ત્યારે ખૂબ ઝેરી દ્રવ્યો હવામાં મિક્સ થાય એ યાદ રાખવું પડે. એટલે અત્યારના સાયન્સ પાસે પ્લાસ્ટિકનો નિકાલ કરવાનો કોઈ કીમિયો હતો જ નહીં. પરંતુ છેલ્લા થોડા સમયથી વિજ્ઞાનીઓને જાદુની લાકડી મળી છે. પ્લાસ્ટિકનો કચરો હવે માથાનો દુખાવો નહીં પણ જીભનો મીઠો સ્વાદ બની શકે તેમ છે. પ્લાસ્ટિકમાંથી વેનિલીન બનાવતા આપણે શીખી ગયા છીએ. વેનિલીન એ વેનિલાનું ફ્લેવરિંગ એજન્ટ છે. ફાર્મા કંપનીઓમાં વેનિલાની વધુ માંગ
આખી પ્રોસેસ પછી જાણીએ પણ પહેલા એ સમજીએ કે વેનિલા કેમ? વેનિલાનો ઉપયોગ ફક્ત આઇસ્ક્રીમમાં જ નથી થતો. બીજી ઘણી બધી જગ્યાએ થાય છે. વેનિલાની માંગ ફાર્મા કંપનીઓને બહુ રહે છે. દવાનું મુખ્ય કેમિકલ તો બહુ કડવું હોય. હવે એ કડવાશને ઓછી કરવા તેમાં ખાંડ ન વાપરી શકાય. (કડવાશ દૂર કરવા ખાંડ જ વાપરવી હોય તો ડાયાબિટીસના દર્દીઓ માટે દવા કઇ રીતે બનાવવી?) દવામાં રહેલા જે તે કેમિકલની વાસ અને તેનો ખરાબ સ્વાદ દૂર કરવા માટે વેનિલાનું જ ફ્લેવરિંગ એજન્ટ વપરાય. વેનિલીન સામાન્ય રીતે કુદરતી રીતે પ્લાન્ટમાંથી મળતું હોય છે. પરંતુ તેની ડિમાન્ડ એટલી વધતી જાય છે કે લેબોરેટરીમાં સિન્થેટિક રીતે તેને મેળવવું પડે છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તો વેનિલાનો ઉપયોગ છે જ.કોલ્ડ ડ્રિંક, બેકરી આઇટમ, બ્રેડ, ચોકલેટ વગેરે બનાવવા વેનિલીન જોઇએ. પ્લાસ્ટિકમાંથી વેનિલા કઇ રીતે બને?
એવી તો કોઇ લેબોરેટરી પ્રોસિજર નથી કે પ્લાસ્ટિકની બોટલને કોઇ લિક્વીડમાં ડૂબાડીએ તો એ વેનિલીનબની જાય. પ્લાસ્ટિકના રેણુઓને તોડવા ઓલમોસ્ટ અશક્ય છે એટલે તો આ કચરાનો નિકાલ નથી થઇ શકતો. આમાં પણ કુદરત જ મદદમાં આવી. ઇ.કોલાઇ નામના બેક્ટેરિયા જે આપણા પેટમાં જઠરમાં પણ હોય છે તેનો જ એક મ્યુટન્ટ પ્રકાર છે. એ બેક્ટેરિયાના દ્રાવણમાં પ્લાસ્ટિકને રાખવામાં આવે એટલે 35 ટકા જેટલું પ્લાસ્ટિક વિઘટન પામીને વેનિલીનમાં ફેરવાઇ જાય. તેની ઉપર બીજી થોડી કેમિકલ પ્રોસેસ કરીએ એટલે તે બેક્ટેરિયાને વધુ એક્ટિવેટ કરી શકાય અને બાકીનું પ્લાસ્ટિક પણ વેનિલીનમાં ફેરવાઈ જાય. તે દ્રવ્યને શુદ્ધ કરવામાં આવે એટલે ખાઇ શકાય તેવી વેનિલા ફ્લેવર આપણને મળે! ટૂંકમાં, નજીકના ભવિષ્યમાં એવું થશે કે જે પ્લાસ્ટિકના કપમાં તમે વેનિલા આઇસ્ક્રીમ માણ્યો, તે પ્લાસ્ટિકનો ફેંકી દેવાયેલો કપ ફરી પાછો આઇસ્ક્રીમ બનીને તમારા પેટમાં જશે! (ડોન્ટ વરી, એ નુકસાન નહીં કરે!)