કારખાનાથી માત્ર અમુક ઈંચ દૂર પીજીવીસીએલનું ટી.સી. છે અને તેની ઉપર માત્ર 11 વર્ષના બાળકની લાશ પડી છે. આ તસવીર વિચલિત કરી શકે છે પણ પીજીવીસીએલ અને કારખાનેદારની બેદરકારીથી બાળકનો જીવ ગયો છે તે બહાર લાવવા પ્રસિદ્ધ કરી છે. શાપર(વેરાવળ)ના માધવ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં શાંતિધામ સોસાયટીમાં જે. કે. પેકેજિંગ નામનું કારખાનું છે. આ કારખાનામાં રહેતો માત્ર 11 વર્ષનો કુશબીર સુભાષ શર્મા છત પર હતો અને કપાયેલી પતંગ લેવા જતો હતો ત્યારે કારખાનાની અમુક ઈંચ દૂર જ ટી.સી. છે તે તરફ ખેંચાયો અને વાયર પર પડી જતા સ્થળ પર જ મોત નીપજ્યું છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે, કુશબીર અનાથ છે પશ્ચિમ બંગાળથી અહીંયા તેના મામા સાથે રહેવા આવ્યો હતો. કારખાના દીવાલની તદન નજીક ટી.સી. છે, પીજીવીસીએલએ આટલી નજીક નાખ્યું કે પછી કારખાનેદારે ગેરકાયદે બાંધકામ આગળ ખેંચ્યું તે તપાસનો મુદ્દો છે. પણ ફરી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે કારખાનેદાર અને પીજીવીસીએલે યોગ્ય પગલાં લેવા જોઈએ. ઈમારતની નજીક TCને કારણે સતત ત્રીજી ઘટના
મુંજકામાં થોડા દિવસો પહેલાં જ ઘરની નજીક રહેલા ટી.સી. પાસે એક બાળક ખેંચાઈ જતા તેના હાથ પગના આંગળા બળી ગયા હતા. જ્યારે તેની પહેલાં મુંજકામાં કલરકામ કરતા એક યુવાનને પણ ટી.સી.ની હેવી વીજલાઈનને કારણે શોક લાગતાં મોત નીપજ્યું હતું. આ સતત ત્રીજી ઘટના છે. લાઈન સુરક્ષિત કરવા એસો. રજૂઆત કરશે
શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખ અમૃત ગઢિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના ગંભીર છે. સર્ક્યુલર કરીને જ્યાં પણ આ રીતે દીવાલની નજીક અને જોખમી ટી.સી. અંગે સમજ અપાશે. જે પણ આવા સ્થળો હશે તેને લઈને પીજીવીસીએલને રજૂઆત કરીને સુરક્ષિત કરવા માટે કહેવાશે. TC છતથી દૂર હોવાનો ઈજનેરનો પોકળ દાવો
શાપર સબ ડિવિઝનના ડેપ્યુટી ઈજનેર વી.બી. મેરાએ ઘટના બાદ તંત્ર અને કારખાનેદારને બચાવવા માટે પોકળ દાવા શરૂ કર્યા છે. તેઓએ કહ્યું છે કે, ‘ટીસી અગાશીની નજીક હોવાથી અકસ્માત થયો એવું ન કહી શકાય, ટીસી અગાશીથી દૂર છે પરંતુ અકસ્માત કેવી રીતે સર્જાયો તે તપાસનો વિષય છે.