અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપીસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કોશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે ‘નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા છે. ધાનાણીના આ ધરણામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. કોઇ અનિચ્છિય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ‘વેકરિયા 40 લાખનો હપતો ઊઘરાવે જ છે’: વીરજી ઠુમ્મર
ધરણા પર બેઠેલા પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ગઇકાલે કૌશિક વેકરિયાને બોલાવ્યા હતા કે જો તમે સાચા હોવ તો આવીને ચર્ચા કરો, ખુલાસો કરો પણ પાયલ પર તમે જે કર્યું છે એ યોગ્ય નથી. એમણે જે સીટની રચના કરી છે એના પર અમને ભરોષો નથી. ગઇકાલે કૌશિક વેકરિયા આવ્યા નહીં એટલે લાગે છે કે એમના પર જે આક્ષેપ થયા એ સાચા છે. કૌશિક વેકરિયા દોષિત છે, 40 લાખ રુપિાયનો હપતો ઊઘરાવે જ છે. એટલે જ કાલે જવાબ દેવા ન આવ્યા. ‘આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં આંદોલન કરીશું’: લલિત વસોયા
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે પાયલ પર ખોટી ફરિયાદ થઇ અને બિનઅધિકૃત રીતે રાત્રે ધરપકડ થઇ, જાહેરમાં વરઘોડો કાઢ્યો અને અધિકારીઓ સામે જ મારમારવામાં આવ્યો. આટલું ઓછુ હોય એમ તપાસ માટે સીટની રચના કર્યા બાદ પણ રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવે એ કેટલું યોગ્ય છે. ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ આ પ્રકરણને પતાવવા માટે પ્રયત્ન કરે છે. દીકરી પર અન્યાય અને અત્યાચાર થયો છે એના વિરોધમાં અને દીકરીને ન્યાય અપાવવા માટે અમે ઉપવાસ પર બેઠા છીએ. આવનાર બે ત્રણ દિવસમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ આંદોલન કરવામાં આવશે. જવાબદાર પોલીસ અધિકારીઓને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ત્યાં સુધી અમે વિરોધ કરીશું. સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે અમે ગમે તે ભોગે આ દીકરીને ન્યાય અપાવીને જ રહીશું. હાઇકોર્ટમા પિટિશન દાખલ કરવા તજવીજ
બનાવટી લેટરકાંડમાં પાયલ ગોટીએ ખુદ પોલીસ વડા ખરાત અને પીઆઇ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસ વડાએ જ SITની રચના કરી હતી. જોકે, પાયલ ગોટીએ આ સીટનો અસ્વીકાર કરી નિવૃત્ત જજની અધ્યક્ષતામા સીટ રચવાની માંગ કરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ આ મુદે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે. મેડિકલ ચેકઅપ મુદ્દે હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ડીવાયએસપીની અધ્યક્ષતામા સીટની રચના કર્યા બાદ મંગળવારે રાત્રે પાયલને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાના મુદે હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. પરેશ ધાનાણીએ દરમિયાનગીરી કરી રાત્રે પાયલ ગોટીને ટેસ્ટ માટે લઇ જતા પોલીસને અટકાવ્યા બાદ પોલીસ પણ જાણે જીદે ચડી હોય તેમ મહિલા આરોગ્ય અધિકારી સાથે મેડિકલ રિપોર્ટ માટે પાયલના ઘરે પહોંચી હતી. ઉપરાંત તાલુકા મેજિસ્ટ્રેટ પણ નિવેદન લેવા માટે રાત્રે પહોંચ્યા હતા. જો કે પાયલ ગોટીએ પોલીસ વડાએ નીમેલી સીટનો જ અસ્વીકાર કરી દીધો હતો અને નિવૃત્ત જજ તથા અન્ય આઇપીએસ અધિકારીની તપાસ ટીમની માંગ કરી હતી. કારણ કે જેણે માર માર્યો, જેની સામે આક્ષેપ છે તે જ પોલીસ પોતાની તપાસ કરી રહી છે. વેકરિયા ચોકમાં ચર્ચા માટે નહોતા આવ્યા
બીજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને વિરજી ઠુંમર સહિતના કોંગી આગેવાનોએ બુધવારે સાંજના છ વાગ્યે જાહેર ચર્ચા માટે રાજકમલ ચોકમાં બેસી ગયા હતા. તેમણે જુદા જુદા આઠ મુદ્દાઓને લઇને કૌશિક વેકરિયાને અમરેલીના ચોકમા ચર્ચા માટે અગાઉથી જ પડકાર ફેંકયો હતો. જો કે વેકરિયા ચોકમાં ચર્ચા માટે આવ્યા ન હતા. આ ઉપરાંત હાઇકોર્ટના વકીલ પણ પાયલ ગોટીની મદદ માટે અમરેલી દોડી આવ્યા હતા અને પોલીસ વડા સંજય ખરાત, પીઆઇ પરમાર અને અન્ય જવાબદારો સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની જાહેરાત કરી હતી. શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટીએ કેવા આક્ષેપ કર્યા?
પાયલ ગોટીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગઇ પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઊઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું એમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યાં હતાં. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારાં મમ્મી-પપ્પાને સાચવવા આવ્યાં હતાં અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારાં મમ્મી-પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યાં હતાં અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી કે ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, મને પોલીસે માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… આ પણ વાંચો: વેકરિયા મંચ પર ન પહોંચતા ધાનાણી તાડૂક્યા- ભાજપના કાર્યકર્તાનો પત્ર અને મુદ્દા સાચા આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં સરકાર બચાવમાં, પોલીસે પોતાની સામે કોઈ ફરિયાદ ન હોવાનું પાયલ ગોટીના નામે કોર્ટમાં લેખિતમાં આપ્યું આ પણ વાંચો: ‘કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો’ આ પણ વાંચો: દીકરીને જોયાજાણ્યા વગર ગુનેગાર બનાવી ભાજપના આગેવાને પોતાનો અહમ્ સંતોષ્યો આ પણ વાંચો: વિધાનસભાના નાયબ દંડક વિરુદ્ધના કાવતરાનું એપીસેન્ટર ટ્રેડ સેન્ટર