કચ્છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીએ તેમના પુત્ર અને પુત્રીનાં લગ્ન અનોખી રીતે યોજવાનો નિર્ણય કર્યો છે. આ લગ્નોમાં આધુનિક અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમો યોજવામાં આવશે. લગ્નની કંકોત્રી પણ સંપૂર્ણ ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરવામાં આવી છે. આ સાથે વધૂના શૃંગાર માટે પણ ખર્ચાળ બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાસ્ટિકના એક ટુકડાનો પણ ઉપયોગ નહીં કરવાની વાત કરવામાં આવી છે. તેમજ આ લગ્નમાં હાજર સૌ કોઈને ભારતીય સંસ્કૃતિ મુજબનાં વસ્ત્રો પહેરવા આગ્રહ કરવામાં આવ્યો છે. ટૂંકાં કે ભપકાદાર વસ્ત્રો પહેરીને આવનારાને પ્રવેશ આપવામાં આવશે નહીં. મંડપની સજાવટ પરિવાર સાથે મળીને ગાયના ગોબર તેમજ સાચાં ફૂલોથી કરાશે. 21થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાશે લગ્ન સમારોહ
ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીએ જણાવ્યું હતું કે આજે લગ્ન-પ્રસંગોમાં લોકો બિનજરૂરી ખર્ચ કરતા હોય છે, જોકે એક ગૌપ્રેમી હોવાના કારણે આગામી તા. 21થી 25 જાન્યુઆરીએ કચ્છ ખાતે યોજાનારાં મારાં પુત્ર- પુત્રીનાં લગ્નને સંપૂર્ણ હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન સંસ્કાર તરીકે યોજવાનો નિર્ણય અમે કર્યો છે. લગ્ન સમારોહનો પ્રારંભ આમંત્રણ પત્રિકા દ્વારા થતો હોય છે અને હિન્દુ સંસ્કૃતિમાં વિવાહ સંસ્કારની પવિત્રતા જાળવવી એ આપણું સૌનું સંયુક્ત કર્તવ્ય છે. તેના નિર્વહન માટે લગ્નની પત્રિકા સંપૂર્ણ ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓથી બનાવવામાં આવી છે. દીકરીને કરિયાવરમાં 108 પ્રકારના રોપા અપાશે
લગ્નનાં ફેરામાં આપણે બોલીએ છીએ કે પહેલા ફેરામાં ગાય દાનમાં દેવાય છે, પરંતુ ગાયનું દાન કરવામાં આવતું નથી, પરંતુ અમારા પરિવારના લગ્નમાં ખરેખર ગાયનું દાન કરવામાં આવશે. આખા મંડપનું સુશોભન સંપૂર્ણ ગાયના ગોબર અને સાચાં ફૂલો દ્વારા કરવામાં આવશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને દીકરીને 108 પ્રકારના વિવિધ રોપા કરિયાવરમાં આપવામાં આવશે. બ્રાહ્મણો સંપૂર્ણપણે વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ કરાવશે. એમાં કોઈપણ રોકટોક કે ઉતાવળ કરવામાં આવશે નહીં. હાલ લગ્ન સમારોહમાં મસમોટા ખર્ચ કરવામાં આવતા હોય છે, પણ મારા પુત્ર તેમજ પુત્રીનાં લગ્ન ઓછામાં ઓછા ખર્ચે કરવામાં આવશે. દીકરીના શણગાર માટે પંચગવ્યમાંથી બનેલા કોસ્મેટિકનો ઉપયોગ
લગ્નપ્રસંગમાં લોકો બ્યૂટિપાર્લર માટે ખૂબ મોટા ખર્ચા કરતા હોય છે, પરંતુ આ પ્રસંગમાં પ્રાકૃતિક રીતે ગાયના પંચદ્રવ્ય દ્વારા બનાવેલ કોસ્મેટિક વડે દીકરીનો શણગાર કરવામાં આવશે. લગ્નમાં ટૂંકાં કપડાં પહેરીને આવનાર, વ્યસન રાખનાર તેમજ ચામડાની વસ્તુ લઈને આવનાર કોઈને પ્રવેશ અપાશે નહીં. બૂટ-ચંપલ પણ આ મંડપની બહાર રાખવાનાં રહેશે. આ પ્રસંગમાં પ્લાસ્ટિકના એક ટુકડાનો પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. ખુરસી કે વાસણોમાં પણ પ્લાસ્ટિક ઉપયોગ નહીં થાય. લગ્નમાં ભોજન સમારંભનું ખાસ મહત્ત્વ હોય છે. એના માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન માટે ગાય આધારિત ખેતીમાં પકાવેલાં અનાજ-શાકભાજીનો ઉપયોગ
