વડોદરાના સમાં સાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં સોમવારે એક વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો મચ્યો છે. અન્ય વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરતા રોષ ફેલાયો છે .જોકે સ્કૂલ સત્તાવાળા માત્ર ચર્ચાઓને પગલે વાત ફેલાઇ હોવાનું જણાવ્યું છે. 6 જાન્યુઆરીએ બપોરના સમયે અંબે વિદ્યાલયના સ્ટેટ બોર્ડ બિલ્ડિંગમાં રિસેષમાં ધો.9ના કલાસ રૂમમાં આ ઘટના બની હોવાનું અન્ય વિદ્યાર્થીના વાલીઓએ જણાવ્યું છે. જેમાં ઘરે આવેલા એમના દીકરાએ ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પોતાની સ્કૂલ બેગમાં વ્હીસ્કી લાવી હતી અને અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓને હવામાં લહેરાવી બતાવી રહી હતી. રિસેષનો સમય હોવાથી શિક્ષક કે અન્ય વિદ્યાર્થીઓ હાજર હતા નહીં, પરંતુ વિદ્યાર્થિનીએ બોટલ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો એ સમયે જ ક્લાસમાં ભણતો અન્ય વિદ્યાર્થી આવી જતા બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. સ્કૂલ સત્તાવાળાઓનાં ધ્યાન પર આ વાત આવતા જે વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં બોટલ લાવી હતી તેને પરીક્ષા સુધી સ્કૂલમાં નહીં આવવા જણાવ્યું છે અને અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓનાં ક્લાસ બદલી દેવામાં આવ્યા છે, પરંતુ આ વાત બહારનાં જાય એની કાળજી રાખવામાં આવી હતી, પરંતુ અન્ય વિદ્યાર્થિઓએ વાલીઓ ને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. અગાઉ પણ અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દારૂની બોટલ લઈને આવ્યા હતા, જે ઝડપાતા ઉશ્કેરાયેલા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા ત્યારે એ 4 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે હાલની બે દિવસ અગાઉની ઘટના અંગે સ્કૂલ સંચાલકો આવું કશું બન્યું નહીં હોવાનું જણાવી રહ્યા છે. સ્કૂલ પ્રિન્સિપાલે કહ્યું, આવી કોઈ ઘટનાની જાણ નથી
અંબે વિદ્યાલયનાં પ્રિન્સિપાલ કોમલ સોનીએ જણાવ્યું છે કે આવી ઘટના અંગે મને હાલમાં કોઈ જાણકારી નથી. હું તપાસ કરાવ્યા બાદ જણાવી શકું, પરંતુ વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલતી હોય અને એમાંથી કોઇએ ઘરે જઈ વાત કરી હોય અને એમાંથી વાત ફેલાઈ હોય એવું બની શકે છે. મારા પુત્રે જણાવ્યું કે વિદ્યાર્થિની દારૂની બોટલ લાવી: વાલી
નિઝામપુરામાં રહેતા એક વાલીએ જણાવ્યું હતું કે મારો પુત્ર અંબે વિદ્યાલયમાં જ અભ્યાસ કરે છે. એના ક્લાસમાં આવી ઘટના બની હતી. તેણે મને ઘરે આવી જણાવ્યું હતું કે, ક્લાસમાં એક વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં દારૂની બોટલ લાવી હતી અને અન્ય ત્રણવિદ્યાર્થિની સાથે બેસીને દારૂની બોટલ ખોલવા જતી હતી. એ સમયે હું ક્લાસ રૂમમાં પહોંચી જતા બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. આ મામલે મેં મારા પુત્ર સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓનાં વાલીને જાણ કરી છે.