ભોજન માટે જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરે છે એ ખેતીમાં પકાવેલું અનાજ, ફળફળાદિ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 4 મહિના અગાઉથી આવી ખેતી કરતા ખેડૂતોને શાકભાજી સહિતની વસ્તુનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ખાદ્ય પદાર્થ બનાવવા માટે માત્ર ને માત્ર દેશી ગાયનું દૂધ, ઘી અને માખણનો જ ઉપયોગ કરવામાં આવશે. કચ્છમાં જે વ્યક્તિગત ગૌ-પાલન થાય છે તેને બજારભાવ કરતાં વધુ ભાવ આપીને ખરીદી કરવામાં આવશે. હાલ ઘીનો ભાવ રૂ. 1200 છે છતાં આવા ખેડૂતોને રૂ. 1500નો ભાવ આપી ખરીદ કરવામાં આવ્યું છે. ભોજનમાં ક્યાંય કલર, એસેન્સ કે સેકેરિનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ભોજન પીરસવા માટે પ્લાસ્ટિકનાં વાસણનો ઉપયોગ નહીં
ભોજન પીરસવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાને બદલે તાંબા, પિત્તળ અને સ્ટીલનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવશે. દીકરીના લગ્નમાં જાન જમાડવાની હોય છે, જેમાં ખાસ પંગતમાં બેસાડીને કેળાંનાં પાન પર ભોજન પીરસવામાં આવશે. આવી અનેક વિશેષતાઓ લગ્નમાં જોવા મળશે. સમાજના કુરિવાજોને દૂર કરીને માંડવાની એક બાજુ ગાય માતાનું મંદિર અને બીજીબાજુ રાધા-કૃષ્ણનું મંદિર પ્રાકૃતિક રીતે બનાવવામાં આવશે. ડીજે અને ઢોલને બદલે પારંપરિક ગીતો ગાવામાં આવશે. આ લગ્નના મંડપ સહિતનો સંપૂર્ણ શણગાર પરિવાર તેમજ મિત્રો સાથે મળીને કરશે. ગાય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી બચાવવાનો લગ્નનો હેતુ
આ લગ્ન સમારોહનો મુખ્ય હેતુ ગાય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી બચાવવા ઉપરાંત લોકોને ભારતીય પરંપરાથી અવગત કરાવવાનો છે. 21 જાન્યુઆરીએ પુત્રના લગ્ન છે, 22 જાન્યુઆરીએ જાહેર જમણવાર છે અને 24 જાન્યુઆરીએ પુત્રીના લગ્ન યોજાવાના છે. આ દીકરીના લગ્નમાં ખૂબ મર્યાદિત લોકોને આમંત્રણ આપ્યું છે, જેમાં ખાસ કરીને સજાવટ પરિવારે સાથે મળીને જ કર્યો હોવાથી એનો ખર્ચ ઘટશે. ફટાકડાનો ખર્ચ શૂન્ય છે તેમજ બ્યૂટીપાર્લર માટે રૂ. 50 હજારથી લઈને રૂ. 2.50 લાખ સુધીનો ખર્ચ થાય છે, જેની પણ બચત થશે. આ લગ્ન દ્વારા સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની અનુભૂતિ આ લગ્નમાં આવનારા તમામ લોકોને થશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે લગ્નપ્રસંગોમાં લાખોનો ખર્ચ કરવામાં આવતો હોય છે તેમજ આધુનિક લગ્નોમાં પશ્ચિમી સંસ્કૃતિનાં દર્શન થતાં હોય છે, જેની સામે આ લગ્ન સમારંભમાં શણગાર (બ્યૂટીપાર્લર)ના અતિ મોટા અને અનાવશ્યક ખર્ચને ટાળવા વર- કન્યાનો શણગાર સંપૂર્ણ પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવશે. વર-વધૂ સંપૂર્ણ ભારતીય વસ્ત્ર પરિધાનમાં લગ્નગ્રંથિથી જોડાશે તેમજ સમગ્ર લગ્ન અને ભોજન સમારંભમાં પ્લાસ્ટિકનો સંપૂર્ણ નિષેધ રહેશે. એટલું જ નહીં, આ લગ્નમાં માંડવા સહિત સંપૂર્ણ મંડપની સજાવટ ગાયના ગોબર, સાચાં ફુલો, વૃક્ષો અને પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવશે.